વર્તમાન વર્ષમાં અમેરિકાની સ્માર્ટફોનની આયાતમાં ભારતનો હિસ્સો વધી 35 ટકા
- સ્માર્ટફોનના સૌથી મોટા પૂરવઠેદાર ચીનના હિસ્સામાં થયેલો ઘટાડો
મુંબઈ : વર્તમાન વર્ષના પ્રથમ પાંચ મહિનામાં અમેરિકાની સ્માર્ટફોનની આયાતમાં ૩૫ ટકા હિસ્સો ભારતનો રહ્યો છે, જે ગયા વર્ષના આ ગાળા સુધીમાં ૧૧ ટકા હતો. નીતિવિષયક પ્રોત્સાહનો તથા ચીન સાથે અમેરિકાની વધી રહેલી વેપાર તાણને પરિણામે એપલ દ્વારા ભારતમાં ઉત્પાદનમાં વધારો કરવામાં આવી રહ્યો છે જેને કારણે દેશમાંથી સ્માર્ટફોનની આયાત વધી રહી છે, એમ સરકારી સુત્રોએ જણાવ્યું હતું.
વર્તમાન વર્ષના જાન્યુઆરી થી મેના ગાળામાં અમેરિકાએ ભારત ખાતેથી ૨.૧૩ કરોડ સ્માર્ટફોન આયાત કર્યા છે જે ગયા વર્ષના આ ગાળાની સરખામણીએ સંખ્યાની દ્રષ્ટિએ ત્રણ ગણાથી વધુ છે.
મૂલ્યની દ્રષ્ટિએ ભારતમાં ઉત્પાદિત સ્માર્ટફોનની અમેરિકામાં નિકાસ વાર્ષિક ધોરણે ૧૮૦ ટકા વધી ૯.૩૫ અબજ ડોલર પહોંચી ગઈ છે જે ૨૦૨૪ના સંપૂર્ણ વર્ષના આંક કરતા પણ વધુ છે. મૂલ્યની દ્રષ્ટિએ અમેરિકામાં સ્માર્ટફોન ભારતની સૌથી મોટી નિકાસ છે.
અત્યારસુધી ચીન જે અમેરિકામાં સ્માર્ટફોનનો મોટો પૂરવઠેદાર દેશ રહ્યો હતો તેનો હિસ્સો ઘટી રહ્યો છે. વર્તમાન વર્ષના જાન્યુઆરી થી મેના ગાળામાં અમેરિકા ખાતે ચીનની સ્માર્ટફોનની નિકાસ ૨૭ ટકા ઘટી ૨.૯૪ કરોડ સ્માર્ટફોન રહી છે, જેનું મૂલ્ય ૧૦ અબજ ડોલર જેટલુ છે.
અમેરિકાની સ્માર્ટફોનની આયાતમાં ચીનનો હિસ્સો જે ૨૦૨૪માં ૮૨ ટકા હતો તે ઘટી ૫૦ ટકા પર આવી ગયાનું પણ પ્રાપ્ત ડેટા જણાવે છે.
ચીનના કસ્ટમ્સ વિભાગ દ્વારા જારી કરાયેલા ડેટા પ્રમાણે, અમેરિકા ખાતે નિકાસ કરાયેલા સ્માર્ટફોનની સરેરાશ કિંમત જૂનમાં ગયા વર્ષની સરખામણીએ ૪૫ ટકા ઘટી ગઈ છે. જૂનમાં અમેરિકા ખાતે સ્માર્ટફોનની નિકાસમાં ૭૦ ટકા ઘટાડો થયો છે.
ભારતમાં એપલના સ્માર્ટફોનના ઉત્પાદનમાં વધારો થઈ રહ્યાનું જોવા મળે છે. એપલના આઈફોનના કુલ વૈશ્વિક ઉત્પાદનમાંથી અંદાજે વીસ ટકા અહીં થતું હોવાનું સરકારી સુત્રોએ જણાવ્યું હતું.
તાજેતરના ડેટા પ્રમાણે વર્તમાન વર્ષના મે સુધીમાં અમેરિકાની આયાતમાં ભારતનો હિસ્સો વધી ૩.૧૦ ટકા પહોંચી ગયો છે. જે ગયા વર્ષના આ ગાળા સુધીમાં ૨.૯૦ ટકા હતો. ચીનના હિસ્સામાં ૨.૭૦ ટકા ઘટાડો જોવા મળ્યો છે. ઈલેકટ્રોનિકસ, ટેકસટાઈલ તથા એડવાન્સ ટેકનોલોજીમાં ભારતનો હિસ્સો વધી રહ્યો છે.