Get The App

મીઠુંનું ઉત્પાદન ચાલુ વર્ષે 30% ઘટવાની સંભાવના

Updated: May 11th, 2022

GS TEAM

Google News
Google News
મીઠુંનું ઉત્પાદન ચાલુ વર્ષે 30% ઘટવાની સંભાવના 1 - image


મુંબઇ : ભારતના સૌથી મોટા મીઠું ઉત્પાદક રાજ્યો ગુજરાતમાં સીઝન મોડી થવાને કારણે દેશમાં મીઠાનું કુલ ઉત્પાદન લગભગ 30% ઘટવાની સંભાવના છે.

આ વખત ચોમાસાની સીઝન લાંબી ખેંચાતા મીઠા ઉત્પાદક વિસ્તારોમાં મોટાભાગના અગરિયાઓ પાણીથી ભરેલા હતા જેના પગલે મીઠું પકવવાની કામગીરી મોડી શરૂ કરવામાં આવી છે. આથી ચાલુ વર્ષે ગુજરાતમાં મીઠાનું ઉત્પાદન ઘટવાની શક્યતા છે. ભારતમાં દર વર્ષે સરેરાશ 3 કરોડ ટન મીઠાનું ઉત્પાદન કરે છે અને તેમાં ગુજરાતનો લગભગ 90% હિસ્સો છે. ગત વર્ષે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહ સુધી રાજ્યમાં વરસાદ પડ્યો હતો. પરિણામે મીઠાના અગરિયાઓને ઓછો સમય મળ્યો હતો. સામાન્ય રીતે રાજ્યમાં મીઠું પકવવાનું ઓગસ્ટથી શરૂ થઇ જાય છે.

મીઠાનું ઉત્પાદન 30 ટકાથી વધુ ઘટવાના કિસ્સામાં કેન્દ્ર સરકાર તેની નિકાસ પર નિયંત્રણો લાદી શકે છે એવુ મીઠાના નિકાસકારે જણાવ્યું છે. ભારત તેના મીઠા કુલ ઉત્પાદનમાંથી લગભગ 1 કરોડ ટનની નિકાસ કરે છે, તો 1.25 લાખ ટન જથ્થો ઔદ્યોગિક વપરાશમાં જાય છે અને બાકીનો જથ્થો રિટેલ ગ્રાહકો દ્વારા ઉપયોગમાં લેવાય છે. મીઠાના ઉત્પાદનમાં ઘટાડો એ કાચ, પોલિએસ્ટર, પ્લાસ્ટિક, રસાયણો અને અન્ય મહત્વપૂર્ણ ઉદ્યોગો પર ઉંડી અસર કરશે. અમેરિકા અને ચીન પછી ભારત વિશ્વમાં મીઠાનો ત્રીજો સૌથી મોટો ઉત્પાદક દેશ છે અને વિશ્વના 55 દેશોમાં નિકાસ કરે છે.

ઇન્ડિયન સોલ્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશને મીઠાને ખાણકામની ચીજવસ્તુ તરીકે નહીં, પણ કૃષિ ઉત્પાદન તરીકે ગણવાની માંગણી કરી છે. 

Tags :