Get The App

4,00,000 કરોડ ડોલરનું અર્થતંત્ર બની ભારતે રચ્યો ઈતિહાસ, જાપાનને પાછળ છોડીને વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર

Updated: May 25th, 2025

GS TEAM


Google News
Google News
4,00,000 કરોડ ડોલરનું અર્થતંત્ર બની ભારતે રચ્યો ઈતિહાસ, જાપાનને પાછળ છોડીને વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર 1 - image


India becomes 4th largest economy: ભારતે વૈશ્વિક આર્થિક સ્તરે ઝળહળતી સિદ્ધિ હાંસલ કરી છે. નીતિ આયોગના CEO બીવીઆર સુબ્રમણ્યમે શનિવારે આ જાહેરાત કરતાં કહ્યું કે, ભારતે જાપાનને પાછળ છોડીને વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે. ભારતનું અર્થતંત્ર 4,00,000 કરોડ ડોલરને વટાવી ગયું છે. આ સાથે જ આપણે ઈતિહાસ રચી દીધો છે. 


નીતિ આયોગના CEOએ આપી માહિતી 

આ આંકડા ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ (IMF) ના તાજેતરના ડેટા પર આધારિત છે. નવી દિલ્હીમાં યોજાયેલી નીતિ આયોગ ગવર્નિંગ કાઉન્સિલની બેઠક બાદ સુબ્રમણ્યમે એક પત્રકાર પરિષદમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ‘ભારત હવે વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે. આપણી અર્થવ્યવસ્થા 4 ટ્રિલિયન ડોલર એટલે કે ચાર લાખ કરોડ ડોલરને વટાવી ગઈ છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના ડેટાના આધારે ભારત જાપાનથી આગળ નીકળી ગયું છે."

હવે વિશ્વના ત્રણ જ દેશ ભારતથી આગળ 

હવે અર્થતંત્રની બાબતમાં અમેરિકા, ચીન અને જર્મની એમ ત્રણ જ દેશ ભારતથી આગળ છે. જો ભારત આ જ રીતે યોજના પ્રમાણે કામ કરતું રહેશે, તો ત્રણેક વર્ષમાં વિશ્વનું ત્રીજા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર બની જશે. 

ભારત-જાપાનના જીડીપીનું વૈશ્વિક અનુમાન  

IMFના વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક (એપ્રિલ 2025) રિપોર્ટ અનુસાર, 2026 માં ભારતનો GDP લગભગ 4,187 અબજ ડૉલર રહેશે. જ્યારે જાપાનનો GDP 4,186 અબજ ડૉલર રહેવાનો અંદાજ છે. ઉલ્લેખનીય છે કે 2024 સુધીમાં ભારત વિશ્વનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર હતું. IMFનો અંદાજ હતો કે 2025 અને 2026માં ભારતનો વિકાસ દર અનુક્રમે 6.2% અને 6.3% રહી શકે છે. 

યુએન પણ ભારત માટે આપ્યા સારા સંકેત

ભારતીય અર્થતંત્ર ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે. યુનાઈટેડ નેશન્સના એક રિપોર્ટ પ્રમાણે, ભારતીય અર્થતંત્ર ચીનને તો ઠીક, અમેરિકા અને સમગ્ર યુરોપને પણ પાછળ છોડી દઈ શકે છે. 

આ વર્ષે ભારતનું અર્થતંત્ર 6.3%ની ગતિએ આગળ વધશે, જે દુનિયાના કોઈ પણ અર્થતંત્રના વિકાસ દર કરતા વધુ છે. આ દરમિયાન ચીનનું અર્થતંત્ર 4.6%, અમેરિકાનું 1.6%, જાપાનનું 0.7% અને યુરોપનું 1%ના દરે વધવાનું અનુમાન છે. જર્મનીના અર્થતંત્રમાં તો 0.1%નો સામાન્ય ઘટાડો થઈ શકે એમ છે.  

Tags :