ભારતની ફિનિશ્ડ સ્ટીલની આયાતમાં 11 ટકાનો ઘટાડો, નિકાસને પણ ફટકો
- એપ્રિલમાં ચીનના ક્રૂડ સ્ટીલનું ઉત્પાદન પાછલા મહિનાની તુલનામાં ૭ ટકા ઘટયું
અમદાવાદ : ભારતે એપ્રિલ ૨૦૨૫માં ૦.૫ મિલિયન મેટ્રિક ટન ફિનિશ્ડ સ્ટીલની આયાત કરી હતી, જે વાર્ષિક ધોરણે ૧૧.૩ ટકાનો ઘટાડો દર્શાવે છે. તે જ સમયે, ભારતના ફિનિશ્ડ સ્ટીલની નિકાસમાં પણ આ જ મહિનામાં મોટો ઘટાડો નોંધાયો છે.
ભારત વિશ્વમાં ક્રૂડ સ્ટીલનો બીજો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. ચીનમાંથી સસ્તા સ્ટીલના ડમ્પિંગથી તેના સ્ટીલ ઉદ્યોગને બચાવવા માટે, ભારતે સ્ટીલની આયાત પર ૧૨ ટકા ડયુટી લાદી છે.
ભારતે એપ્રિલ ૨૦૨૫માં ચીનમાંથી કુલ ૦.૧ મિલિયન મેટ્રિક ટન ફિનિશ્ડ સ્ટીલની આયાત કરી હતી. તેની તુલનામાં, એપ્રિલ મહિનામાં ચીનમાંથી ભારતની ફિનિશ્ડ સ્ટીલની આયાતમાં ૨૬.૫ ટકાનો ઘટાડો થયો છે. વિશ્લેષકોની વૃદ્ધિની અપેક્ષાઓ વિરુદ્ધ, એપ્રિલમાં ચીનના ક્રૂડ સ્ટીલનું ઉત્પાદન પાછલા મહિનાની તુલનામાં ૭ ટકા ઘટયું છે.
ભારતની જાપાનથી ફિનિશ્ડ સ્ટીલની આયાત એપ્રિલમાં વાર્ષિક ધોરણે ૬૦ ટકા ઘટી ગઈ છે. જાપાનથી ફિનિશ્ડ સ્ટીલની કુલ આયાત એપ્રિલમાં ૮૫,૬૦૦ મેટ્રિક ટન રહી છે.
દક્ષિણ કોરિયા, જે ભારતમાં ફિનિશ્ડ સ્ટીલનો સૌથી મોટો નિકાસકાર છે, તેણે એપ્રિલમાં કુલ ૦.૧૫ મિલિયન મેટ્રિક ટન ફિનિશ્ડ સ્ટીલની નિકાસ કરી છે. વધુમાં, દક્ષિણ કોરિયાથી ભારતની ફિનિશ્ડ સ્ટીલની આયાત એપ્રિલમાં વાર્ષિક ધોરણે ૨.૪ ટકાનો વધારો જોવા મળ્યો છે.
વધુમાં, જર્મની અને ફ્રાન્સથી ભારતની ફિનિશ્ડ સ્ટીલની આયાત એપ્રિલમાં ઊંચી વૃદ્ધિ જોવા મળી છે. એપ્રિલમાં જર્મનીથી ભારતની કુલ સ્ટીલની આયાત ૩૬,૬૦૦ મેટ્રિક ટન રહી છે. આ દેશમાંથી ફિનિશ્ડ સ્ટીલની આયાતમાં ૫ ગણો વધારો છે. તેવી જ રીતે, ફ્રાન્સથી સ્ટીલની આયાત એપ્રિલમાં વાર્ષિક ધોરણે ૧૦ ગણી વધીને ૩૦,૩૦૦ મેટ્રિક ટન થઈ.
ભારતે એપ્રિલમાં ૧૨.૪ મિલિયન મેટ્રિક ટન ફિનિશ્ડ સ્ટીલનું ઉત્પાદન કર્યું હતું. કુલ ઉત્પાદનમાંથી, ભારતે એપ્રિલ ૨૦૨૫માં ૦.૪ મિલિયન મેટ્રિક ટન ફિનિશ્ડ સ્ટીલની નિકાસ કરી હતી. વાર્ષિક ધોરણે, દેશની ફિનિશ્ડ સ્ટીલની નિકાસ મહિનામાં ૨૫.૭ ટકા ઘટી હતી.