મુંબઈ : ભારત સહિત એશિયાની ઊભરતી બજારોમાં ચીનની વધી રહેલી નિકાસ સામે પ્રતિકાર ઊભો થવાની શકયતા જોવાઈ રહી છે. ચીન ખાતેથી આયાત કરતા દેશોમાં ઘરઆંગણેના તથા આંતરરાષ્ટ્રીય સ્તરેથી ચીનના માલસામાન સામે વિરોધ ઉઠી રહ્યો છે એમ એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સના એક રિપોર્ટમાં જણાવાયું હતું.
છેલ્લા કેટલાક વર્ષોમાં ચીન ખાતેથી એશિયાના દેશોમાં નિકાસ વધી રહી છે, જેને કારણે આયાતકાર દેશોની ઘરઆંગણેની બજારોને અને વૈશ્વિક આર્થિક સ્થિતિ પર પણ અસર પડે છે.
ચીન ખાતેથી વધી રહેલી આયાતને ધ્યાનમાં રાખી ભારત આયાત અટકાવવા વધુ અંકૂશાત્મક પગલાં લેશે તેવી શકયતા જોવાઈ રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે ૨૦૨૫માં ચીન ખાતે ભારતની નિકાસ ૫.૫૦ અબજ ડોલર વધી ૧૯.૭૫ અબજ ડોલર રહી હતી. જ્યારે ચીન ખાતેથી ભારતમાં નિકાસ ૧૨.૮૦ ટકા વધી ગયા વર્ષે ૧૩૫.૮૭ અબજ ડોલર રહી હતી જેને પરિણામે ભારતની ચીન સાથેની વેપાર ખાધ વધી ૧૧૬.૧૨ અબજ ડોલર પહોંચી ગઈ હતી. એસએન્ડપીના રિપોર્ટ પ્રમાણે, એશિયાના કેટલાક દેશો ચીનના માલને અમેરિકા સહીત અન્ય દેશોમાં રિ-એકસપોર્ટ કરે છે.
કેટલાક દેશોમાં સ્થાનિક કંપનીઓએ ચીનના સસ્તા માલ સામે સ્પર્ધા કરવી પડે છે. ભારતની વાત કરીએ તો, ચીન ખાતેથી વધી રહેલી આયાતને કારણે ઘરઆંગણેની મેન્યુફેકચરિંગ કંપનીઓ દબાણ હેઠળ આવી જાય છે અને તેને કારણે તેમણે વધુ સંરક્ષણાત્મક પગલાં લેવા પડે છે, એમ પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.
ચીન ખાતેથી આયાત ઘટાડવા ભારત એન્ટી ડમ્પિંગ ડયૂટી સહિત વિવિધ પગલાં હાથ ધરી રહ્યું છે, જેમાં બીજા પગલાં લેવાય તેવી શકયતા જોવાઈ રહી છે.


