ભારતની એરસ્ટ્રાઇકથી પાક.માં ગભરાટ કેએસઈ ઇન્ડેક્સ 6,300 પોઇન્ટ તૂટયો
- ભારતીય બજાર હુમલા વચ્ચે પણ 105 પોઇન્ટ વધ્યું
- નાણાં મંત્રાલયની સ્પષ્ટતા પછી સૂચકાંક નીચલા મથાળેથી સુધરી છેલ્લે 3,521 પોઇન્ટના ઘટાડા સાથે બંધ આવ્યો
નવી દિલ્હી : ભારતે પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઇક કરવાના પગલે પાક. શેરબજારમાં રીતસરની અફડાતફડી મચી ગઈ હતી.એક સમયે પાકનો કેએસઇ ૧૦૦ ઇન્ડેક્સ ૬,૩૦૦ પોઇન્ટ જેટલો ઘટી ગયો હતો. છેવટે તે દિવસના અંતે ૩,૫૨૧ પોઇન્ટ ઘટીને ૧,૧૦,૦૪૭ પોઇન્ટ પર બંધ આવ્યો હતો. એક સમયે તે ૧,૦૭,૨૯૬ પોઇન્ટ પર બંધ આવ્યો હતો.
પાકિસ્તાનના નાણા મંત્રાલયે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે અમે એક ઉડતી નજર નાખી છે. તેમા રાષ્ટ્રીય નાણાકીય સ્થિરતા અને સુરક્ષા સુનિશ્ચિત કરવાના મુદ્દા પર ભાર મૂકતા જોખમની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવામાં આવી. પાકિસ્તાનના આર્થિક માળખાની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને વિશ્વાસ પ્રદાન કરવા માટે મજબૂત ઉપાય કરવામાં આવી રહ્યા છે. તેન પગલે પાક. શેરબજાર નીચલા મથાળેથી ઉચકાયું હતું.
કાશ્મીરમાં ૨૨મી એપ્રિલના રોજ પહલગામમાં પર્યટકો પર હુમલા પછી પાકિસ્તાની શેરબજાર લગભગ આઠ ટકા ઘટી ગયું છે. પહલગામ હુમલા પછી સેન્સેક્સ લગભગ બે ટકા વધી ગયો. ભારતીય લશ્કરના મિસાઇલ હુમલા વખતે પણ ભારતીય શેરબજાર વધીને બધ આવ્યું હતું. એક સમયે ૧૬૦ પોઇન્ટનો ઉછાળો દર્શાવતું ભારતીય બજાર ૧૦૫ પોઇન્ટ વધીને બંધ આવ્યું હતું. નિફ્ટી ૫૦ ૩૫ પોઇન્ટ વધીને ૨૪,૪૧૪.૪૦ પોઇન્ટ પર બંધ આવ્યો હતો.
ભારતીય સશસ્ત્ર દળોએ પાક.માં નવ આતંકવાદી ઠેકાણા પર હુમલા કર્યા છે. તેમા બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદનો ગઢ અને મુરીદકેમાં લશ્કર-એ-તૈયબાનું ઠેકાણુ સામેલ છે. પાકિસ્તાને ધમકી આપી છે કે તે વળતો પ્રહાર કરશે. બંને દેશોના નાગરિકો બુધવારે સવારે રફાલ ફાઇટર જેટ્સની ગર્જનાની વાત સાંભળતા જાગ્યા હતા.