મુંબઈ : આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (એઆઈ) સમિટનું ભારત હાલમાં યજમાન બન્યું છે અને આ ક્ષેત્રમાં વૈશ્વિક આગેવાન બનવા યોજના ધરાવી રહ્યું છે પરંતુ એઆઈ ક્ષેત્રે પ્રાઈવેટ ઈક્વિટી (પીઈ) તથા વેન્ચર કેપિટલ (વીસી) સ્વરૂપના વૈશ્વિક ફન્ડિંગમાં ૨૦૨૫માં ભારતને માત્ર ૦.૬૦ ટકા જ ફન્ડિંંગ પ્રાપ્ત થયું હતું.
ગયા કેલેન્ડર વર્ષમાં એઆઈ ક્ષેત્રે વિશ્વસ્તરે ૨૨૫.૮૦ અબજ ડોલરનું ફન્ડિંગ થયું હતું જેમાંથી ભારતના એઆઈ ક્ષેત્રને પીઈ તથા વીસીના કુલ ૧૯૮ સોદામાં ૧.૩૪ અબજ ડોલરનું ફન્ડિંગ પ્રાપ્ત થયું હતું. ૨૦૨૪માં ૨૨૮ સોદામાં ભારતની એઆઈ ક્ષેત્રની કંપનીઓને એક અબજ ડોલરનું ભંડોળ પ્રાપ્ત થયું હતું, જે વૈશ્વિક સ્તરે એઆઈ કંપનીઓને પૂરા પડાયેલા વીસી તથા પીઈ ફન્ડિંગના ૦.૮૭ ટકા જેટલું હતું એમ એક રિપોર્ટમાં જણાવાયું હતું.
વૈશ્વિક સરખામણીએ નીચા ભંડોળ પ્રવાહને જોતા ભારતની એઆઈ સ્ટાર્ટઅપ કંપનીઓ માટે લિક્વિડિટી મેળવવા સંઘર્ષ કરવો પડી શકે છે.
એશિયામાં એઆઈ કંપનીઓને પ્રાપ્ત થયેલા પીઈ તથા વીસી ફન્ડિંગમાં ગયા વર્ષે ભારતનો હિસ્સો ૧૧ ટકા જેટલો રહ્યો હતો. એશિયામાં કુલ ૧૨.૨૦ અબજ ડોલરનું ફન્ડિંગ આવ્યું હતું.
ભારતની સરખામણીએ ચીને ૬.૭૦ અબજ ડોલર સાથે એશિયા વિસ્તારનું પ૦ ટકાથી વધુ ભંડોળ મેળવ્યું છે.
વૈશ્વિક રોકાણકારો એઆઈ ક્ષેત્રમાં એવી કંપનીઓને ભંડોળ પૂરુ પાડવાનો વ્યૂહ ધરાવે છે જે લાર્જ લેન્ગવેજ મોડેલ્સ (એલએલએમ)ના વિકાસમાં સંકળાયેલ છે.
૨૦૨૫માં ઠલવાયેલા કુલ ભંડોળમાંથી ૪૦ ટકા ભંડોળ એલએલએમના વિકાસ કરતી કંપનીઓને પ્રાપ્ત થયું હતું. ઓપનએઆઈ, એન્થ્રોપિક જેવી કંપનીઓ એલએલએમના વિકાસ કરી રહી છે.
વૈશ્વિક સ્તરની વાત કરીએ તો અમેરિકામાં ૩૬૫૫ સોદામાં એઆઈ કંપનીઓએ ૧૮૮.૮૦ અબજ ડોલર ઊભા કર્યા હતા જ્યારે યુરોપમાં ૧૪૯૫ સોદા મારફત કંપનીઓને ૨૧.૧૦ કરોડ ડોલર પ્રાપ્ત થયા હોવાનું પણ રિપોર્ટમાં વધુમાં જણાવાયું હતું.


