Get The App

ભારતીય કુટુંબોની બચત પાંચ દાયકામાં સૌથી ઓછી

- RBIનો ચોકાવનારો અહેવાલ : ખરીદી માટે લોકો દેવું કરી રહ્યા છે, આ ગ્રાહક વપરાશ લાંબો સમય ટકી શકે નહી

- ઉલટી ચાલઃ દેશમાં કુટુંબોની મિલકત ઘટી અને દેવું વધી રહ્યું છે

Updated: Sep 20th, 2023

GS TEAM


Google News
Google News
ભારતીય કુટુંબોની બચત પાંચ દાયકામાં સૌથી ઓછી 1 - image


અમદાવાદ : નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં દેશમાં બચતનું પ્રમાણ પાંચ દાયકામાં સૌથી નીચા સ્તરે જોવા મળ્યું હોવાના આંકડા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ સોમવારે જાહેર કર્યા છે. હાઉસહોલ્ડ ફાઈનાન્સિયલ સેવિંગ્સ (કે કૌટુંબિક નાણાકીય બચત) વર્ષ ૨૦૨૧-૨૨માં જીડીપીના ૭.૨ ટકા હતી જે ૨૦૨૨-૨૩માં ઘટી જીડીપીના ૫.૧ ટકાના દરે પહોંચી હોવાનું આ આંકડા દર્શાવે છે. કોરોના મહામારી પછી અસ્થાયી રીતે આવકને પડેલા જબરા ફટકા અને ગ્રાહક વપરાશમાં જોવા મળેલા મોટા ઉછાળાના કારણે આ સ્થિતિ ઉભી થઇ હોવાની શક્યતા છે. 

બીજી તરફ, ચિંતાજનક રીતે કુટુંબની નાણકીય જવાબદારીઓ જીડીપીના ૩.૮ ટકા સામે ૨૦૨૨-૨૩માં વધી ૫.૮ ટકા થઇ ગઈ છે. રીઅલ એસ્ટેટ કે મકાન ખરીદવા અને ગ્રાહકોએ વિવિધ ચીજોની ખરીદી માટે મેળવેલી લોનના કારણે આ જવાબદારી વધી રહી હોય એવી શક્યતા છે. આવક ઘટે, બચત ઘટે અને દેવું વધે એ ચિંતાજનક સ્થિતિ હોવાનું નિષ્ણાતો માને છે. આઝાદી પછી પ્રથમ વખત આટલી તીવ્રતા સાથે લોકોની નાણાકીય જવાબદારી વધી છે. 

આંકડામાં વાત કરીએ તો કૌટુંબિક મિલકતનું પ્રમાણ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં રૂ૨૨.૮ લાખ કરોડ હતું જે મહામારીની અસરના કારણે ૨૦૨૧-૨૨માં ઘટી રૂ૧૬.૯૬ લાખ કરોડ થયા બાદ ફરી વધારે ઘટી હવે ૨૦૨૨-૨૩માં રૂ૧૩.૭૬ લાખ કરોડ જોવા મળ્યું છે. તેની સામે કુલ દેવું ૨૦૨૧-૨૨માં જીડીપીના ૩૬.૯ ટકા સામે વધી ૨૦૨૨-૨૩માં જીડીપીના ૩૭.૬ ટકા જોવા મળ્યું છે. 

વર્ષ ૨૦૨૨-૨૩માં બચતનું પ્રમાણ રૂ૧૩.૭૬ લાખ કરોડ જોવા મળ્યું છે જે આગલા વર્ષે રૂ૧૬.૯૬ લાખ કરોડ હતું. જોકે, અર્થતંત્રની વૃદ્ધિ તેજ બને અને લોકોની આવક પણ વધે તો બચતમાં વધારો જોવા મળી શકે એમ છે. પરંતુ, બચતનું પ્રમાણ ઘટે તો ગ્રાહકોનો વપરાશ કે ખરીદી અને મૂડીરોકાણ બન્ને ઉપર અસર પડી શકે એમ છે. 

મોતીલાલ ઓસવાલના ચીફ ઈકોનોમિસ્ટ નીખીલ ગુપ્તાએ જણાવ્યું હતું ઘટી રહેલી બચત અને દેવા આધારિત લોકોની ખરીદી લાંબો સમય ટકી શકશે નહી. 'અમારી દ્રષ્ટિએ ગ્રાહક વપરાશ કે ખરીદીના કારણે જે વિકાસ જોવા મળી રહ્યો છે તે લાંબો સમય ટકી શકે એમ નથી. મૂડીરોકાણ વધે તો કેવી સ્થિતિ ઉભી થાય એ અંગે અત્યારે કહી શકાય નહી,' એમ ગુપ્તાએ જણાવ્યું હતું.

રિઝર્વ બેંકના આંકડા અનુસાર જુલાઈ ૨૦૨૨માં પર્સનલ લોન એટલે કે ગ્રાહકોએ લીધેલી વિવિધ રિટેલ લોનનું પ્રમાણ રૂ૩૫.૯૪ લાખ કરોડ હતું જે જુલાઈ ૨૦૨૩માં વધી રૂ૪૭.૩૧ લાખ કરોડ જોવા મળ્યું છે. દેશમાં છેલ્લા બે વર્ષથી ઉર્દ્યોેગો કરતા બેંકોએ ગ્રાહકોને આપેલી વ્યક્તિગત લોનનું પ્રમાણ વધારે  રહ્યું છે.

જુલાઈ ૨૦૨૨માં ઉદ્યોગોએ મેળવેલું ધિરાણ રૂ૩૧.૮૨ લાખ કરોડ હતું જે જુલાઈ ૨૦૨૩માં રૂ૩૩.૬૫ લાખ કરોડ છે. આ દર્શાવે છે કે ઉદ્યોગોનું મૂડીરોકાણ પ્રમાણમાં ઓછું છે જ્યારે ગ્રાહકો સતત લોન મેળવી પોતાના માટે ખરીદી કરી રહ્યા છે કે અન્ય સવલત માટે બેંકો પાસેથી નાણા મેળવી તેનો ઉપયોગ કરી રહ્યા છે.

Tags :