ઈન્ફોસિસના શેરધારકોએ બાયબેક ઓફર કદ કરતા આઠ ગણાથી વધુ શેરો સુપરત કર્યા
- ઓફર ભાવ કરતા કંપનીનો શેર હાલમાં ડિસ્કાઉન્ટ

મુંબઈ : ઈન્ફોસિસના શેરધારકોએ બાયબેકના કદ કરતા આઠ ગણ વધુ શેરો કંપનીને બાયબેક પેટે સુપરત કર્યા છે. એકસચેન્જો દ્વારા પૂરા પડાયેલા ડેટા પ્રમાણે, ૧૦ કરોડ શેર પાછા લેવાની કંપનીની ઓફર સામે શેરધારકોએ કુલ ૮૨.૬૦ કરોડ શેર સુપરત કર્યા છે.
પ્રતિ શેર રૂપિયા ૧૮૦૦ના ભાવે કંપનીએ કુલ રૂપિયા ૧૮૦૦૦ કરોડના શેર્સ બાયબેક કરવાની ઓફર ૨૦ નવેમ્બરના ખુલ્લી મૂકી હતી જે ૨૬મી નવેમ્બરે સમાપ્ત થઈ છે. ૅ બાયબેક માટે કંપનીએ ૧૪ નવેમ્બર રેકોર્ડ ડેટ નિશ્ચિત કરી હતી.
કંપની એકંદરે ૧૦ કરોડ શેર પાછા લેવા માગે છે જે પેઈડ-અપ કેપિટલના ૨.૪૨ ટકા જેટલા થવા જાય છે. ઈન્ફોસિસનો શેર ભાવ હાલમાં તેના ઓફર ભાવ કરતા નોંધપાત્ર ડિસ્કાઉન્ટે બોલાઈ રહ્યો છે. ઓફર બંધ થવાની તારીખે ભાવ રૂપિયા ૧૫૫૮ બંધ આવ્યો હતો. જે ઓફર ભાવથી લગભગ ૧૫ ટકા પ્રીમિયમે હતો.
બાયબેકની ઓફર પ્રમાણે નાના શેરધારકો તેમની પાસેના દર ૧૧ શેર સામે બે શેર કંપનીને સુપરત કરી શકશે. આ માટે કંપનીએ રેકોર્ડ તારીખ નિશ્ચિત કરી હતી.
જનરલ કેટેગરીના શેરધારકો તેમની પાસેના દરેક ૭૦૬ શેર સામે ૧૭ ઈક્વિટી શેર પરત કરવાને પાત્ર હતા.
શેરોની સુપરત કરવાની ઊંચી માત્રાને જોતા કંપની દ્વારા શેર સ્વીકારવાનો રેશિયો બદલાઈ શકે છે. એટલું જ નહીં ઊંચા ટેકસ સ્તરમાં આવતા મોટા શેરધારકોએ પણ ટેકસમાંથી બચવા કદાચ ઓફર કરવાનું ટાળ્યું હોઈ શકે છે. કંપનીના શેરની ફેસ વેલ્યુ રૂપિયા પાંચ છે.
અત્રે ઉલ્લેખનિય છે કે ઈન્ફોસિસના પ્રમોટરોએ આ બાયબેક કવાયતમાં સહભાગ નહીં લેવાનો નિર્ણય કર્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે, સંસ્થાકીય રોકાણકારોએ આ બાયબેકમાં ઉત્સાહથી ભાગ લીધો છે અને તેમણે ૭૬.૯૦ કરોડ શેર સુપરત કર્યા છે. આમાં સૌથી વધુ હિસ્સો ૪૫.૨૦ કરોડ શેર સાથે મ્યુચ્યુઅલ ફન્ડોનો રહેલો છે. વ્યક્તિગત રોકાણકારોએ ૪.૩૦ કરોડ શેર પરત કર્યા છે. ૨૦૧૭થી આ કંપની દ્વારા આ પાંચમું બાયબેક છે.

