Get The App

અમેરિકામાં સૌથી ધનિક ઇમિગ્રન્ટ્સ મામલે 12 અબજોપતિ સાથે ભારત મોખરે, ફોર્બ્સે જાહેર કરી યાદી

Updated: Jul 10th, 2025

GS TEAM

Google News
Google News
અમેરિકામાં સૌથી ધનિક ઇમિગ્રન્ટ્સ મામલે 12 અબજોપતિ સાથે ભારત મોખરે, ફોર્બ્સે જાહેર કરી યાદી 1 - image


Forbes List: ફોર્બ્સ મેગેઝિને બુધવારે 'અમેરિકાના સૌથી ધનિક ઇમિગ્રન્ટ્સ 2025'ની યાદી બહાર પાડી હતી, જેમાં લખ્યું છે કે અમેરિકાના અબજોપતિ ઇમિગ્રન્ટ્સ લિસ્ટમાં 12 અબજોપતિ સાથે ભારત પહેલા નંબરે આવે છે. આ યાદીમાં ઇઝરાયલ અને તાઇવાન 11 અબજોપતિ સાથે બીજા ક્રમે છે. ભારતીય મૂળના 12 અબજોપતિઓમાં જય ચૌધરી પહેલા નંબરે આવ્યા છે. 

જય ચૌધરીની સંપત્તિ 1.5 લાખ કરોડ રૂપિયા છે

ફોર્બ્સની યાદીમાં સમાવિષ્ટ ભારતીયો પૈકી પહેલો નંબર ભારતીય-અમેરિકન જય ચૌધરીને આપવામાં આવ્યો છે. Zscalerના સ્થાપક અને CEO જય ચૌધરીની કુલ સંપત્તિ 17.9 બિલિયન ડોલર (લગભગ 1.5 લાખ કરોડ રૂપિયા) આંકવામાં આવી છે. તેઓ સુરક્ષા ટેક્નોલોજી ક્ષેત્રના અગ્રગણ્ય ઉદ્યોગપતિ છે અને હાલમાં અમેરિકામાં સૌથી સફળ ભારતીય ઇમિગ્રન્ટ ગણાય છે.

અન્ય કયા ભારતીયોને યાદીમાં સ્થાન મળ્યું છે? 

અબજોપતિઓની યાદીમાં કુલ 125 વિદેશી મૂળના અમેરિકન નાગરિકોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં ભારતના 12, ઇઝરાયલ અને તાઇવાનના 11, તથા ચીનના 8 અબજોપતિ છે. જય ચૌધરી ઉપરાંત જે ભારતીયોને આ લિસ્ટમાં સ્થાન મળ્યું છે એ છેઃ વિનોદ ખોસલા, (9.2 બિલિયન), રાકેશ ગંગવાલ (6.6 બિલિયન), રોમેશ વાધવાણી (5 બિલિયન), રાજીવ જૈન (4.8 બિલિયન), કવિતાર્ક રામ શ્રીરામ (3 બિલિયન), રાજ સરદાણા (2 બિલિયન), ડેવિડ પૌલ (1.5 બિલિયન), નિકેશ અરોરા (1.4 બિલિયન) તથા સુંદર પિચાઈ, સત્ય નદેલા, નીરજા સેથી (દરેક 1 બિલિયન). 

અમેરિકાના અબજોપતિઓની યાદીમાં ભારતે ચીન અને ઇઝરાયલને પાછળ છોડ્યું, જય ચૌધરી સૌથી ધનિક ભારતીય-અમેરિકન

અમેરિકામાં સૌથી ધનિક ઇમિગ્રન્ટ્સ મામલે 12 અબજોપતિ સાથે ભારત મોખરે, ફોર્બ્સે જાહેર કરી યાદી 2 - image
SS / Forbes

કોણ છે જય ચૌધરી?

Zscalerના સ્થાપક અને CEO જય ચૌધરીનો જન્મ પંજાબમાં વર્ષ 1958માં થયો હતો. IIT‑(BHU) વારાણસી અને સિનસિનાટી યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશન કરનાર તેમણે 2008માં Zscaler શરૂ કર્યું હતું. તેઓ 1980માં 22 વર્ષની વયે અમેરિકા ગયા હતા.

ભારતે ચીન સહિતના દેશોને પાછળ છોડ્યા

2022માં આ યાદીમાં ફક્ત 7 ભારતીય-અમેરિકનોને સ્થાન મળ્યું હતું. ત્યારે ચીનના પણ 7 અબજોપતિનો સમાવેશ કરાયો હતો. એ વર્ષે ભારત ઇઝરાયલ અને કેનેડાથી પાછળ હતું, આ વર્ષે ભારત આગળ નીકળી ગયું છે. 2022માં આ યાદીમાં કુલ 92 અબજોપતિઓને સમાવાયા હતા, આ વર્ષે 125 અબજોપતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ઈલોન મસ્ક છે સૌથી ધનિક ઈમિગ્રન્ટ

અમેરિકામાં સૌથી ધનિક ઇમિગ્રન્ટ ટેસ્લા અને સ્પેસએક્સના માલિક ઈલોન મસ્ક છે, જે લગભગ 393 બિલિયન ડોલરની જંગી સંપત્તિ સાથે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ પણ છે. મસ્ક દક્ષિણ આફ્રિકામાં જન્મ્યા હતા. તેમના પછી 139.7 બિલિયન ડોલરની સંપત્તિ ધરાવતા ગૂગલના સહ-સ્થાપક સર્ગેઈ બ્રિનનો નંબર આવે છે. તેમનો જન્મ રશિયામાં થયો હતો. ત્રીજા નંબરે 137.9 બિલિયન ડોલરની સંપત્તિ સાથે એનવિડિયાના CEO જેનસન હુઆંગનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમના મૂળિયાં તાઈવાનમાં છે.

Tags :