ઓનલાઈન ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરવું સુરક્ષિત નથી! SEBIની રોકાણકારોને ચેતવણી

Gold and SEBI : વિશ્વમાં તાજેતરમાં સોના-ચાંદીના ભાવોમાં વિક્રમી તોફાની તેજી આવ્યાના પરિણામે આ કિંમતી ધાતુઓ અત્યંત માંઘી બનતાં ઘણા ખરીદદારોની પહોંચ બહાર જવા લાગતાં ઘણા જવેલર્સ દ્વારા નાની માત્રામાં સોનાની ડિજિટલ ખરીદી કરીને ટૂકડે ટૂકડે રોકાણ કરવા ગ્રાહકોને આકર્ષવાના પ્રયાસો થતાં જોવાયા છે. જેને લઈ ડિજિટલ ગોલ્ડ પ્લેટફોર્મ 10 રૂપિયા જેટલા ઓછા ભાવે ઓનલાઈન સોનું ખરીદવાના સરળ, સીમલેસ અને અનુકૂળ માર્ગ તરીકે આક્રમકતા સાથે પ્રચાર થઈ રહ્યો છે. જેની ગંભીરતાથી નોંધ લઈ મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ રોકાણકારોને સંભવિત જોખમો વિશે ચેતવણી આપી છે અને સ્પષ્ટ જણાવ્યું છે કે, આવા પ્લેટફોર્મ અનિયંત્રિત એટલે કે તેના પર કોઈ નિયમનકારી તંત્રનું નિયમન લાગુ નથી.
સેબીએ એક નિવેદનમાં આજે જણાવ્યું હતું કે, વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા ઓફર કરવામાં આવતાં ડિજિટલ ગોલ્ડ પ્રોડક્ટસમાં રોકાણ કરવા સામે ચેતવણી આપી છે અને આ પ્રોડક્ટસ સિક્યુરિટીઝ માર્કેટ ફ્રેમવર્ક હેઠળ નિયંત્રિત નથી એને તેમાં નોંધપાત્ર જોખમો હોઈ શકે છે. શનિવારે જારી કરેલી એક અખબારી યાદી થકી સેબીએ જણાવ્યું છે કે, નિયામક તંત્રના ધ્યાનમાં આવ્યું છે કે, કેટલાક ડિજિટલ અથવા ઓનલાઈન પ્લેટફોર્મ રોકાણકારોને ડિજિટલ ગોલ્ડ અથવા ઈ-ગોલ્ડ પ્રોડક્ટસમાં રોકાણ કરવાની ઓફર કરી રહ્યા છે.
નિયમનકારે એ પણ નોંધ્યું છે કે, ''આ સંદર્ભમાં એ જાણ કરવામાં આવે છે કે આવા 'ડિજિટલ ગોલ્ડ' પ્રોડક્ટસ સેબી દ્વારા નિયંત્રિત ગોલ્ડ પ્રોડક્ટસથી અલગ છે, કારણ કે તે ન તો સિક્યુરિટીઝ તરીકે સૂચિત છે કે ન તો કોમોડિટી ડેરિવેટિવ્ઝ તરીકે નિયંત્રિત છે.'' સેબીએ વધુ જણાવ્યું છે કે, ''તેઓ સંપૂર્ણપણે સેબીના કાર્યક્ષેત્રની બહાર કાર્ય કરે છે. આવા ડિજિટલ ગોલ્ડ પ્રોડક્ટસ રોકાણકારો માટે નોંધપાત્ર જોખમો લાવી શકે છે અને રોકાણકારોને કાઉન્ટરપાર્ટી અને ઓપરેશનલ જોખમોનો સામનો કરવો પડી શકે છે.''
સેબીએ એવી પણ ચેતવણી આપી છે કે, રોકાણકારો અથવા સહભાગીઓને જાગૃત કરવામાં આવે છે કે, સિક્યુરિટીઝ માર્કેટના કાર્યક્ષેત્ર હેઠળના કોઈપણ રોકાણકાર સુરક્ષા મેકેનિઝમ અવા ડિજિટલ ગોલ્ડ અથવા ઈ-ગોલ્ડ પ્રોડક્ટસમાં રોકાણ માટે ઉપલબ્ધ રહેશે નહીં.
સેબી કહે છે કે, તેણે એક્સચેન્જ ટ્રેડેડ કોમોડિટી ડેરિવેટિવ કોન્ટ્રાક્ટ્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા ઓફર કરાતા ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ઈટીએફ) અને સ્ટોક એક્સચેન્જ પર ટ્રેડ કરી શકાય તેવા ઈલેક્ટ્રોનિક ગોલ્ડ રિસિપ્ટ્સ (ઈજીઆર) જેવા વિવિધ નિયમન કરાયેલ ગોલ્ડ પ્રોડ્ક્ટસ દ્વારા સોના અને સોના સંબધિત સાધનોમાં રોકાણને સક્ષમ બનાવ્યું છે. સેબી-નિયમિત ગોલ્ડ પ્રોડ્ક્ટસમાં રોકાણ સેબી-રજિસ્ટર્ડ ઈન્ટરમીડિયરી-મધ્યસ્થીઓ દ્વારા કરી શકાય છે અને તે સેબી દ્વારા નિર્ધારિત નિયમનકારી માળખા દ્વારા સંચાલિત થાય છે.
સેબીની આ ચેતવણીના પરિણામે ડિજિટલ ગોલ્ડમાં પાછલા દિવસોમાં સોનાના વિક્રમી વધતાં ભાવો જોઈને ઊંચા ભાવે રોકાણ કરનારાઓમાં ભય ફેલાવાની શકયતાને જોતાં બજારનો અમુક વર્ગ ડિજિટલ ગોલ્ડમાં કરેલું રોકાણ પાછું ખેંચવા આવા પ્લેટફોર્મ પર લાઈન લગાવે એવી પણ શકયતા માની રહ્યો છે.
સોનામાં તાજેતરમાં વિક્રમી ભાવ એક ગ્રામ દીઠ રૂ.14500 જેટલા પહોંચ્યા હતા. તેજીના પાછલા દોરમાં રોકાણ માટેની નાની માત્રમાં રૂ.૧૦થી રૂ.૧૦૦ના રોકાણ કરીને સોનાની ડિજિટલ ખરીદી માટેની દોટને જોતાં આવા રોકાણકારો રોકાણ પાછું ખેંચવા આવશે એક તરફ અત્યારે ઘટીને ગ્રામ દીઠ રૂ.12400 જેટલા થઈ ગયા હોવાથી ગ્રામ દીઠ રૂ.2000 જેટલી નુકશાની થવાની પણ સંભાવના રહેશે.

