ખાદ્યચીજોના ભાવમાં વધારો થતાં જથ્થાબંધ ફુગાવો ચાર માસની ટોચે, ઓગસ્ટમાં 0.52 ટકા
WPI Inflation In August: દેશમાં છેલ્લા બે-ત્રણ મહિનાથી મોંઘવારીમાં રાહત મળ્યા બાદ ઓગસ્ટમાં નજીવો વધારો જોવા મળ્યો છે. દેશનો જથ્થાબંધ ફુગાવો ઓગસ્ટમાં વધી 0.52 ટકા નોંધાયો છે. જે જુલાઈમાં -0.58 ટકા હતો. જથ્થાબંધ મોંઘવારીમાં વૃદ્ધિ પાછળના કારણો ખાદ્ય ચીજો, મેન્યુફેક્ચરિંગ, નોન-ફૂડ આર્ટિકલ્સ, નોન મેટલિક મિનરલ પ્રોડક્ટ્સ અને ટ્રાન્સપોર્ટ ઈક્વિપમેન્ટના ભાવમાં વધારો છે.
કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર, પ્રાથમિક ચીજવસ્તુઓમાં જથ્થાબંધ ફુગાવાનો દર ઓગસ્ટ, 2025માં 1.60 ટકા વધી 191.0 પર પહોંચ્યો છે. જે જુલાઈમાં 188 હતો. નોન-ફૂડ આર્ટિકલ્સમાં ફુગાવો 2.66 ટકા સામે નજીવો વધી 2.92 ટકા નોંધાયો છે. જ્યારે ખાદ્ય ચીજોમાં ફુગાવો 1.45 ટકા રહ્યો છે. પેટ્રોલિયમ અને નેચરલ ગેસમાં ફુગાવો ઓગસ્ટમાં 0.43 ટકા રહ્યો હતો.
ઈંધણ અને વીજમાં ફુગાવો ઘટ્યો
ઈંધણ અને વીજળીમાં મોંઘવારીનો દર ઓગસ્ટમાં 0.69 ટકાથી ઘટી 143.6 થયો છે. જે જુલાઈમાં 144.6 હતો. વીજ અને ખનિજ તેલની કિંમતો અનુક્રમે -2.91 ટકા અને -0.04 ટકા પર રહી છે. જ્યારે કોલસાની કિંમત સ્થિર રહી હતી. મેન્યુફેક્ચરિંગ ખર્ચ વધતાં ઉત્પાદનના ભાવ વધ્યા છે. ખાદ્ય ચીજો, વસ્ત્રો, વિદ્યુત ઉપકરણો, અન્ય પરિવહન ઉપકરણો અને મશીનરીના ભાવોમાં પણ વધારો જોવા મળ્યો છે. બીજી તરફ બેઝિક મેટલ, કોમ્પ્યુટર, ઈલેક્ટ્રોનિક્સ, ઓપ્ટિકલ પ્રોડક્ટ્સ, વસ્ત્રો, લાકડું અને ફર્નિચરના ભાવોમાં ઘટાડો નોંધાયો છે.
રિટેલ ફુગાવો પણ વધ્યો
જથ્થાબંધ મોંઘવારી પહેલાં જાહેર થયેલા રિટેલ ફુગાવાના આંકડાઓ પર નજર કરીએ તો ઓગસ્ટમાં રિટેલ ફુગાવો પણ વધી 2.07 ટકા નોંધાયો છે. જે અગાઉ જુલાઈમાં 1.61 ટકા હતો. આ સાથે રિટેલ ફુગાવો સળંગ નવ મહિના સુધી ઘટ્યા બાદ વધ્યો છે. જે નવેમ્બર, 2024થી સતત ઘટી રહ્યો હતો.