Get The App

માથા પર બોલ વાગતા તોડ્યું ક્રિકેટર બનવાનુ સપનુ પછી બનાવી કોટક મહિન્દ્રા બેંક

Updated: Mar 15th, 2022

GS TEAM

Google News
Google News
માથા પર બોલ વાગતા તોડ્યું ક્રિકેટર બનવાનુ સપનુ પછી બનાવી કોટક મહિન્દ્રા બેંક 1 - image


નવી દિલ્હી, તા. 15 માર્ચ 2022, મંગળવાર

સફળ ક્રિકેટર બનવા માગતા હતા પરંતુ બેટને બદલે એક બોલ માથામાં વાગ્યો અને પછી આ વ્યક્તિએ ક્રિકેટર બનવાનું સપનું હંમેશા માટે છોડી દીધુ. આ પ્રારંભિક સંઘર્ષની વાર્તા ઉદય કોટકની છે. જો 20 વર્ષની ઉંમરે ઉદય કોટક સાથે ક્રિકેટના મેદાનમાં આ ઘટના ન બની હોત તો કદાચ તે વિશ્વના સૌથી અમીર બેંકર ન બની શક્યા હોત. આજે ઉદય કોટકનો જન્મદિવસ છે.

ઉદય કોટકને આજે કોઈ પરિચયની જરૂર નથી. ઉદય કોટક એક ભારતીય બેંકર, કોટક મહિન્દ્રા બેંકના એક્ઝિક્યુટિવ જનરલ મેનેજર અને મેનેજિંગ ડિરેક્ટર છે. તેમણે બેંકિંગ ક્ષેત્રમાં સફળતાના ઝંડા લગાવ્યા છે. છેલ્લા 35 વર્ષમાં ઉદય કોટકે અનેક સંકટનો સામનો કર્યો, પરંતુ તેમણે ક્યારેય પીછેહઠ કરી નથી.

ઉદય કોટક લગભગ 18 વર્ષથી કોટક મહિન્દ્રા બેંકનું નેતૃત્વ કરી રહ્યા છે. કોટક મહિન્દ્રા ફાઇનાન્સ લિમિટેડને 22 માર્ચ 2003ના રોજ ભારતીય રિઝર્વ બેંક તરફથી બેંકિંગ લાઇસન્સ મળ્યું હતુ. તે ભારતના કોર્પોરેટ ઇતિહાસમાં પ્રથમ કંપની હતી, જેને બેંકિંગ માટે લીલી ઝંડી મળી છે. આજની તારીખે, કોટક મહિન્દ્રા બેંકનું માર્કેટ કેપ આશરે રૂ. 3.55 લાખ કરોડ છે.

ઉદય કોટકે 1986માં આનંદ મહિન્દ્રાની મદદથી નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની શરૂ કરી હતી. તેમણે માત્ર રૂ. 30 લાખની મૂડી સાથે શરૂઆત કરી હતી. અને પછી 2003માં તેમણે નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની કોટક મહિન્દ્રા બેંકનું સ્વરૂપ લીધું હતું.

ઉદય કોટક બિઝનેસ ફેમિલીમાંથી આવે છે. તેમનો પારિવારિક વ્યવસાય કપાસના વેપારનો હતો. પરંતુ તેમણે પરિવારથી દૂર એક અલગ રસ્તો પસંદ કર્યો હતો. શરૂઆતમાં પરિવાર તેમની સાથે સહમત નહોતો. પરંતુ ઉદય કોટકના ઇરાદા ઉંચા હતા અને 26 વર્ષની વયે કોટક બેંકનો પાયો નાખ્યો હતો. ઉદય કોટકનો જન્મ 15 માર્ચ 1959ના રોજ એક ગુજરાતી પરિવારમાં થયો હતો, તેમનો આખો પરિવાર મુંબઈમાં રહે છે.

માથા પર બોલ વાગતા તોડ્યું ક્રિકેટર બનવાનુ સપનુ પછી બનાવી કોટક મહિન્દ્રા બેંક 2 - image

ઉદય કોટક બાળપણમાં સારા ક્રિકેટર હોવાની સાથે અભ્યાસમાં પણ હોશિયાર હતા.તેમનો મનપસંદ વિષય ગણિત છે, અને જો ગણિતનો વિદ્યાર્થી બેંકિંગ ક્ષેત્રમાં પ્રવેશ કરે તો સફળતા થોડી સરળ બની જાય છે. ઉદય કોટકે સિડનમ કોલેજમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી છે. તે પછી 'જમના લાલ બજાજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ સ્ટડીઝ'માંથી MBA કર્યું હતું.

20 વર્ષની ઉંમરે જ્યારે ઉદય કોટકને ક્રિકેટના મેદાનમાં માથા પર બોલ વાગતાં તે બેભાન થઈ ગયા હતા. પરિવારજનો તેમની સાથે હોસ્પિટલ પહોંચ્યા તો ડોક્ટરે કહ્યું કે ઈજા વધુ છે તેથી તાત્કાલિક ઓપરેશન કરવું પડશે. આ ઈજાના કારણે તેને ક્રિકેટના મેદાનને અલવિદા કહેવું પડ્યું અને તેના કારણે તેના અભ્યાસ પર પણ એક વર્ષનો બ્રેક લાગી ગયો હતો.

ફોર્બ્સ અનુસાર, ઉદય કોટકની કુલ સંપત્તિ હાલમાં $14 બિલિયનની આસપાસ છે. વિશ્વના અમીરોની યાદીમાં (નવેમ્બર-2021) ઉદય કોટક 128માં સ્થાને છે. કોરોના સંકટ દરમિયાન પણ કોટક મહિન્દ્રા બેંકે તેની બેલેન્સ શીટને મજબૂત કરવા માટે મૂડી એકત્ર કરી અને રોકાણકારોનો વિશ્વાસ વધાર્યો હતો.

Tags :