For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

T+1 સેટલમેન્ટમાં ભારત વિશ્વનો બીજો સૌથી મોટો દેશ બનશે

Updated: Jan 24th, 2023

Article Content Image

અંતિમ બેચની 256 શેરોમાં શુક્રવારથી ટી પ્લસ વન અમલી થશે ઃશેર બજારોમાં 27, જાન્યુઆરીથી તમામ શેરો T+1 સેટલમેન્ટ હેઠળ આવી જશે

 નિફટી 50 અને સેન્સેક્સના શેરો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ઈન્ફોસીસ, ટાટા મોટર્સ, ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સહિતનો સમાવેશ 

મુંબઈ : ભારતીય શેર બજારોમાં હવે આગામી શુક્રવાર ૨૭,જાન્યુઆરી ૨૦૨૩થી તમામ લિસ્ટેડ શેરો-સ્ક્રિપોમાં ટી પ્લસ વન સેટલમેન્ટ સાઈકલ અમલી બનશે. તબક્કાવાર અમલી કરાયેલા આ ટી પ્લસ વન સેટલમેન્ટ સાઈકલમાં હવે અંતિમ બેચમાં શુક્રવારથી ૨૫૬ શેરોમાં ટી પ્લસ વન સેટલમેન્ટ અમલી બનશે. શેર બજારો દ્વારા વિના વિઘ્ને સરળતાથી આ અંતિમ બેચમાં પણ ટી પ્લસ વન સેટલમેન્ટ અમલી બનવાનો નિષ્ણાતોએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ સાથે ચાઈના બાદ ટી પ્લસ વન સેટલમેન્ટ સાઈકલ તમામ શેરોમાં અમલી કરનાર ભારત વિશ્વનો બીજો દેશ હશે. હજુ અમેરિકા, યુરોપ અને જાપાન જેવા બજારોમાં પણ ટી પ્લસ ટુ સેટલમેન્ટ સાઈકલ લાગુ છે.

ઉલ્લેખનીય છે કે, ઈન્ડેક્સ શેરો અને જે શેરો ડેરિવેટીવ્ઝ માર્કેટમાં ટ્રેડીંગ થઈ રહ્યું છે એ તમામ શેરો ૨૭,જાન્યુઆરીથી ટી પ્લસ વન સેટલમેન્ટમાં શીફ્ટ થઈ રહ્યા છે. આ ટી પ્લસ વન સેટલમેન્ટ સાઈકલ એટલે જે પણ શેરોની ખરીદી કે વેચાણ જે દિવસે થશે એના બીજા દિવસે રોકાણકારના ડિમેટ એકાઉન્ટમાં ખરીદેલા શેરો જમા થઈ જશે. 

ભારતમાં હમણાં સુધીના ટ્રેડ સેટલમેન્ટમાં ટી પ્લસ ટુ ધોરણે ટ્રેડ થતાં હતા, એટલે કે જે દિવસે રોકાણકાર દ્વારા શેરો ખરીદવામાં આવ્યા હોય કે વેચવામાં આવ્યા હોય એના જમા-ઉધાર ટ્રેડ થયા બાદના બે દિવસે થતાં હતા. 

સેબી દ્વારા વિવિધ હિસ્સેદારો દ્વારા ટૂંકા સેટલમેન્ટ સાઈકલ માટે અરજ કરવામાં આવ્યાના પગલે એક્સચેન્જોને ટી પ્લસ વન  અથવા ટી પ્લસ ટુ સેટલમેન્ટ ઓફર કરવાની મોકળાશ આપવામાં આવી હતી. જે બાદ બ્રોકરોએ તેમના ટ્રેડીંગ ઈન્ફ્રાસ્ટ્રકચરમાં  જરૂરી ફેરફારો કરવા અને જરૂરી મંજૂરીઓ મેળવવા તેમ જ વિવિધ દેશોમાં વિવિધ ટાઈમ ઝોનમાં ટ્રેડીંગ કરતાં ફોરેન ઈન્સ્ટીટયુશનલ ઈન્વેસ્ટરો દ્વારા પ્રક્રિયા પૂર્ણ કરવા સમય માંગવામાં આવતાં એક્સચેન્જો-શેર બજારો દ્વારા તબક્કાવાર ધોરણે ટૂંકા સેટલમેન્ટ સાઈકલ તરફ વળવાનો નિર્ણય લેવાયો હતો.

શેર બજારો દ્વારા ત્યાર બાદ પ્રથમ તબક્કામાં ફેબુ્રઆરી ૨૦૨૨માં ઓછામાં ઓછું માર્કેટ કેપિટલાઈઝેશન ધરાવતાં ૧૦૦ શેરોમાં ટી પ્લસ વન સેટલમેન્ટ સાઈકલને અમલી કરાયું હતું, ત્યાર બાદ દર મહિને એમાં નવા શેરોનો ઉમેરો તબક્કાવાર કરાયો હતો. હવે એમાં અંતિમ બેચના ૨૫૬ શેરોમાં ટી પ્લસ વન સેટલમેન્ટ સાઈકલ અમલી થવા જઈ રહ્યું છે. જેમાં નિફટી ૫૦ ઈન્ડેક્સ અને સેન્સેક્સના શેરો જેવા કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ઈન્ફોસીસ, ટાટા મોટર્સ, ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સહિતનો સમાવેશ થઈ જશે. આ સાથે ડાબર ઈન્ડિયા, અંબુજા સિમેન્ટસ, ટાટા કેમિકલ્સ, પીબી ફિનટેક, એફએસએન ઈ-કોમર્સ, ડેલહિવરી, વન૯૭ કોમ્યુનિકેશન્સ સહિતનો પણ સમાવેશ થઈ જશે.

ટી પ્લસ વન સેટલમેન્ટ સાઈકલ અમલી બનવાથી રોકાણકારોને સારી પ્રવાહિતા ઉપલબ્ધ થવાની સાથે ટ્રેડ અને લોકોની હિસ્સેદારી વધવાનો ફાયદો થશે. અલબત આ ફાયદા સામે અમુક જોખમ-પડકારોમાં સેટલમેન્ટ માટેના દિવસો ઘટતાં બેંક અથવા મોટી બેંક માટે ટ્રેડ સેટલમેન્ટના પડકારો પણ રહેશે. આ સાથે શેર બજારોમાં અસાધારણ વોલેટીલિટીા સંજોગોમાં પણ સેટલમેન્ટ પાર પાડવાના પડકારો રહેશે. 

ટી પ્લસ વન સેટલમેન્ટ એટલે શું ?

ટી પ્લસ વન સેટલમેન્ટ એટલે કે જે દિવસે શેરોની ખરીદી-વેચાણ કરાયું હોય એ શેરોના સોદાને એક દિવસમાં અથવા ૨૪ કલાકમાં સેટલમેન્ટ કરવાનું રહે છે. દાખલા તરીકે એક રોકાણકારે સોમવારે ૫૦ શેરો ખરીદ્યા છે, તો આ શેરો તેના ડિમેટ ખાતામાં મંગળવારે જમા થઈ જવા જોઈએ. જ્યારે આ શેરો વેચનારને એ મુજબ નાણા તેમના ખાતામાં મળી જવા જોઈએ.


Gujarat