મ્યુચ્યુઅલ ફન્ડસ ક્ષેત્રે SIPમાં થતું રોકાણ પ્રથમ વખત રૂ.એક લાખ કરોડને પાર
- વર્તમાન વર્ષમાં એસઆઈપીમાં કુલ રૂ. ૧૦૨૭૧૧ કરોડનું રોકાણ
- ઘરેલું સંસ્થાકીય રોકાણકારોનો હિસ્સો વધીને ૧૬.૮૦ ટકા
મુંબઈ : સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (એસઆઈપી) મારફતનું એકંદર રોકાણ વર્તમાન વર્ષમાં રૂપિયા એક લાખ કરોડની સપાટીને પાર કરી ગયું છે. કોઈ એક કેલેન્ડર વર્ષમાં એસઆઈપી મારફતનો આટલો જંગી ઈન્ફલોઝ પ્રથમ જ વખત જોવા મળ્યો છે. ભારતના મ્યુચ્યુઅલ ફન્ડસ હાલમાં ૪.૭૮ કરોડ એસઆઈપી એકાઉન્ટસ ધરાવે છે. વર્તમાન વર્ષમાં એસઆઈપી મારફત કુલ રૂપિયા ૧૦૨૭૧૧ કરોડનો ઈન્ફલોઝ રહ્યો છે.
રિટેલ રોકાણકારોના સતત ટેકાને કારણે ઘરેલું સંસ્થાકીય રોકાણકારો વિદેશી સંસ્થાકીય રોકાણકારોની આવેલી વેચવાલીના દબાણને હળવું કરી શકયા છે. આ અગાઉ ૨૦૧૯માં મ્યુચ્યુઅલ ફન્ડસમાં એસઆઈપીનો ફલોઝ રૂપિયા ૯૮૬૧૨ કરોડ રહ્યો હતો, એમ એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફન્ડસ ઈન ઈન્ડિયા (એમ્ફી)ના આંકડા જણાવે છે.
એમ્ફી દ્વારા નાણાં વર્ષ ૨૦૧૬-૧૭થી એસઆઈપી ઈન્ફલોઝના આંકડા એકઠા કરવામાં આવી રહ્યા છે.
એસઆઈપીના ઈન્ફલોઝને કારણે વર્તમાન કેલેન્ડર વર્ષના પ્રથમ અગિયાર મહિનામાં ઘરેલું સંસ્થાકીય રોકાણકારો ભારતીય ઈક્વિટીઝમાં રૂપિયા ૬૩૪૩૯ કરોડ જેટલી રકમ ઠાલવી શકયા છે. આની સરખામણીએ એફપીઆઈનો ફલોઝ રૂપિયા ૪૩૧૯૩ કરોડ રહ્યો છે.
નવેમ્બરમાં ઈક્વિટી એસેટસ અન્ડર મેનેજમેન્ટમાં ઘરેલું સંસ્થાકીય રોકાણકારોનો હિસ્સો વધીને ૧૬.૮૦ ટકા રહ્યો હતો, જે ફેબુ્રઆરી ૨૦૨૦ બાદ સૌથી ઊંચો આંક છે.
નવેમ્બરમાં સમાપ્ત થતા સાત મહિનામાં દરેકમાં એસઆઈપી બુકમાં વૃદ્ધિ જોવા મળી છે. છેલ્લા ત્રણ મહિનામાં મન્થલી ફલોઝ રૂપિયા ૧૦,૦૦૦ કરોડથી વધુ રહ્યો હોવાનું એમ્ફીના આંકડા પરથી જણાય છે.
એસઆઈપી સ્કીમમાં મળી રહેલા આકર્ષક વળતર તથા અન્ય લાભકારક રોકાણ સાધનોના અભાવે વધુને વધુ રિટેલ રોકાણકારો એસઆઈપી મારફત ઈક્વિટીઝમાં રોકાણ કરવાનું પસંદ કરી રહ્યા છે.
સેન્સેકસ સ્ટોકસમાં ઈન્વેસ્ટમેન્ટ પર એસઆઈપી મારફત ત્રણ તથા પાંચ વર્ષના વળતરની ટકાવારી અનુક્રમે ૨૬.૩૦ ટકા અને ૧૯.૪૦ ટકા મુકાઈ રહી છે, જે ૧૨ વર્ષની ઊંચી સપાટીએ છે.
વર્તમાન વર્ષમાં ઈક્વિટી ફન્ડસના ફોલિઓની સંખ્યા ૨૦ ટકા વધી ૭.૮૦ કરોડ રહી છે. ભારતના મ્યુચ્યુઅલ ફન્ડસ ઉદ્યોગની એયુએમ ૩૦ નવેમ્બર ૨૦૨૧ના અંતે રૂપિયા ૩૭,૩૩,૭૦૨ કરોડ રહી હતી.