સોનાના વપરાશમાં રોકાણ માંગનો હિસ્સો વધશે
- ઊંચા ભાવને કારણે જ્વેલરીની માંગ નબળી પડી રહી છે:વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ
મુંબઈ : દેશમાં વર્તમાન ૨૦૨૫ના વર્ષમાં ગોલ્ડના એકંદર વપરાશમાં ઈન્વેસ્ટમેન્ટ માગના હિસ્સામાં વધારો જોવા મળશે જ્યારે ઊંચા ભાવને કારણે જ્વેલરી માગમાં ઘટાડો જોવા મળશે એમ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (ડબ્લ્યુજીસી) દ્વારા જણાવાયું છે.
સોનાના ઊંચા ભાવને કારણે રોકાણકારો દ્વારા જ્વેલરીને બદલે સોનાની ઈટીએફસ મારફત ઈન્વેસ્ટમેન્ટ માગ ઊંચી રહેશે. ઊંચા ભાવની સ્થિતિમાં રોકાણકારો તેમના પોર્ટફોલિઓનું વૈવિધ્યકરણ કરવાનો વ્યૂહ ધરાવતા હોય છે.
વૈશ્વિક ટ્રેડ વોર વચ્ચે શેરબજારોમાં આવેલા કરેકશનને કારણે ગોલ્ડ એકસચેન્જ ટ્રેડેડ ફન્ડસ (ઈટીએફસ) મારફત સોનાની ઈન્વેસ્ટમેન્ટસ માગમાં વધારો જોવા મળશે જ્યારે જ્વેલરીની ખરીદીમાં ઘટ આવશે એમ કાઉન્સિલનાએક રિપોર્ટમાં જણાવાયું છે.
વર્તમાન વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં દેશની જ્વેલરી માગ વાર્ષિક ધોરણે ૨૫ ટકા ઘટી ૭૧.૪૦ મેટ્રીક ટન્સ રહી હતી, ૨૦૦૯ના આ સમયગાળા બાદ સૌથી નીચી રહી છે. બીજી બાજુ ઈન્વેસ્ટમેન્ટ માગ આ ગાળામાં સાત ટકા વધી ૪૬.૭૦ ટન્સ રહી હોવાનું પણ જણાવાયું છે.
૨૦૨૫ના પ્રથમ ત્રિમાસિકમાં દેશમાં સોનાની કુલ માગમાં ઈન્વેસ્ટમેન્ટ માગનો હિસ્સો વધી ૩૯.૫૦ ટકા રહ્યો છે જે એક દાયકા કરતા પણ વધુ સમયની ઊંચી સપાટીએ છે.
જ્વેલરીના અનેક ખરીદદારો હાલમાં થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે અને ભાવમાં સ્થિરતા આવ્યા બાદ તે ખરીદવાનો વ્યૂહ ધરાવે છે.
૨૦૨૪માં ૨૧ ટકા વધ્યા બાદ ઘરઆંગણે સોનાના ભાવ વર્તમાન વર્ષમાં અત્યારસુધીમાં ૨૫ ટકાથી પણ વધુ વધી ગયા છે અને રૂપિયા એક લાખને પાર જોવા મળ્યા હતા.
ઊંચા ભાવ છતાં વર્તમાન વર્ષમાં ભારતની ગોલ્ડ માગ ૭૦૦ થી ૮૦૦ ટન્સની વચ્ચે રહેવાની પોતાની ધારણાંને કાઉન્સિલે જાળવી રાખી છે. ૨૦૨૪માં દેશની એકંદર ગોલ્ડ માગ ૮૦૨.૮૦ ટન્સ સાથે ૨૦૧૫ બાદની સૌથી ઊંચી રહી હતી.
ઊંચા ભાવ છતાં પણ માર્ચ ત્રિમાસિકમાં જુના સોનાનો પૂરવઠો વાર્ષિક ધોરણે ૩૨ ટકા ઘટી ૨૬ ટન્સ રહ્યો હતો. માર્ચ ત્રિમાસિકમાં આરબીઆઈના ગોલ્ડ રિઝર્વમાં ૩ ટન્સનો ઉમેરો થયો હોવાનું પણ જણાવાયું હતું.
૨૦૨૪ની સરખામણીએ વર્તમાન વર્ષમાં રિઝર્વ બેન્ક દ્વારા સોનાની ખરીદી ધીમી પડી હોવાનું જણાય છે.