Business

ટ્રમ્પના 50% ટેરિફને કારણે ભારતના ટેક્સટાઇલ સેક્ટરમાં 50 લાખ લોકોની રોજગારીને અસર

By GS TEAM
10 Jan 20262 mins read
TukuTouch Logo
ભારત દર વર્ષે 12 અબજ ડૉલરના કપડાંની નિકાસ દુનિયામાં કરે છે અને તેમાં અમેરિકામાં થતી નિકાસનો ફાળો લગભગ 28 ટકા જેટલો છે. એમરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ઝીંકેલા 50 ટકા ટેરિફની અસર ટેક્સટાઇલ સેક્ટર પર દેખાઈ રહી છે તેમ નેશનલ ટેક્સટાઇલ ઍસોસિયેશનના પ્રમુખ આર. કે. વિજે જણાવ્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રમ્પના 50% ટેરિફને કારણે ભારતના ટેક્સટાઇલ સેક્ટરમાં 50 લાખ લોકોની રોજગારીને અસર

India Textile Industry: ભારત દર વર્ષે 12 અબજ ડૉલરના કપડાંની નિકાસ દુનિયામાં કરે છે અને તેમાં અમેરિકામાં થતી નિકાસનો ફાળો લગભગ 28 ટકા જેટલો છે. એમરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ઝીંકેલા 50 ટકા ટેરિફની અસર ટેક્સટાઇલ સેક્ટર પર દેખાઈ રહી છે તેમ નેશનલ ટેક્સટાઇલ ઍસોસિયેશનના પ્રમુખ આર. કે. વિજે જણાવ્યું હતું.

'ભવિષ્યમાં ભારતના કપડાંને બીજા દેશોનું માર્કેટ ઉપલબ્ધ થશે'

એમ. એસ. યુનિવર્સિટીની હોમસાયન્સ ફેકલ્ટીમાં ક્લોધિંગ એન્ડ ટેક્સટાઇલ વિભાગ દ્વારા યોજાયેલી બે દિવસની નેશનલ ટેક્સટાઇલ કોન્ફરન્સના ઉદ્ઘાટન સત્રમાં હાજરી આપવા માટે આવેલા નેશનલ ટેક્સટાઇલ ઍસોસિયેશનના પ્રમુખ આર. કે. વિજે જણાવ્યું હતું કે, 'અમેરિકામાં મોટાભાગે ભારતમાંથી કોટન કપડાંની નિકાસ થાય છે અને 50 ટકા ટેરિફના કારણે આ નિકાસ અટકી જવાથી કોટન યાર્ન અને કપડાં બનાવતી સેંકડો કંપનીઓ બંધ થઈ ગઈ છે અથવા તો તેનું પ્રોડક્શન ઓછું થઈ ગયું છે. જેની અસર આ સેક્ટરમાં રોજગારી મેળવતા 50 લાખ લોકો પર પડી છે. જોકે આ સ્થિતિ ચારથી પાંચ મહિના જ રહેશે. યુરોપ અને બ્રિટન સાથે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ થયા હોવાથી નજીકના ભવિષ્યમાં ભારતના કપડાંને બીજા દેશોનું માર્કેટ ઉપલબ્ધ થશે.'

આ પણ વાંચો: ટેરિફ-ટેરિફ કરતા રહી ગયા ટ્રમ્પ અને ભારત માટે સૌથી મોટું નિકાસ બજાર બની ગયું ચીન

'કૃષિ બાદ સૌથી વધારે રોજગારી ટેકસટાઇલ સેકટર આપે છે'

આર. કે. વિજે જણાવ્યું હતું કે, 'ભારતમાં કૃષિ બાદ સૌથી વધારે રોજગારી ટેક્સટાઇલ સેકટર આપે છે. આ ક્ષેત્રમાં અંદાજિત ચાર કરોડ લોકો સીધી અને બીજા 6 કરોડ જેટલા લોકો આડકતરી રોજગારી મેળવી રહ્યા છે. ટેક્સટાઇલ સેક્ટરને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકારે વિવિધ યોજનાઓ પણ શરુ કરી છે.'

ભારતમાં માત્ર 12 ટકા કપડાનું રિસાયકલિંંગ થાય છે

ટેક્સટાઇલ સેક્ટર અંગે આર. કે. વિજે જણાવ્યું હતું કે, 'ભારતમાં નાખી દેવાતા કપડાંમાંથી માત્ર 12 ટકા કપડાનું રિસાયકલ થાય છે. બાકીના કપડાં કચરામાં જાય છે અને સરવાળે જમીનને બગાડે છે. તેમાં પણ પોલિએસ્ટર કાપડ તો બાયોડિગ્રેડેબલ પણ નથી અને તે જમીનની સાથે ભૂગર્ભજળને પણ બગાડે છે. અત્યારે ભારતમાં કપડા બનાવવા માટે 50 ટકા કોટન અને 50 ટકા પોલીએસ્ટરનો ઉપયોગ થાય છે. દેશમાં પોલિએસ્ટર કાપડનો પહેલો રિસાયકલિંગ પ્લાન્ટ નજીકના ભવિષ્યમાં ગુજરાતમાં સ્થપાશે. જેની ક્ષમતા પ્રતિ દિન 100 ટન કાપડનું રિસાયકલિંગ કરવાની હશે.'

ટેક્સટાઇલ સેક્ટરમાં પણ એઆઇનો ઉપયોગ

અન્ય ક્ષેત્રોની જેમ ટેક્સટાઇલ સેક્ટરમાં પણ એઆઇનો ઉપયોગ શરુ થઈ ગયો છે. એઆઇના કારણે હવે કપડાં બનાવતી ઇન્ડસ્ટ્રીને ઑર્ડર મેળવવા માટે સેમ્પલ બનાવવામાં સમય બગાડવો પડતો નથી. પહેલા એક ડિઝાઇન એપ્રૂવ કરાવવા 10 સેમ્પલ બનાવવા પડતા હતા. હવે એઆઇના કારણે ડિજિટલ સેમ્પલથી કામ ચાલી જાય છે. કપડાં બનાવતા મશીનોમાં પણ એઆઇના કારણે માત્ર એક સ્વિચ દબાવીને પ્રોડકશન દરમિયાન ડિઝાઇન બદલી શકાય છે.