ભારતનું ઇલેક્ટ્રિક વ્હીકલ માર્કેટ 2030 સુધીમાં રૂ. 16 લાખ કરોડ પહોંચશે
- હાલના એક ટકાની સામે આગામી પાંચ વર્ષમાં કુલ ટ્રાન્સપોર્ટેશનમાં ૬૦ ટકા બસો ઇલેક્ટ્રિક હશે
- પાંચ કરોડ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારનું સર્જન થશે
અમદાવાદ : ભારતમાં ઇલેક્ટ્રિક વ્હીકલ ઉદ્યોગે છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક ઉતાર-ચઢાવ જોયા છે પરંતુ હવે પૂરપાટ ઝડપે આ આગળ વધી રહ્યું છે. જોકે ભંડોળ ઉભું કરવા, નવી ટેક્નોલોજી અને સબસિડી પ્રત્યે ઉપભોક્તાની અનિચ્છા જેવા મુદ્દાઓની ચિંતાઓ હજી આ સેક્ટર ઉપર મંડરાઈ રહી છે.
કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ ઈલેક્ટ્રિક વ્હિકલ સેક્ટરના આગામી રોડમેપ અંગે એક ઈવેન્ટમાં ચર્ચા કરતા કહ્યું કે આ સેક્ટર માટે ભારતમાં અનેકગણો અવકાશ છે. અમારૂં પણ નીતિ આયોગ સાથે માનવું છે કે ૨૦૩૦ સુધીમાં ઈવી માર્કેટ ૧૬ લાખ કરોડ રૂપિયાનું થઈ શકે છે.
આપણું ઓટોમોબાઈલ સેક્ટર ચોથા નંબરે હતુ, એક મહિના પહેલા જાપાનને પાછળ છોડી દીધું હતું અને હવે ત્રીજા સ્થાને છીએ. ચીન ટોચના સ્થાને છે, અમેરિકા બીજા અને ભારત ત્રીજા નંબર પર છે.
ભારતનું ઈવી માર્કેટ ૨૦૩૦ સુધીમાં વાર્ષિક ૧ કરોડ વાહનો સુધી વધવાની અને ૫ કરોડ પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓનું સર્જન કરે તેવી અપેક્ષા છે પરંતુ અમે ફ્લેક્સ ફ્યુઅલ વાહનો પર પણ કામ કરી રહ્યા છીએ. અમે તાજેતરમાં જ બેંગલુરુમાં ડીઝલમાં ૨૦ ટકા મિથેનોલને મિશ્રિત કરવા માટે એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે તેમ ગડકરીએ ઉમેર્યું હતુ.આપણે સ્થાનિક મોરચે જ અનોખી સિદ્ધિ હાંસલ નથી કરવાની. અમુક લેવલે પહોંચ્યા બાદ નિકાસ પર ફોકસ વધારવાનું રહેશે.
આપણી પાસે અહીં ઈલેક્ટ્રિક બસો માટે ઘણી સંભાવનાઓ છે. મને લાગે છે કે માત્ર પાંચ વર્ષમાં ૬૦ ટકા બસો ઇલેક્ટ્રિક હશે. હાલમાં માત્ર આ આંકડો ૧ ટકા છે. અશોક લેલેન્ડ અને ટાટા પાસે બસો અને ટ્રકો પણ છે જેમાં ડીઝલ એન્જિન હાઇડ્રોજનનો ઉપયોગ કરી શકે છે.