Get The App

ઈન્ફોસીસ ટોચની 10 કંપનીમાંથી બહાર માર્કેટ કેપ.માં રૂ.2 લાખ કરોડથી વધુ ધોવાણ

- કંપનીના ત્રિમાસિક પરિણામ બાદ ઈન્વેસ્ટરોનું સતત વેચવાલીનું પ્રેશર

- નવા નાણાકીય વર્ષના આવક વૃદ્વિના અંદાજો બજારની અપેક્ષાથી ઓછા

Updated: Apr 28th, 2026

GS TEAM

Google News
Google News
ઈન્ફોસીસ ટોચની 10 કંપનીમાંથી બહાર  માર્કેટ કેપ.માં રૂ.2 લાખ કરોડથી વધુ ધોવાણ 1 - image

મુંબઈ : ઈન્ફોસીસ પર હવે રોકાણકારોને એટલો મજબૂત વિશ્વાસ રહ્યો નથી, જેટલો એક સમયે હતો. આ વર્ષે, દલાલ સ્ટ્રીટના વિશ્વસનીય ઈન્વેસ્ટમેન્ટ માટેની લોકપ્રિય કંપનીઓની યાદીમાંથી બહાર થઈ ગઈ છે. ઈન્ફોસીસના માર્કેટ કેપિટલાઈઝેશનમાં રૂ.૨  લાખ કરોડથી વધુ ઘટાડો સાથે કંપની ભારતની માર્કેટ કેપિટલાઈઝેશનની રીતે ટોચની ૧૦ કંપનીઓમાંથી બહાર થઈ છે.

કંપનીના તાજેતરના ચોથા ત્રિમાસિકના પરિણામ બાદ શેરમાં વેચવાલીનો વેગ વધ્યો છે, કંપનીનો શેર શુક્રવારના ૭ ટકા ગબડયો હતો. જે આ વર્ષે અત્યાર સુધીમાં ૩૦ ટકા જેટલો ઘટી ગયો છે. જેના કારણે કંપનીનું માર્કેટ કેપિટલાઈઝેશન ઘટીને રૂ.૪.૯ લાખ કરોડ જેટલું રહી ગયું છે. જે નિફટીના પ્રમુખ બ્લુચીપ કંપનીઓના શેરો પૈકી તીવ્ર ઘટાડો દર્શાવે છે.

માર્ચ ૨૦૨૬ના ત્રિમાસિકમાં ઈન્ફોસીસે વાર્ષિક ધોરણે આવક ૧૩ ટકા વધીને રૂ.૪૬,૪૦૨ કરોડ નોંધાવી છે, પરંતુ બજારનો પ્રતિસાદ નેગેટીવ રહ્યો છે. કંપનીનો  ચોખ્ખો નફો અપેક્ષા કરતા વધુ રૂ.૮૫૦૧ કરોડ રહ્યા છતાં કંપનીએ નાણા વર્ષ ૨૦૨૭ માટે તેનો આવક વૃદ્વિનો અંદાજ સ્થિર ૧.૫ ટકાથી ૩.૫ ટકા સ્થિર રાખ્યો છે. જે બજારની અપેક્ષાથી ઓછો રહેતાં અને પડકારોને લઈ ઈન્વેસ્ટરો શેરમાં વેચવાલ રહ્યા છે.

એનાલિસ્ટોનું માનવું છે કે, કંપની પર આ પ્રેશર આઈટી ઉદ્યોગમાં મોટા ફેરફારોને પ્રતિબિંબિત કરે છે. ગ્રાહકો ખર્ચમાં ઘટાડા અને વેન્ડરોને કોન્સોલિડેશન પર વધુ ફોક્સ કરી રહ્યા છે. તમામ ક્ષેત્રોમાં માંગ ધીમી રહી છે, કેમ કે ગ્રાહકો ખર્ચ અસરકારકતા પર ધ્યાન આપી રહ્યા છે. આ પરિવર્તન આઈટી સર્વિસિઝ કંપનીઓ માટે માંગ કેવી રહેશે તે બદલાવ દર્શાવી રહ્યું છે. મોટા પ્રોજેક્ટો ધીમા પડી રહ્યા છે, ત્યારે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ઓટોમેશનમાં રસ વધી રહ્યો છે.

ઈન્ફોસીસ તેના ટોપાઝ પ્લેટફોર્મ અને વૈશ્વિક ટેકનોલોજી કંપનીઓ સાથે ભાગીદારી દ્વારા એઆઈ અભિગમને આગળ વધારી રહી છે. કંપનીમાં એઆઈ ટુલ્સનો વ્યાપકપણે ઉપયોગ થાય છે, ૩૦,૦૦૦થી વધુ ડેવલપરો પ્રોડક્ટિવિટી પ્લેટફોર્મ પર કામ કરી રહ્યા છે.