Get The App

ફુગાવા અપેક્ષા કરતા ઊંચો રિઝર્વ બેન્ક રેપો રેટમાં કોઈ ઘટાડો નહીં કરે તેવો મત

- રિટેલ ફુગાવો ટાર્ગેટ કરતા વધી જતા નીતિવિષયકો માટે ચિંતાનો વિષય

Updated: Jan 15th, 2020

GS TEAM

Google News
Google News
ફુગાવા અપેક્ષા કરતા ઊંચો  રિઝર્વ બેન્ક રેપો રેટમાં  કોઈ ઘટાડો નહીં કરે તેવો મત 1 - image

 મુંબઈ, તા. 15 જાન્યુઆરી 2020, બુધવાર

ડીસેમ્બર ૨૦૧૯નો ગ્રાહક ભાવ નિર્દેશાંક આધારિત ફુગાવાનો દર એકદમ વધીને ૭.૩૫ ટકા આવતા રિઝર્વ બેન્ક  દ્વારાહવે પછીની પોતાની સમીક્ષા બેઠકમાં વ્યાજ દરમાં ઘટાડો કરવાની શકયતા  રહી નથી એટલુ જ નહીં રેપો રેટનો વર્તમાન દર લાંબો સમય ચાલુ રહેવા પણ વકી છે.  રિઝર્વે બેન્કે ફુગાવાનો ટાર્ગેટ ૨થી ૬ ટકાની વચ્ચે રાખ્યો છે.

૨૦૧૯ના ફેબુ્રઆરી બાદ રિઝર્વ બેન્કની મનીટરી પોલિસી કમિટિ (એમપીસી)એ રેપો રેટમાં કુલ ૧૩૫ બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો. ડીસેમ્બરની બેઠકમાં વ્યાજ દર જાળવી રખાયો હતો. ૧૩૫ બેઝિસ પોઈન્ટના કરાયેલા કુલ ઘટાડાની આરબીઆઈ અસર જોવા માગતી હોવાનું જણાવી વ્યાજ દર જાળવી રખાયો હતો. 

હવે ફુગાવો વધીને ધરખમ સ્તરે પહોંચ્યો છે ત્યારે એનાલિસ્ટો ફેબુ્રઆરી તથા એપ્રિલની બેઠકમાં એમપીસી રેપો રેટ જાળવી રાખશે એમ ખાતરીપૂર્વક માની રહ્યા છે. એટલું જ નહીં આ સ્થિતિ લાંબો સમય જળવાઈ રહે તો નવાઈ નહીં એમ પણ એક એનાલિસ્ટે જણાવ્યું હતું.

ડિસેમ્બરમાં ડુંગળી સહિત શાકભાજીના ભાવ આસમાને જતા તેની અસરથી ફુગાવામાં વધારો થયો છે. જો કે સરકારે કાંદાની આયાત કરવાનો નિર્ણય કર્યા બાદ તેના ભાવ ઘટી રહ્યા છે. આમ છતાં બેઝ ઈફેકટને કારણે જાન્યુઆરીનો ફુગાવો પણ ઊંચો રહેવાની શકયતા રહેલી છે.જો કે મંગળવારે જાહેર થયેલા ડીસેમ્બરનો જથ્થાબંધ ફુગાવાનો દર ૨.૫૯ ટકા રહ્યો છે. જો કે નવેમ્બર માટેનો આ દર ૦.૫૮ ટકા રહ્યો હતો. ખાધાખોરાકીના ભાવમાં થયેલા વધારાની અસરને કારણે ફુગાવાના એકંદર દરમાં વૃદ્ધિ જોવા મળી રહી છે.

ફુગાવો વધતા બોન્ડ માર્કેટ માટે મુશકેલ સ્થિતિ બની છે. ફુગાવો વધવાની અપેક્ષા હતી ખરી પરંતુ આટલો ઝડપથી વધશે તેવી ધારણાં નહોતી એમ અન્ય એક એનાલિસ્ટે જણાવ્યું હતું.  બોન્ડ યીલ્ડ પર દબાણ આવતા રિઝર્વ બેન્કે વધુ ઓપન માર્કેટ ઓપરેશન્સ હાથ ધરવાની ફરજ પડશે. 

રેપો રેટ જાળવી રાખવા ઉપરાંત રિઝર્વ બેન્ક પોતાની પોલિસી સ્ટેન્સને પણ એકોમોડેટિવ ચાલુ રાખશે તેવી વકી છે. 


Tags :