Get The App

સંસ્થાકીય રોકાણકારોનું રૂ. 3.5 લાખ કરોડનું રોકાણ

- રિટેલ રોકાણકારોએ છ મહિનામાં રૂ. ૧૨,૭૫૪ કરોડના શેર ખરીદ્યા :

- FIIએ આ સમય દરમિયાનમાં રૂ. ૧.૩ લાખ કરોડના શેર વેચ્યા જે ૨૦૨૨ પછીનું સૌથી મોટું વેચાણ

Updated: Jun 27th, 2025

GS TEAM

Google News
Google News
સંસ્થાકીય રોકાણકારોનું રૂ. 3.5 લાખ કરોડનું રોકાણ 1 - image


ભૂરાજકીય તણાવથી ૨૦૨૫ના પ્રથમ છ મહિનામાં શેરબજારમાં ઉથલપાથલ 

અમદાવાદ : ભૌગોલિક રાજકીય તણાવ અને વેપાર અનિશ્ચિતતા વચ્ચે બજારમાં ઉથલપાથલ હોવા છતાં, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) એ વર્ષ ૨૦૨૫ના પ્રથમ છ મહિનામાં ભારતીય શેરબજારમાં રૂ. ૩.૫ લાખ કરોડનું રોકાણ કર્યું છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)ના રોકાણમાં અસ્થિરતા હોવા છતાં, બજારોને સ્થાનિક રોકાણકારો તરફથી મદદ મળી હતી. ડેટા દર્શાવે છે કે FII એ પ્રથમ છ મહિનામાં કુલ રૂ. ૧.૩ લાખ કરોડના શેર વેચ્યા, જે વર્ષ ૨૦૨૨ પછીનું તેમનું સૌથી મોટું વેચાણ છે. જ્યારે નાના રોકાણકારોએ ૬ મહિનામાં રૂ. ૧૨,૭૫૪ કરોડના શેર ખરીદ્યા હતા.

બજારના જાણકારોના જણાવ્યા અનુસાર, સ્થાનિક સંસ્થાઓના ઇક્વિટી ફાળવણીમાં સ્થિરતા હતી. તેનું મુખ્ય કારણ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (સિપ) દ્વારા રિટેલ ભાગીદારીમાં વધારો છે. ઉપરાંત, કેલેન્ડર વર્ષ ૨૦૨૫ના પ્રથમ છ મહિનામાં મિડ અને સ્મોલકેપ શેરના ભાવમાં ઘટાડાને કારણે ખરીદીમાં વધારો થયો છે.

મે મહિનામાં માસિક સિપ રોકાણ વધીને રૂ. ૨૬,૬૮૮ કરોડ થયું હતું, જે એક વર્ષ પહેલાની સરખામણીમાં ૨૮ ટકાનો વધારો દર્શાવે છે. ડેટા અનુસાર, શેરબજારમાં સીધા રોકાણ કરનારા નાના રોકાણકારોએ ૬ મહિનામાં રૂ. ૧૨,૭૫૪ કરોડના શેર ખરીદ્યા હતા.

દલાલ સ્ટ્રીટ પર નિફ્ટી-૫૦ ઇન્ડેક્સ ૬.૬ ટકા વધીને ૨૫,૨૦૦ પર પહોંચ્યો જ્યારે ૩૦ શેરનો સેન્સેક્સ પ્રથમ અર્ધવાર્ષિકમાં ૫.૭ ટકાના વધારા સાથે ૮૨,૬૦૦ સુધી પહોંચવામાં સફળ રહ્યો હતો. આ વર્ષે સ્થાનિક ભંડોળ રોકાણમાં મજબૂતી ત્યારે શરૂ થઈ જ્યારે ચીનના વધતા આકર્ષણ અને સ્થાનિક શેરમાં ઊંચા ભાવ વચ્ચે ઇક્વિટી માર્કેટમાં રેકોર્ડ વિદેશી રોકાણકારોનો ઉપાડ જોવા મળ્યો હતો. બાદમાં, યુએસ પ્રમુખ ટ્રમ્પની વેપાર નીતિઓએ વૈશ્વિક સપ્લાય ચેઇનને જોખમમાં મૂકતી હોવાથી શેરબજારમાં ભારે અસ્થિરતા જોવા મળી હતી.

ભારત અને પાકિસ્તાન લગભગ યુદ્ધની ધાર પર હતા. પાછળથી, ઈરાન અને ઇઝરાયલના હુમલાઓને કારણે પશ્ચિમ એશિયામાં વધતા તણાવથી બજારો હચમચી ગયા, અને અમેરિકા પણ તેમાં કૂદી પડયું હતું. આ બધા વચ્ચે, વૈશ્વિક રોકાણકારો બજારથી અંતર જાળવી રહ્યા હતા, જ્યારે સ્થાનિક રોકાણકારોએ વિશ્વાસ જાળવી રાખ્યો હતો.

મજબૂત મેક્રો ઇકોનોમિક વાતાવરણે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની ભાવનાને મજબૂત બનાવવામાં મદદ કરી છે. સિપ દ્વારા મ્યુચ્યુઅલ ફંડ રોકાણ વિશે રોકાણકારોની જાગૃતિ વધી છે.

વૈશ્વિક ભંડોળ ઉભરતા બજારોમાં ત્યારે જ રોકાણ કરે છે જ્યારે વૈશ્વિક અર્થતંત્રની સ્થિતિ યોગ્ય હોય. જો આમ ન હોય, તો તેઓ સલામત આશ્રયસ્થાનો અથવા વિકસિત બજારોમાં રોકાણ રાખવાનો પ્રયાસ કરે છે.'


Tags :