ભારતની બેંકિંગ સિસ્ટમ ટૂંકા ગાળાના દબાણનો સામનો કરે તેવી શક્યતા : RBI
- નાણાકીય સ્થિરતા અહેવાલ મુજબ, જો આર્થિક મંદી આવશે તો લોનની માંગ પણ ઘટી શકે છે
મુંબઈ : નાણાકીય નીતિમાં સરળતા, ઓછી લોન વૃદ્ધિ અને લોન પ્રત્યે નકારાત્મક ભાવનાને કારણે ભારતની બેંકિંગ સિસ્ટમ મજબૂત હોવા છતાં, ટૂંકા ગાળાના દબાણનો સામનો કરી શકે છે. ઉપરાંત, બેંકોના સસ્તા ચાલુ ખાતા અને બચત ખાતા થાપણોની તુલનામાં ઉચ્ચ-ખર્ચવાળી ફિક્સ્ડ ડિપોઝિટ અને સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટના હિસ્સામાં વધારો પણ પ્રતિકૂળ અસર કરી શકે છે.
રિઝર્વ બેંકના મતે, નાણાકીય નીતિમાં સરળતાનું ચક્ર બેંકોની ચોખ્ખી વ્યાજ આવક ઘટાડી શકે છે, કારણ કે બેંકો દ્વારા આપવામાં આવતી લોન બાહ્ય બેન્ચમાર્ક પર આધારિત ધિરાણ દર સાથે જોડાયેલી હોય છે અને રેપો રેટમાં ફેરફારને કારણે તેને વારંવાર બદલવી પડે છે.
બીજી બાજુ, ફિક્સ્ડ ડિપોઝિટ પણ વધી રહી છે, જેમાં વ્યાજ દર નિશ્ચિત સમયગાળા માટે નક્કી કરવામાં આવે છે અને તેમાં વારંવાર ફેરફાર થતો નથી.
જોકે, કેન્દ્રીય બેંકે શોધી કાઢયું છે કે તાજેતરમાં કેશ રિઝર્વ રેશિયો (સીઆરઆર) માં ૧૦૦ બેસિસ પોઈન્ટનો ઘટાડો બેંકોને પ્રતિકૂળ અસરોથી બચાવશે કારણ કે તેમને ધિરાણ આપવા માટે વધુ પૈસા મળશે અને તેમનો ખર્ચ ઘટશે.
રિઝર્વ બેંકના મતે, જો આર્થિક મંદી આવે છે, તો વધતી અનિશ્ચિતતા વચ્ચે લોનની માંગ ઘટી શકે છે, જે સંપત્તિની ગુણવત્તા અને નફાની શક્યતાને અસર કરી શકે છે. બેંકોની જવાબદારી પ્રોફાઇલ બદલાઈ રહી છે. ઉચ્ચ-ખર્ચની થાપણો અને ડિપોઝિટ પ્રમાણપત્રો (સીડી)નું પ્રમાણ વધી રહ્યું છે અને ઓછી કિંમતની ચાલુ ખાતા અને બચત ખાતા થાપણો ઘટી રહી છે.