Get The App

ભારત ક્રુડનો સૌથી મોટો વપરાશકાર દેશ બનશે

- આગામી ૩-૫ વર્ષમાં ચીનમાં ક્રુડ વપરાશ તેની ટોચે પહોંચી ગયો હશે જ્યારે ભારતમાં આ સમયગાળામાં વાર્ષિક ૩થી ૫ ટકાની વૃદ્ધિ જોવા મળશે

- આર્થિક વિકાસની ગતિ અને ઔદ્યોગિકીકરણ ઈંધણનો વપરાશ વધારશે

Updated: May 24th, 2025

GS TEAM


Google News
Google News
ભારત ક્રુડનો સૌથી મોટો વપરાશકાર દેશ બનશે 1 - image


મુંબઈ : ક્રુડ તેલની માગમાં વૈશ્વિક સ્તરે ચીનની જે અત્યારસુધી સર્વોપરિતા જોવા મળતી હતી તે સર્વોપરિતા હવે ભારત તરફ વળવાની શકયતા જોવાઈ રહી છે અને વિશ્વમાં ભારત ક્રુડ તેલનો સૌથી મોટો વપરાશકાર દેશ બનવાની તૈયારીમાં હોવાનું મૂડી'સના એક રિપોર્ટમાં જણાવાયું હતું.

આગામી એક દાયકામાં ક્રુડ તેલની વૈશ્વિક માગમાં ભારત ચીનથી આગળ નીકળી જશે અને ક્રુડ તેલની માગમાં વૃદ્ધિમાં મુખ્ય ભૂમિકા ભારતની રહેશે. 

આર્થિક મંદી ઉપરાંત વીજ વાહનોના વધી રહેલા વપરાશને કારણે ચીનમાં ક્રુડ તેલની માગ મંદ પડી રહી છે જ્યારે ઝડપી ઔદ્યોગિકીકરણ, માળખાકીય ક્ષેત્રના વિકાસ અને વાહનોની સંખ્યામાં વધારાને કારણે ભારતમાં ઈંધણ માગ વધી રહી છે. 

આગામી ૩-૫ વર્ષમાં ચીનમાં ક્રુડ વપરાશ તેની ટોચે પહોંચી ગયો હશે જ્યારે ભારતમાં આ ગાળામાં વાર્ષિક ૩થી ૫ ટકાની વૃદ્ધિ જોવા મળશે એમ પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.

ભારતના આર્થિક વિકાસ દરની ગતિ મંદ પડવાનું નામ લેતી નથી. ૨૦૨૫માં આર્થિક વિકાસ  દર ૬.૩૦ ટકા અને ૨૦૨૬માં ૬.૫૦ ટકા રહેવા ધારણાં છે. 

જી-૨૦ દેશોના વિકાસ ચાર્ટમાં ભારત હાલમાં ટોચ પર છે.  માત્ર ક્રુડ ઓઈલ જ નહીં ગેસની વૈશ્વિક માગમાં પણ ભારત ટોચનો વપરાશકાર દેશ બનવા જઈ રહ્યો છે. દેશમાં ઊર્જા ક્ષેત્રમાં ગેસનો હિસ્સો જે આજે છ ટકા છે તે ૨૦૩૦ સુધીમાં વધારી ૧૫ ટકા કરવા ભારતની યોજના છે. 

ખાતર, પેટ્રોકેમિકલ્સ અને શહેરી ગેસ માળખા જેવા ઝડપથી વધી રહેલા ક્ષેત્રોને કારણે દેશની ગેસની માગ વધી રહી છે. વર્તમાન દાયકાના અંત   સુધીમાં ગેસની માગમાં વાર્ષિક ૪ અને ૭ ટકાની વચ્ચે વૃદ્ધિ થવાની ધારણાં છે. ઓપેકના અંદાજ પ્રમાણે ૨૦૨૫માં ભારતની ક્રુડ તેલની પ્રતિ દિન માગ ૩.૩૯ ટકા વધીને ૫૭.૪૦ લાખ બેરલ રહેશે જે ૨૦૨૪માં ૫૫.૫૦ લાખ બેરલ રહી હતી. ૨૦૨૬માં આ આંક  ૪.૨૮ ટકા વધી ૫૯.૯૯ લાખ રહેવા અંદાજ છે.    આની સામે ચીનની ઓઈલ માગ ૨૦૨૫માં ૧.૫૦ ટકા અને ૨૦૨૬માં ૧.૨૫ ટકા વધવા ધારણાં છે.                             

Tags :