Get The App

શેરોમાં અંધાધૂંધ વેચવાલી : સેન્સેક્સમાં 1066 પોઈન્ટનું ગાબડું

- નિફટી સ્પોટ ૩૫૩ પોઈન્ટ ધરાશાયી થઈ ૨૫૨૩૨ : કેપિટલ ગુડઝ, ફાર્મા, ઓટો, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ગાબડાં

- DIIની રૂ.૩૬૬૬ કરોડની ચોખ્ખી ખરીદી : ટ્રમ્પનો કહેર : વિશ્વ ભયાનક કટોકટીમાં ધકેલાવાના એંધાણ : જાપાનમાં બોન્ડમાં કડાકો

Updated: Jan 21st, 2026

GS TEAM

Google News
Google News
શેરોમાં અંધાધૂંધ વેચવાલી : સેન્સેક્સમાં 1066 પોઈન્ટનું ગાબડું 1 - image

મુંબઈ : વિશ્વ ત્રીજા  વિશ્વ યુદ્વની કગાર પર આવી ગયું હોવાના સ્પષ્ટ એંધાણે યુરોપ વિરૂધ્ધ અમેરિકા અને વિશ્વના અનેક દેશો વૈશ્વિક અર્થતંત્ર અને બજારોને ભયાનક કટોકટીમાં ધકેલી દેશે એવું નિશ્ચિત માનવામાં આવી રહ્યું હોઈ આજે વૈશ્વિક બજારો સાથે ભારતીય શેર બજારોમાં અંધાધૂંધ વેચવાલીએ બજાર ધરાશાયી થયું હતું. ટ્રમ્પે હવે ફ્રાંસ પર ૨૦૦ ટકા ટેરિફ ફટકારવાની ચિમકી આપતાં અને વૈશ્વિક મોરચે જાપાનના બોન્ડમાં કડાકો બોલાઈ જવા સાથે વૈશ્વિક શેર બજારોમાં પણ મંદીની મોકાણ થતી જોવાઈ હતી. ટ્રમ્પના એક પછી એક વિશ્વને કટોકટીની સ્થિતિમાં મૂકી દેનારા ટેરિફ પગલાં સાથે ગ્રીનલેન્ડ સહિતના દેશોને કબજે કરવાની જીદ વિશ્વના  માથે નવું યુદ્વ થોપવા જઈ રહ્યું હોઈ ફંડો, મહારથીઓએ ઈક્વિટીને અલવિદા કહી સેફ હેવન સુરક્ષિત એસેટ્સ ચાંદી અને સોનામાં રેકોર્ડ ખરીદી કર્યાની પણ અસર આજે બજારમાં જોવાઈ હતી. કેપિટલ ગુડઝ-પાવર, ઓટોમોબાઈલ, કન્ઝયુમર ડયુરેબલ્સ, ફાર્મા-હેલ્થકેર, બેંકિંગ, આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, મેટલ-માઈનીંગ શેરોમાં અસાધારણ ગાબડાં પડયા હતા. બજારમાં અનેક શેરોમાં ઓનલી સેલરના પાટીયા ઝુલવા લાગ્યા હતા. સેન્સેક્સ ૧૦૬૫.૭૧ પોઈન્ટ તૂટીને ૮૨૧૮૦.૪૭ અને નિફટી ૫૦ સ્પોટ ૩૫૩ પોઈન્ટ ગબડીને ૨૫૨૩૨.૫૦ ત્રણ મહિનાની નીચી સપાટીએ  બંધ રહ્યા હતા.

કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૭૬૯ પોઈન્ટ તૂટયો 

કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં આજે અસાધારણ વેચવાલીએ મોટા ગાબડાં પડયા હતા. ડાટાપેટર્ન રૂ.૨૩૫.૦૫ તૂટીને રૂ.૨૨૫૦.૫૫, જયોતી સીએનસી રૂ.૭૦.૨૦ તૂટીને રૂ.૮૪૫.૫૫, કેઈઆઈ રૂ.૨૫૨.૯૫ તૂટીને રૂ.૪૦૬૪.૫૫, ભેલ રૂ.૧૩.૦૫ તૂટીને રૂ.૨૫૦,  સિમેન્સ રૂ.૧૦૪.૮૦ તૂટીને રૂ.૨૮૪૭.૬૫,  એસ્ટ્રલ રૂ.૪૭.૯૦ ઘટીને રૂ.૧૩૯૧.૪૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૭૬૮.૯૩ પોઈન્ટ તૂટીને ૬૨૪૨૦.૦૬ બંધ રહ્યો હતો.

ઓટો શેરોમાં મંદીના એંધાણ

ઓટોમોબાઈલ કંપનીઓ માટે વૈશ્વિક નિકાસ મોરચે અને ઘર આંગણે વાહનોની ખરીદીમાં મોટો ઘટાડો થવાની ચિંતાએ આજે  ફંડો, ખેલાડીઓએ ઓટો શેરોમાં ધૂમ વેચવાલી કરી હતી. અશોક લેલેન્ડ રૂ.૭.૪૫ તૂટીને રૂ.૧૮૦.૬૫, હીરો મોટોકોર્પ રૂ.૧૭૬.૪૦ ઘટીને રૂ.૫૫૮૪.૨૦,  મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૧૦૩.૬૫ ઘટીને રૂ.૩૫૫૩.૮૦, બજાજ ઓટો રૂ.૨૫૧.૨૫ તૂટીને રૂ.૯૧૭૬.૫૦, મારૂતી સુઝુકી રૂ.૨૯૮.૬૫ ઘટીને રૂ.૧૫,૮૮૧.૧૦   રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૪૪૬.૪૯ પોઈન્ટ ખાબકીને ૫૯૯૩૪.૪૧ બંધ રહ્યો હતો.

કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૧૬૧૫ પોઈન્ટ ગબડયો 

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ ફંડો, મહારથીઓએ આજે મોટાપાયે વેચવાલી કરી હતી. ડિક્સન ટેકનોલોજી રૂ.૩૩૯.૬૦ ઘટીને રૂ.૧૦,૬૮૭.૭૦, એશીયન પેઈન્ટ રૂ.૭૫.૫૫ ઘટીને રૂ.૨૬૭૪.૭૫, ટાઈટન રૂ.૬૯.૧૦ ઘટીને રૂ.૪૦૭૨.૮૫ રહ્યા હતા. ફંડોની જંગી વેચવાલીના પરિણામે બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૧૬૧૫.૫૫ પોઈન્ટ તૂટીને ૫૮૦૬૭.૦૭ બંધ રહ્યો હતો.

આઈટી ઉદ્યોગમાં સંકટના એંધાણ

અમેરિકામાં એચ૧ બી વીઝા પરના અંકુશોને લઈ આઈટી પ્રોફેશનલો માટે વીઝા મેળવવાનું મુશ્કેલ બનતાં આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી ઉદ્યોગમાં મોટી મંદીની શકયતા નિષ્ણાંતો બતાવવા લાગતાં આજે આઈટી શેરોમાં ધબડકો બોલાયો હતો. ઝેગલ રૂ.૧૬.૨૫ ઘટીને રૂ.૨૮૭, મોસચીપ રૂ.૧૧.૧૦ ઘટીને રૂ.૧૮૦.૯૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૭૩૧.૯૨ પોઈન્ટ તૂટીને ૩૬૮૨૫.૧૨ બંધ રહ્યો હતો.

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં સાવચેતી

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં બેંકોના પરિણામો આઈસીઆઈસીઆઈ બેંક સહિતના નબળા આવતાં ફંડોએ આજે વેચવાલી વધારી હતી. યશ બેંક રૂ.૧.૧૩ ઘટીને રૂ.૨૧.૬૩, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૪૪.૨૦ ઘટીને રૂ.૯૦૫, ફેડરલ બેંક રૂ.૬.૬૦ ઘટીને રૂ.૨૭૩.૦૫, કેનેરા બેંક રૂ.૩.૩૦ ઘટીને રૂ.૧૫૩.૬૦, પીએનબી રૂ.૨.૫૦ ઘટીને રૂ.૧૨૫.૫૫, એયુ બેંક રૂ.૧૯.૯૦ ઘટીને રૂ.૧૦૦૦.૮૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૭૮૮.૬૩ પોઈન્ટ તૂટીને ૬૬૮૯૬.૨૯ બંધ રહ્યો હતો.

FPIs/FIIની રૂ.૨૯૩૮ કરોડની વેચવાલી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-મંગળવારે કેશમાં રૂ.૨૯૩૮.૩૩  કરોડની ચોખ્ખી વેચવાલી રહી  હતી. કુલ રૂ.૧૪,૨૧૫.૧૧ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૭,૧૫૩.૪૪ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૩૬૬૫.૬૯ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૧૮,૫૨૯.૩૬ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૪,૮૬૩.૬૭ કરોડની વેચવાલી થઈ હતી.

રોકાણકારોની સંપતિમાં ઘટાડો

સેન્સેક્સ, નિફટીમાં કડાકો બોલાઈ જવાની સાથે સંખ્યાબંધ શેરોના ભાવો તૂટતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૯.૮૬  લાખ  કરોડ ઘટીને રૂ.૪૫૫.૮૨ લાખ કરોડ રહી ગયું હતું.

મ્યુ. ફંડો પર રિડમ્પશન દબાણ આવતાં સ્મોલ, મિડ કેપ શેરોમાં ગાબડાં : ૩૦૭૫ શેરો નેગેટીવ બંધ

ડહોળાયેલા સેન્ટીમેન્ટ વચ્ચે મ્યુચ્યુઅલ ફંડો પર રિડમ્પશન દબાણ આવ્યાની અને એના કારણે ફંડોએ સ્મોલ, મિડ કેપ શેરોમાં મોટાપાયે વેચવાલી કરતાં ઘણા શેરો તૂટતાં જઈ આજે અપેક્ષિત મોટી ખાનાખરાબી બતાવી હતી.  માર્કેટબ્રેડથ અત્યંત ખરાબ થઈ હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૪૧૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૩૫૯૦  અને વધનારની સંખ્યા ૭૦૭ રહી હતી.