ભારત જાપાનને પાછળ છોડી વિશ્વની ચોથી મોટી અર્થવ્યવસ્થા બનવા તૈયાર
- ભારતના ઔદ્યોગિક અને સેવા ક્ષેત્રો સાથે સંબંધિત ઘણા સૂચકાંકોની એપ્રિલમાં આગેકુચ : RBI
અમદાવાદ : વિશ્વભરમાં ટેરિફ યુદ્ધો અને નબળા ગ્રાહક ભાવનાને કારણે વૈશ્વિક અર્થતંત્રમાં અનિશ્ચિતતાનું વાતાવરણ છે. પરંતુ આ વાતાવરણમાં ભારતીય અર્થતંત્ર મજબૂતાઈ બતાવી રહ્યું છે. ભારતીય રિઝર્વ બેંકના એપ્રિલ મહિનાના 'સ્ટેટ ઓફ ધ ઇકોનોમી' રિપોર્ટ અનુસાર, ભારતના ઔદ્યોગિક અને સેવા ક્ષેત્રો સાથે સંબંધિત ઘણા સૂચકાંકો એપ્રિલમાં પણ સારી ગતિથી વધી રહ્યા છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે યુએસ ટેરિફ સંબંધિત સમાચારને કારણે એપ્રિલની શરૂઆતમાં સ્થાનિક શેરબજાર થોડું નબળું પડયું હતું. પરંતુ અમેરિકાએ તેના કેટલાક કરવેરા નિર્ણયોને અસ્થાયી રૂપે અટકાવ્યા અને ભારતની બેંકિંગ અને ફાઇનાન્સ કંપનીઓએ જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં સારા પરિણામો દર્શાવ્યા કે તરત જ શેરબજારમાં સારી રિકવરી જોવા મળી હતી.
વૈશ્વિક અર્થતંત્રનું ચિત્ર હજુ પણ અસ્પષ્ટ છે કારણ કે સમગ્ર વિશ્વમાં નીતિગત ફેરફારો થઈ રહ્યા છે અને ઘણા જોખમો હજુ પણ બાકી છે. પરંતુ અહેવાલમાં ભારતની પરિસ્થિતિ અંગે ધસાવધ આશાવાદધ વ્યક્ત કરવામાં આવ્યો છે.એપ્રિલ ૨૦૨૫માં પ્રકાશિત થયેલા નવીનતમ આઈએમએફ રિપોર્ટને ટાંકીને, એવું કહેવામાં આવ્યું છે કે ભારત ૨૦૨૫માં વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા રહેશે અને આ વર્ષે જાપાનને પાછળ છોડીને વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે.
રિપોર્ટ અનુસાર, દેશમાં ફુગાવામાં ઘણી રાહત મળી છે અને તે ૨૦૨૫-૨૬માં નિર્ધારિત લક્ષ્યની આસપાસ રહી શકે છે. આ વર્ષે રવિ પાક સારો રહેવાની અને સામાન્ય કરતાં સારા ચોમાસાની અપેક્ષા હોવાથી, ગામડાઓમાં વપરાશ વધશે અને ખાદ્ય ચીજવસ્તુઓનો ફુગાવો પણ નિયંત્રણમાં રહી શકે છે.
વૈશ્વિક વેપારમાં પરિવર્તન અને ઔદ્યોગિક નીતિઓમાં નવા વલણો વચ્ચે, અહેવાલમાં ભારતને 'કનેક્ટર દેશ' તરીકે વર્ણવવામાં આવ્યું છે. ભારત ખાસ કરીને ટેકનોલોજી, ડિજિટલ સેવાઓ અને ફાર્મા જેવા ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
રિપોર્ટ અનુસાર, છેલ્લા કેટલાક મહિનામાં ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો થયો છે, જેના કારણે એકંદર ફુગાવામાં રાહત મળી છે. જોકે, સોનાના ઊંચા ભાવની અસર હજુ પણ મુખ્ય ફુગાવા પર જોવા મળે છે.