અમદાવાદ સહિતના એરપોર્ટ પર કામ કરતી તૂર્કિયેની કંપની સામે કડક કાર્યવાહી, કેન્દ્ર સરકારે સુરક્ષા મંજૂરી રદ કરી
Indian Government Action Against Turkey : ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વખતે તૂર્કિયેએ પાકિસ્તાનને સમર્થન આપવું ભારે પડી રહ્યું છે. કેન્દ્ર સરકારે આ મામલે નારાજગી વ્યક્ત કરીને તૂર્કિયે સામે કડક કાર્યવાહી કરી છે. સરકારે તૂર્કિયેની જાણીતિ એરપોર્ટ ગ્રાઉન્ડ હેન્ડલિંગ કંપની સેલેબી એવિએશનની સુરક્ષા મંજૂરી રદ કરી દીધી છે. આ કંપની ભારતના ઘણા મોટા એરપોર્ટ પર પોતાની સેવાઓ પૂરી પાડતી હતી.
દેશના અનેક એરપોર્ટ પર કામ કરતી હતી તૂર્કિયેની કંપની
સેલેબી એવિએશન તૂર્કિયેની મોટી કંપની છે અને તે એરપોર્ટ ગ્રાઉન્ડ હેન્ડલિંગની સેવા આપે છે. આ કંપની દેશના અમદાવાદ, દિલ્હી, બેંગલુરુ, હૈદરાબાદ, ચેન્નાઈ, ગોવા અને કોચીન જેવા મુખ્ય એરપોર્ટ પર કામ કરતી હતી. કંપનીએ એરક્રાફ્ટની રેમ્પ સેવાઓ, કાર્ગો હેન્ડલિંગ, ફ્લાઈટ કંટ્રોલ, બોર્ડિંગ બ્રિજ ઓપરેશન્સ અને વીઆઈપી સેવાઓ જેવી સેવાઓ સહિતનું કામ કરતી હતી.
કંપનીના કામકાજ પર આશંકા બાદ મંજૂરી રદ કરાઈ
તાજેતરમાં જ પહલગામમાં હુમલો થયા બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ આતંકવાદને છાવરતા પાકિસ્તાન સામે આકરી કાર્યવાહી કરી હતી. આ દરમિયાન તૂર્કિયેએ પાકિસ્તાનને સાથ આપ્યો હતો. ત્યારબાદ ભારતે તૂર્કિયેની આ કંપનીની પ્રવૃત્તિઓ પર આશંકા વ્યક્ત કરી હતી. સુરક્ષાને ધ્યાને રાખી કંપનીની પ્રવૃત્તિઓની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓની સલાહ પર કંપનીની સુરક્ષા મંજૂરી રદ કરી દેવામાં આવી છે.