પાંચ મહિનામાં ભારતની અમેરિકા ખાતેની નિકાસમાં 28 ટકાથી પણ વધુનું ગાબડું
- ટેરિફમાંથી મુકત સ્માર્ટફોન, ફાર્મા, પેટ્રો પ્રોડકટસની નિકાસ પર પણ અસર

મુંબઈ : ભારતના સૌથી મોટા નિકાસ મથક અમેરિકા ખાતે દેશની નિકાસ મેથી ઓકટોબરના ગાળામાં ૮.૮૩ અબજ ડોલર પરથી ૨૮.૫૦ ટકા ગબડી ૬.૩૦ અબજ ડોલર રહી હોવાનું ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈનિશિએટિવ દ્વારા એક રિપોર્ટમાં જણાવાયું હતું.
ભારતના માલસામાન પર અમેરિકા દ્વારા લાગુ કરાયેલા જંગી ટેરિફને પરિણામે નિકાસમાં ઘટાડો થયો છે. એપ્રિલના પ્રારંભમાં ૧૦ ટકા પરથી ટેરિફ ઓગસ્ટમાં વધી ૨૫ ટકા થઈ હતી અને ઓગસ્ટના અંતમાં જ તે પ૦ ટકા લઈ જવાઈ હતી.
અમેરિકાના મુખ્ય ભાગીદાર દેશોમાં સૌથી વધુ ટેરિફ ભારતના માલસામાન પર લાદવામાં આવી છે. ચીન પર ૩૦ ટકા જ્યારે જાપાનના માલસામાન પર ૧૫ ટકા ટેરિફ લેવામાં આવે છે.
ટેરિફમાંથી મુકત રખાયેલા સ્માર્ટફોન, ફાર્મા તથા પેટ્રોલિયમ પ્રોડકટસની નિકાસ પણ મેની સરખામણીએ ઓકટોબરમાં ૨૫.૮૦ ટકા નીચી રહી છે. મેમાં ૩.૪૨ અબજ ડોલરની સરખામણીએ ઓકટોબરનો આંક ૨.૫૪ અબજ ડોલર રહ્યો હતો.
ભારતની ઓકટોબરની નિકાસમાં આ પ્રોડકટસનો હિસ્સો ૪૦.૩૦ ટકા રહ્યો હતો. જે માલસામાન પર અમેરિકાએ દરેક દેશો માટે સમાન ટેરિફ રાખ્યા છે તે આયર્ન, સ્ટીલ, એલ્યુમિનિયમ તથા કોપરનો હિસ્સો ઓકટોબરની નિકાસમાં ૭.૫૦ ટકા રહ્યો છે.
આ માલસામાનની અમેરિકા ખાતે નિકાસ જે મેમાં ૬૨.૯૦ કરોડ ડોલર રહી હતી તે ઓકટોબરમાં ૨૪ ટકા જેટલી ઘટી ૪૮ કરોડ ડોલર પર આવી ગયાનું પણ રિપોર્ટમાં નોંધાયું છે.
અમેરિકા ખાતે નિકાસમાં થઈ રહેલા ઘટાડાને ધ્યાનમાં રાખી સદર સંસ્થાએ એકસપોર્ટ પ્રમોશન મિશનનો પ્રારંભ કરવા સૂચન કર્યું છે અને લાગુ કરાયેલી ૨૫ ટકા વધારાની ટેરિફ નાબુદ કરવા અમેરિકા પર દબાણ લાવવું જોઈએ.મિશનની જાહેરાત માર્ચમાં થઈ હતી અને કેબિનેટે તેને ૧૨ નવેમ્બરે મંજુરી આપી છે, આમછતાં હજુ તે કાગળ પર જ છે.

