Get The App

આગામી વર્ષે ભારતનો વૃદ્ધિદર 6.8થી 7-2 ટકા રહેવાનો અંદાજ

Updated: Jan 30th, 2026

GS TEAM

Google News
Google News
આગામી વર્ષે ભારતનો વૃદ્ધિદર 6.8થી 7-2 ટકા રહેવાનો અંદાજ 1 - image

- વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારતીય અર્થતંત્ર પૂરપાટ વેગે આગળ ધપશે

- ભારતનો આર્થિક વૃદ્ધિદર વિશ્વના બીજા કોઈપણ દેશ કરતાં પણ ઊંચો વૃદ્ધિદર રહેશે : ઇકોનોમિક સરવે

નવી દિલ્હી : વિશ્વમાં પ્રવર્તતા આર્થિક અનિશ્ચિતતાના વાદળો વચ્ચે પણ ભારતીય અર્થતંત્રની ગાડી પૂરપાટ વેગે દોડતી રહેવાની છે અને ટેરિફ પણ તેની ગતિને નડશે કે નહીં કે વિકાસમાં પંચર પણ નહીં પાડી શકે. દેશના બજેટ પૂર્વેના ઇકોનોમિક સરવેમાં આગામી નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭માં ભારતીય અર્થતંત્રનો વૃદ્ધિદર ૬.૮ ટકાથી ૭.૨ ટકા મૂકવામાં આવ્યો છે. આ પુરાવો છે કે ભારત આગામી નાણાકીય વર્ષમાં પણ સૌથી ઊંચા દરે વૃદ્ધિ પામતુ અર્થતંત્ર હશે, જે બીજા કોઈપણ દેશ કરતાં સૌથી ઊંચો વૃદ્ધિદર ધરાવે છે. 

અહીં સૌથી મહત્ત્વની વાત એ છે કે અનેક આર્થિક અંતરાયો અને વૈશ્વિક સ્તરે ડગુમગુ આર્થિક પરિસ્થિતિ વચ્ચે ભારતીય અર્થતંત્ર સૌથી ઝડપી દરે વૃદ્ધિ પામવાનું છે. પરિસ્થિતિ સાનુકૂળ થાય તો વૃદ્ધિદર આનાથી ઊંચે જઈ શકે, પરંતુ નીચે નહીં જાય. 

ભારતીય અર્થતંત્ર પરના આ વાર્ષિક રિપોર્ટ કાર્ડમાં જણાવાયું હતું કે નીતિગત સુધારાના કારણે અર્થતંત્રનો વૃદ્ધિદર ૬.૫ થી ૬.૮ ટકાથી ઉચકાઈને સાત ટકાની નજીક પહોંચી ગયો છે.જો કે ચાલુ વર્ષે જીડીપીના ૭.૪ ટકાના ઊંચા દરનો અંદાજ ગયા વર્ષના સરવેના ૬.૩થી  ૬.૮ ટકાના અંદાજ કરતાં વધારે છે. 

અમેરિકાએ ભારત પર લાદેલા ૫૦ ટકા ટેરિફ અને તેની સાથે ટ્રેડ ડીલ ન થયુ હોવાની વચ્ચે આ અંદાજ મૂકાયો છે. ટેરિફના લીધે શ્રમલક્ષી ક્ષેત્રો પર અસર પડતાં મોદી સરકારે નીતિગત અને ટેક્સ રિફોર્મ્સ કરીને ટેરિફની કારોબાર પરની અસરને હળવી કરી દીધી છે. જો કે ભારતે મે ૨૦૨૫ પછી યુરોપીયન યુનિયન સાથે થયેલા મધર ઓફ ઓલ ડીલ સહિત કરેલા ચાર ટ્રેડ ડીલના કારણે પણ ઉદ્યોગો પરનું દબાણ ઘટયું છે.

અમેરિકાએ લાદેલા ટેરિફ પછી ભારતનો રૂપિયો પાંચ ટકાથી વધુ ઘટયો છે તેના અંગે સરવેમાં જણાવાયું છે કે રુપિયાનું મૂલ્ય જ કંઈ દેશની સાચી આર્થિક ક્ષમતા બતાવતું નથી. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ આઇએમએફનું માનવું છે કે જો ભારત પર ટેરિફ જળવાયો તો આગામી નાણાકીય વર્ષમાં પણ ભારતનો વૃદ્ધિદર ૬.૨ ટકા રહેશે. વિશ્વના વિકસિત દેશો ટેકનોલોજી પૂરી પાડવાનો ઇન્કાર કરી રહ્યા છે ત્યારે સ્વદેશી અને આત્મનિર્ભરતા જ આપણને તેનો સામનો કરવામાં મદદ કરી શકે છે, એમ સરવેમાં જણાવાયંક હતું. 

મહેસૂલના મોરચે જોઈએ તો પ્રત્યક્ષ અને પરોક્ષ વેરાની આવકમાં નોંધપાત્ર ઉછાળો નોંધાયો છે. સરવેમાં નેશનલ ઇનપુટ કોસ્ટ રિડકશન વ્યૂહરચના અપનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત નવો આવકવેરા કાયદો પણ પહેલી એપ્રિલથી અમલમાં આવનારો છે. તેના કારણે કરોડો કરદાતાઓ માટે ટેક્સ રિટર્ન ફાઇલ કરવું એકદમ સરળ થઈ જશે.