- ઈરાન-ઈઝરાયેલ-અમેરિકા યુદ્ધની જ્વાળાઓ: લોનથી લઈને માર્જિન સહિતના પડકારો અકબંધ
- ભારતીય બેંકિંગ સેક્ટરના શેરોને આગામી દિવસોમાં વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે, નફામાં નુકસાનીની આશંકા
અમદાવાદ : મધ્ય પૂર્વમાં વધતા તણાવની અસર ભારતીય શેરબજાર પર, ખાસ કરીને બેંકિંગ ક્ષેત્ર પર સ્પષ્ટપણે દેખાઈ રહી છે. વૈશ્વિક અનિશ્ચિતતા અને રોકાણકારોની સાવચેતીના કારણે બેંકિંગ શેરોમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે, જેના કારણે આ ક્ષેત્રના બજાર મૂલ્ય પર નોંધપાત્ર અસર પડી છે.
માર્ચની શરૂઆતથી બેંકિંગ ક્ષેત્રને આશરે ૯૫ અબજ ડોલરનું નુકસાન થયું છે. નિફ્ટી બેંક ઇન્ડેક્સ પણ તેના તાજેતરના ઉચ્ચ સ્તરથી નોંધપાત્ર રીતે ગગડયો છે અને ટેક્નિકલ મંદીના દોરમાં પ્રવેશવાની નજીક છે.
જોકે અહિં સમસ્યાઓ અટકી નથી. ભારતીય બેંકિંગ સેક્ટરના શેરોને આગામી દિવસોમાં વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. કરન્સી માર્કેટમાં સેન્ટ્રલ બેંકોની નીતિ અને વધતી ઉર્જા કિંમતોને કારણે બેંકિંગ સેક્ટરના નફામાં નુકસાની આવી શકે છે અને અંતત: શેરભાવ પર દબાણ જોવા મળી શકે છે.
રૂપિયાને સ્થિર કરવા માટે ભારતીય રિઝર્વ બેંકના હસ્તક્ષેપથી બજારમાં લિક્વિડિટી ઘટવી, મધ્ય પૂર્વના તણાવને કારણે ક્રૂડના ભાવમાં ભડકો અને તેના કારણે મોંઘવારી અને માર્જિનની વધતી ચિંતા તથા આ કપરી પરિસ્થિતિમાં સૌથી મહત્વનું વિદેશી રોકાણકારોનો ભારતીય બેંકિંગ, ખાસ કરીને પ્રાઈવેટ બેંકો પરથી ઘટતો વિશ્વાસ અને જુના રોકાણમાંથી મોટાપાયે ઉપાડ વધારે સમસ્યાઓ નોતરી શકે છે.
આ સિવાય આગામી સમયમાં લોનની માંગ ધીમી પડવી, લોનની વસૂલાત અટકવી, કડક નાણાકીય પોલિસી, માર્જિનનું દબાણ સહિતના જોખમો રહેલા છે. ફિચ રેટિંગ્સ અનુસાર, આગામી સમયગાળામાં બેંકોના સૌથી મહત્વના પેરામીટર નેટ ઈન્ટરેસ્ટ માર્જિનમાં ૦.૨૦થી ૦.૩૦ ટકાનો ઘટાડો થઈ શકે છે. કરન્સી ટ્રેડિંગને કારણે બેંકોને નુકસાન પણ થઈ શકે છે.
જોકે વર્તમાન ઘટાડા પછી, કેટલાક નિષ્ણાતો આ સ્તરને એક તક તરીકે જોઈ રહ્યા છે. સિટીબેંક જેવી સંસ્થાઓ ખાનગી બેંકોને વધુ મજબૂત માને છે કારણ કે તેઓ વર્તમાન આર્થિક દબાણનો વધુ સારી રીતે સામનો કરી શકે છે.


