ટેરિફની અપ્રત્યક્ષ અસર : એફોર્ડેબલ હાઉસિંગના વેચાણમાં ઘટાડો થવાની વકી
- એમએસએમઈ ક્ષેત્રના કર્મચારીઓ પરવડી શકે તેવા રહેઠાણના મુખ્ય ખરીદદારો છે
નવી દિલ્હી : અમેરિકા દ્વારા ભારતના માલસામાન પર લાગુ કરાયેલી જંગી ટેરિફની અનેક અપ્રત્યક્ષ અસરો જોવા મળવાની ચિંતા રહેલી છે જેમાંની એક અસર પરવડી શકે તેવા રહેઠાણો (એફોર્ડેબલ હાઉસિંગ)ના વેચાણને લગતી છે.
એક કન્સલટન્ટ પેઢીના રિપોર્ટ પ્રમાણે ટેરિફને કારણે દેશના ખાસ કરીને નિકાસ બજારમાં મોટી હાજરી ધરાવતા માઈક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝિસ (એમએસએમઈ)ના વેપાર પર પ્રતિકૂળ અસર પડશે અને આને પરિણામે આ ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીબળોની આવક પર પડશે જેની સીધી અસર વિવિધ ચીજવસ્તુઓ ઉપરાંત એફોર્ડેબલ હાઉસિંગની માગ પર પડશે. દેશમાં રૂપિયા ૪૫ લાખની કિંમત સુધીના પરવડી શકે તેવા રહેઠાણોના મુખ્ય ખરીદદારો નાના ઉદ્યોગમાં કામ કરનારા કર્મચારીઓ છે.
દેશમાંથી થતી નિકાસમાં એમએસએમઈનો નોંધપાત્ર હિસ્સો રહેલો છે ત્યારે ઊંચા ટેરિફથી તેમની નિકાસમાં ઘટાડો જોવા મળી શકે છે.
આ અગાઉ કોરોનાની એમએસએમઈ ક્ષેત્ર પર ગંભીર અસર પડી હતી.
૨૦૨૫ના પ્રથમ છ મહિનામાં દેશના સાત મહાનગરોમાં વેચાયેલા કુલ ૧.૯૦ લાખ રહેઠાણોમાંથી ૩૪૫૬૫ જેટલા રહેઠાણો પરવડી શકે તેવા રહેઠાણ શ્રેણીના હતા. દેશના જીડીપીમાં એમએસએમઈ ક્ષેત્રનો હિસ્સો ૩૦ ટકા જેટલો છે અને નિકાસમાં ૪૫ ટકા હિસ્સો ધરાવે છે.
અમેરિકા દ્વારા ભારતના માલસામાન પર ૫૦ ટકા ટેરિફથી એમએસએમઈ તથા તેના કર્મચારીબળ પર પ્રતિકૂળ અસરનું જોખમ રહેલું છે. એફોર્ડેબલ હાઉસિંગના ખરીદદારોમાં એમએસએમઈના કર્મચારીઓની મોટી સંખ્યા જોવા મળે છે.