ભારતના પ્રીમિયમ ચોખાના સૌથી મોટા આયાતકાર દેશ ઇરાન તરફ જતા શિપમેન્ટ પર બ્રેક લાગી
- ગયા વરસે ઇરાન ખાતે નિકાસ થયેલા બાસમતી રાઇસના પેમેન્ટમાં પાંચ મહિના વિલંબ થયો હતો : આ વરસે એક્સપોર્ટરો જોખમ લેવા તૈયાર નથી
- પશ્ચિમ એશિયા સંઘર્ષનું ગ્રહણ બાસમતી ચોખાને નડયું
મુંબઇ, તા. 06 જાન્યુઆરી 2020, સોમવાર
ઇરાન વચ્ચેના સંઘર્ષનો ભોગ બાસમતી રાઇસના વેપારીઓ- ઉત્પાદકો પણ બન્યા છે. કોઇકનો વેપાર સમૂળગો બંધ થઇ ગયો છે તો કેટલાકના નફાના માર્જિન ઘટી ગયા છે. ઇરાન નિકાસ થતા બાસમતી ચોખાનો વેપાર લગભગ થંભી ગયો છે. ચોખાનો જથ્થો લઇને જતા જહાજોને ઇન્સ્યોરન્સ કવર આપવાની તૈયારી વીમા કંપનીઓની નથી. વળી સંઘર્ષની પરિસ્થિતિ ત્યારે જ સર્જાઇ જ્યારે ઇરાન સામાન્ય રીતે ભારતના આ પ્રીમિયમ ઉત્પાદનની ખરીદી કરતો હોય છે.
હાલમાં બંને દેશોની પ્રજા અને એના નેતાઓનો ઉન્માદ એટલો ચરમસીમાએ છે કે કળી નથી શકાતું કે સંઘર્ષ યુદ્ધમાં ફેરવાશે કે ઇરાન નમતું જોમશે. આ વાતાવરણમાં જો ચોખા ઇરાન પહોંચે તો પણ એનું પેમેન્ટ ક્યારે મળશે એ બાબતે વેપારીઓ ચિન્તિત છે. વેપારીઓને ડર છે કે આકરા પ્રીમીયમ ચૂકવી તેઓ સમુદ્રીમાર્ગે ચોખાની નિકાસ કરે તો પણ પેમેન્ટમાં મહિનાઓનો વિલંબ સંભવ છે. ગયા મહિને નિકાસ થયેલા બાસમતી ચોખાના પેમેન્ટમાં પાંચ મહિનાનો વિલંબ સર્જાયો હતો. અને એના વ્યાજ પેઠે કોઇ અલગથી રકમ ન'તી ચૂકવાઇ.
હવે આ વરસે નિકાસકારો વધુ જોખમ લેવા તૈયાર નથી. હજી ગયા મહિને બાસમતી ચોખાના વેપારીઓ ઉત્સાહિત હતા કારણ કે ઇરાને ભારતમાંથી બે લાખ ટન બાસમતી ચોખાની આયાત કરવા નવા ટેન્ડર જારી કર્યા હતા. ઇરાન સિવાયના બાસમતી ચોખાના અન્ય વૈશ્વિક ખરીદદારોએ આ સિઝનમાં એમની ખરીદી વધારી હતી. આગામી મહિનાઓમાં ભાવમાં ચંચળતા અને ઉથલપાથલતા સર્જાશે એવા એંધાણ તેઓ કળી ગયા હતા. પરંતુ ઇરાનનો ઓર્ડર નહિ મળે તો બાસમતી ચોખાના નિકાસકારોને ફટકો ચોક્કસ પડશે.