ઈક્વિટી ફંડોમાં થતા રોકાણમાં 21 ટકાનો ઘટાડો
- મ્યુચ્યુઅલ ફંડ ફોલિયો જુલાઈના ૨૪.૫૭ કરોડની તુલનાએ ઓગસ્ટમાં ૨૪.૮૯ કરોડ થયા
- ઓગસ્ટમાં ઉદ્યોગની એયુએમ નજીવી ઘટીને રૂ.૭૫.૧૮ લાખ કરોડ થઈ : ગોલ્ડ ઈટીએફમાં રૂ.૨૧૯૦ કરોડનું રોકાણ થયું
મુંબઈ : મ્યુચ્યુઅલ ફંડોમાં ઈક્વિટી ફંડોમાં ફરી રોકાણકારો નવા રોકાણમાં સાવચેત બન્યા છે. ઓગસ્ટ ૨૦૨૫ મહિનામાં ઈક્વિટી ફંડોમાં નેટ ધોરણે રોકાણ પ્રવાહ જુલાઈના રૂ.૪૨,૭૦૨.૩૫ કરોડની તુલનાએ ૨૧ ટકા ઘટીને રૂ.૩૩,૪૩૦ કરોડ નોંધાયો છે. જે જૂન ૨૦૨૫માં રૂ.૨૩,૫૮૭ કરોડ રહ્યો હતો.
એસોસીયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડસ ઈન ઈન્ડિયા (એમ્ફી)ના આજે જાહેર થયેલા આંકડા મુજબ આ ઈક્વિટી ફંડોમાં નેટ ધોરણે રોકાણમાં ૨૧ ટકા ઘટાડો થયો છે.
અલબત સતત૫૪માં મહિને ઈક્વિટી ફંડોમાં રોકાણ પ્રવાહ પોઝિટીવ રહ્યો છે. મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગના વહીવટ હેઠળની એસેટ્સ એટલે કે એસેટ્સ અન્ડર મેનેજમેન્ટ (એયુએમ) જુલાઈના રૂ.૭૫.૩૫ લાખ કરોડની તુલનાએ નજીવી ઘટીને રૂ.૭૫.૧૮ લાખ કરોડ રહી છે.
મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણમાં રિટેલ હિસ્સેદારી મજબૂત રહી કુલ મ્યુચ્યુઅલ ફંડ ફોલિયો જુલાઈના અંતના ૨૪.૫૭ કરોડની તુલનાએ ઓગસ્ટમાં ૨૪.૮૯ કરોડ રહ્યા છે. જે જૂનના અંતે ૨૪.૧૩ કરોડ રહ્યા હતા. ઓગસ્ટ ૨૦૨૫માં કુલ ૨૩ નવી મ્યુચ્યુઅલ ફંડ સ્કિમો રજૂ કરાઈ હતી. જે તમામ ઓપન એન્ડેડ અને તમામ કેટેગરીમાં મળીને રૂ.૨૮૫૯ કરોડનું ફંડ ઊભું કર્યું છે, જે જુલાઈ ૨૦૨૫માં ૩૦ નવી સ્કિમોમાં રૂ.૩૦,૪૧૬ કરોડનું ફંડ ઊભું કરાયું હતું.
ઈક્વિટી ફંડો-સ્કિમોમાં રોકાણ પ્રવાહ ઓગસ્ટ ૨૦૨૫માં રૂ.૩૩,૪૩૦ કરોડ રહ્યો છે. જે જુલાઈ ૨૦૨૫માં રૂ.૪૨,૭૦૨ કરોડ રહ્યો હતો. તમામ કેટેગરીઝમાં ફ્લેક્સી-કેપ ફંડોમાં રૂ.૭૬૭૯ કરોડ ફંડ એક્ત્ર કરાયું છે. જ્યારે મિડ કેપ ફંડોમાં રૂ.૫૩૩૧ કરોડ અને સ્મોલ કેપ ફંડોમાં રૂ.૪૯૯૩ કરોડ એકત્ર કરાયા હતા.
રિકવરીના ટ્રેન્ડમાં આગળ વધી લાર્જ કેપ ફંડોમાં રૂ.૨૮૩૫ કરોડનું રોકાણ થયુંજ છે. સેક્ટરલ/થીમેટિક ફંડોમાં જુલાઈના રૂ.૯૪૨૬ કરોડની તુલનાએ ઓગસ્ટમાં રૂ.૩૮૯૩ કરોડ થયું છે. ડેટ ફંડોમાં ઓગસ્ટ ૨૦૨૫માં રૂ.૭૯૮૦ કરોડની જાવક નોંધાઈ છે. જે જુલાઈમાં મજબૂત રૂ.૧.૦૬ લાખ કરોડનો પોઝિટીવ રોકાણ પ્રવાહ નોંધાયો હતો. ઘટાડો મોટાભાગે લિક્વિડ ફંડોમાં રહ્યો છે. જેમાં મોટું રૂ.૧૩,૩૫૦ કરોડનું કોર્પોરેટ અને ઈન્સ્ટીટયુશન્સ દ્વારા ટૂંકી-મુદ્દતના નાણાના ઉપાડના કારણે રિડમ્પશન નોંધાયું છે.
કોર્પોરેટ બોન્ડ ફંડોમાં રૂ.૮૨૫ કરોડનો રોકાણ ઉપાડ અને ગિલ્ટ ફંડોમાં રૂ.૯૨૮ કરોડનો રોકાણ ઉપાડ નોંધાયો છે. હાઈબ્રિડ ફંડોમાં રોકાણ પ્રવાહ જુલાઈ ૨૦૨૫ના રૂ.૨૦,૮૭૯ કરોડની તુલનાએ ઘટીને રૂ.૧૫,૨૯૩ કરોડ રહ્યો છે. જ્યારે ગોલ્ડ ઈટીએફઝમાં રોકાણ જુલાઈના રૂ.૧૨૫૬ કરોડની તુલનાએ ઓગસ્ટમાં રૂ.૨૧૯૦ કરોડ રહ્યું છે.