ટેરિફ જોખમને કારણે ભારતનું નિકાસ ભાવિ અનિશ્ચિત: વેપાર ખાધ ઊંચી રહેશે
- કેમિકલ્સ, મશીનરી તથા ઈલેકટ્રોનિકસ જેવા માલસામાનનું ડમ્પિંગ શરૂ થયાના સાંપડી રહેલા સંકેત
મુંબઈ : અમેરિકા દ્વારા જાહેર કરાયેલા રેસિપ્રોકલ ટેરિફના જોખમને કારણે વર્તમાન નાણાં વર્ષ માટે ભારતનું નિકાસ ભાવિ અનિશ્ચિત જણાઈ રહ્યું છે. વર્કમાન નાણાં વર્ષમાં ભારતની ચાલુ ખાતાની ખાધ વધી જીડીપીના ૧.૨૦ ટકા જોવા મળશે જે સમાપ્ત થયેલા નાણાં વર્ષ ૨૦૨૫ માટે ૦.૯૦ ટકા અંદાજવામાં આવી છે, એમ યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા (યુબીઆઈ)ના રિપોર્ટમાં જણાવાયું છે.
કેમિકલ્સ, મસિનરી તથા ઈલેકટ્રોનિકસ જેવા માલસામાનનું ડમ્પિંગ શરૂ થયાના સંકેત મળી રહ્યા છે.
પોતાના વેપાર ભાગીદાર દેશો પર અમેરિકા દ્વારા જાહેર કરાયેલી રેસિપ્રોકલ ટેરિફને ધ્યાનમાં રાખતા ભારત ખાતેથી નિકાસ ભાવિ અનિશ્ચિત જણાઈ રહ્યું છે.
ટેરિફ હાલમાં ૯૦ દિવસ માટે સ્થગિત કરાયા છે આમ છતાં તેને લગતા જોખમો તોળાઈ રહ્યા છે, એમ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.
વર્તમાન વર્ષના માર્ચમાં માલસામાનની વેપાર ખાધ જે ૨૧.૫૪ અબજ ડોલર રહી હતી તે એપ્રિલમાં વધી ૨૬.૪૨ અબજ ડોલર રહી હતી, જે ૨૦ અબજ ડોલરની અપેક્ષા કરતા ઘણી વધુ છે. ૨૦૨૪ના એપ્રિલમાં વેપાર ખાધ ૧૯.૧૯ અબજ ડોલર રહી હતી.
હાલમાં ચાલી રહેલી વેપાર ખલેલ વચ્ચે આયાતમાં વધારો થતાં વેપાર ખાધ વધી હોવાનું સરકારી સુત્રો જણાવી રહ્યા છે. માર્ચની સરખામણીએ એપ્રિલની આયાતમાં ૧.૪૦ અબજ ડોલરનો વધારો થયો છે જ્યારે નિકાસ ૩.૫૦ અબજ ડોલર ઘટી છે.
રેસિપ્રોકલ ટેરિફના જોખમને કારણે દેશમાં ગોલ્ડ તથા ઓઈલ સિવાયના માલસામાન જેમ કે કેમિકલ્સ, મસિનરી તથા ઈલેકટ્રોનિકસની આયાતમાં વધારો જોવા મળી રહ્યો છે જે આ માવસામાનના ડમ્પિંગ શરૂ થયાના સંકેત આપે છે.