જીડીપી વૃદ્ધિ દર નીચો આવતા રિઝર્વ બેન્ક માટે વ્યાજ દરનો નિર્ણય કસોટીરૂપ બનવાના એંધાણ
- રિટેલ ફુગાવો ઊંચો પ્રવર્તતો હોવાથી સાવચેતીપૂર્ણ નિર્ણય લેવાવાની શકયતા
મુંબઈ : વર્તમાન નાણાં વર્ષના સપ્ટેમ્બર ત્રિમાસિકમાં દેશનો આર્થિક વિકાસનો (જીડીપી) વૃદ્ધિ દર ઘટીને આવ્યો છે જ્યારે ફુગાવો હજુપણ ઊંચો પ્રવર્તી રહ્યો છે ત્યારે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) ડિસેમ્બરની બેઠકમાં વ્યાજ દર અંગે કેવો અભિગમ અપનાવે છે તેના પર બજારની નજર રહેલી છે. ઊંચા ફુગાવાને ધ્યાનમાં રાખતા આરબીઆઈ હજુપણ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવશે તેવો પણ એક મત પ્રવર્તી રહ્યો છે.
દેશનો ઓકટોબરનો રિટેલ ફુગાવો આરબીઆઈની ચાર ટકાની મર્યાદા ઉપરાંત છ ટકાથી વધુ રહી ૬.૨૦ ટકા રહ્યો છે, ત્યારે આરબીઆઈની મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી) વ્યાજ દર ઘટાડવાની પ્રક્રિયા શરૂ કરશે નહીં, પછી ભલે જીડીપી વૃદ્ધિ દર ઘટીને આવ્યો હોય એમ એક બેન્કરે જણાવ્યું હતું.
એકતરફ ઊંચા ફુગાવા તથા બીજી બાજુ જીડીપીના નીચી વૃદ્ધિને જોતા ૪-૬ ડિસેમ્બર દરમિયાન યોજાનારી એમપીસી બેઠકમાં સભ્યો વચ્ચે મતમતાંતર જોવા મળવાની સંભાવના રહેલી છે.
સપ્ટેમ્બર ત્રિમાસિકનો જીડીપી વૃદ્ધિ દર ઘટીને ૫.૪૦ ટકા સાથે સાત ત્રિમાસિકની નીચી સપાટીએ રહ્યો છે જ્યારે અપેક્ષા ૬.૬૦ ટકા રખાતી હતી. રિઝર્વ બેન્કે સાત ટકાની અપેક્ષા રાખી હતી.
ઉત્પાદન, માઈનિંગ તથા બાંધકામ ક્ષેત્રે પ્રવૃત્તિ મંદ રહેતા જીડીપી પર અસર પડી હોવાનું એક વિશ્લેષકે જણાવ્યું હતું.
રિઝર્વ બેન્ક માર્ચ ૨૦૨૫માં રેપો રેટ ઘટાડશે અને જૂન સુધીમાં રેપો રેટમાં અડધા ટકા સુધીનો ઘટાડો જોવા મળશે એમ ગોલ્ડમેન સાચ્સ દ્વારા અગાઉ જણાવાયું હતું.
નાણાં પ્રધાન નિર્મલા સીતારામન તથા વાણિજ્ય પ્રધાન પિયુષ ગોયલ વ્યાજ દરમાં કપાત માટે આગ્રહ ધરાવી રહ્યા છે, તેને ધ્યાનમાં રાખતા એમપીસી સાવચેતીપૂર્ણ ઘટાડો કરે તો નવાઈ નહીં એમ અન્ય એક બેન્કરે જણાવ્યું હતું.
જ્યાંસુધી ફુગાવો રિઝર્વ બેન્કના ચાર ટકાના ટાર્ગેટ આસપાસ સ્થિર નહીં થાય ત્યાંસુધી વ્યાજ દરમાં ઘટાડો કરવાનું તેની માટે મુશકેલ બની રહેશે એમ એક એનાલિસ્ટે જણાવ્યું હતું.