પાકિસ્તાન પર ભારતના પલટવારને મુકેશ અંબાણીની સલામ, કહ્યું- 'સેના પર ગર્વ છે'
Operation Sindoor: ભારતે પહલગામ આતંકવાદી હુમલાના 15 દિવસ બાદ જવાબી હુમલામાં પાકિસ્તાન અને પાક. અધિકૃત જમ્મુ કાશ્મીરમાં 9 આતંકવાદી ઠેકાણાઓને ધ્વસ્ત કરી દીધા હતા. ભારતે તેને 'ઓપરેશન સિંદૂર' નામ આપ્યું છે. આ હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. બંને દેશોમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ બનેલી છે. આ વચ્ચે ભારતીયો એકજુટ થઈને આતંકવાદ વિરૂદ્ધ લડાઈમાં સરકારને પોતાનો સહયોગ આપી રહ્યા છે. સરકારના આ નિર્ણયને અને સેનાના જુસ્સાને આખુ ભારત સલામ કરી રહ્યું છે. આ વચ્ચે, હવે દેશના સૌથી ધનવાન મુકેશ અંબાણીએ પણ ઓપરેશન સિંદૂર પર પોતાની પ્રતિક્રિયા આપી અને ભારતીય સેનાને સલામી આપી છે.
અંબાણીએ શું કહ્યું?
જેના પર મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, 'ઓપરેશન સિંદૂર માટે અમને પોતાના ભારતીય સશસ્ત્ર દળો પર ખુબ ગર્વ છે. ભારત આતંકવાદના તમામ રૂપો વિરૂદ્ધ એકજુટ, દૃઢ સંકલ્પ અને ઉદ્દેશ્યમાં અડગ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સાહસિક અને નિર્ણાયક નેતૃત્વમાં ભારતીય સશસ્ત્ર દળોએ બોર્ડર પારથી દરેક ઉશ્કેરણીનો સચોટ અને શક્તિશાળી રીતે જવાબ આપ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એ બતાવ્યું છે કે ભારત આતંકવાદની સામે ક્યારે ચૂપ નહીં રહે અને અમે પોતાની ધરતી પર પોતાના નાગરિકો પર કે પોતાના દેશની સુરક્ષા કરનારા બહાદુર પુરૂષો-મહિલાઓ પર એક પણ હુમલો સહન નહીં કરીએ. ગત કેટલાક દિવસોથી બતાવાય રહ્યું છે કે આપણી શાંતિ માટે દરેક ખતરાનો દૃઢ અને નિર્ણાયક કાર્યવાહીથી સામનો કરવામાં આવશે. રિલાયન્સ પરિવાર આપણા દેશની એકતા અને અખંડતાની રક્ષા માટે કોઈપણ ઉપાયનું સમર્થન કરવા માટે તૈયાર છે. અમે પોતાના સાથી ભારતીયોની જેમ માનીએ છીએ- ભારત શાંતિ ઈચ્છે છે, પરંતુ પોતાના ગૌરવ, સુરક્ષા અને સંપ્રભુતાની કિંમત પર નહીં. આપણે એક સાથે ઉભા થઈશું. આપણે લડીશું. અને આપણે જીતીશું.'