2013ના ભારત કરતાં 2023નું ભારત જુદું છે : મોર્ગન સ્ટેન્લી
- 2032 સુધીમાં માથાદીઠ આવક 5,200 ડોલર હશે
- મોદીના નેતૃત્વ નીચે ભારતે વિશ્વ વ્યવસ્થામાં સ્થાન મેળવ્યું છે : એશિયા અને વિશ્વ વિકાસમાં 'કી ડ્રાઇવર' બન્યું છે
ન્યૂયોર્ક : વિશ્વના તમામ મહત્ત્વના દેશોમાં અર્થતંત્રનું આકલન કરીને તે ઉપરથી સંબંધિત દેશોના વિકાસ અંગે તારણો આપનાર સંસ્થા 'મોર્ગન સ્ટેન્લી'એ કહ્યું હતું કે, ભારત અંગે શંકા રાખનારા દેશો, ભારતે ૨૦૧૪ પછી સાધેલા વિકાસ પ્રત્યે લક્ષ્ય જ આપતા નથી. વડાપ્રધાન મોદીના નેતૃત્વ નીચે દસ વર્ષમાં જ ભારતે સાધેલા વિકાસે તેમાં પરિવર્તન લાવી દીધું છે અને વૈશ્વિક વ્યવસ્થામાં તેણે સ્થાન મેળવી લીધું છે. ભારત એશિયા અને વૈશ્વિક વિકાસમાં કી ડ્રાઇવર (મહત્ત્વનું ચાલક પરિબળ) બની રહ્યું છે.
ભારત અંગે તૈયાર કરેલા આ રીપોર્ટમાં ભારત વિષે અસમંજસને ફગાવી દેતાં કહેવામાં આવ્યું છે કે, ૨૦૧૪ પછી ભારતમાં આવેલા પરિવર્તનો પ્રત્યે, ઘણા લક્ષ્ય આપતા નથી.
વાસ્તવમાં ભારતનું અર્થતંત્ર વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રો દ્વિતીય ક્રમે રહ્યું છે. છેલ્લા ૨૫ વર્ષથી તેની શેરબજાર સતત આગળ વધતી જાય છે.
૨૦૧૩નું ભારત હતું તે કરતા અત્યારે માત્ર ૧૦ વર્ષના ગાળામાં તેણે વૈશ્વિક વ્યવસ્થામાં મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. એક દશકાથી પણ વધુ ઓછા સમયમાં તેણે જે પ્રાપ્ત કર્યું છે તે તેના મેક્રોનોમિક્સ (વિસ્તૃત અર્થતંત્ર વ્યવસ્થા) અને માર્કેટ આઉટ-લુક (બજારની સ્થિતને) આભારી છે. ભારતે ૧૦ વર્ષથી પણ ઓછા સમયમાં આ પરિવર્તન આણ્યું છે તેમ પણ સ્ટેન્લી મોર્ગનનો અહેવાલ દર્શાવે છે.
નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદ ૨૦૧૪માં સંભાળ્યું તેમણે કોર્પોરેટ ટેક્સન અન્ય (સમાન) સ્તર પર મૂકી દીધો. પાયાના અર્થતંત્રમાં મૂડીરોકાણ શરૂ કર્યું અનેે પુરવઠાની સૌથી લાંબી શૃંખલા પણ શરૂ કરી.
ભારતમાં કરવેરા અંગે અને તેની પ્રાપ્તિ અંગે મોર્ગન સ્ટેનલી જણાવે છે કે, જીએસટીને લીધે કર-વસુલાત સરળ અને ઝડપી બની છે. જુદા જુદા રાજ્યોમાં જુદા જુદા ૧૨૦૦થી વધુ પ્રકારના કરવેરા જીએસટીને લીધે દૂર થતાં કરવેરાનું કલેક્શન વધ્યું છે. તેટલું જ નહી પરંતુ ડીજીટલ ટ્રાન્ઝેક્શનને લીધે કાર્યવાહી પણ ઝડપી બની છે. તેથી જીડીપી પણ વધી છે.
સરકારની યોજનાઓના લાભાર્થીઓને લાભો પણ ઝડપથી અને સરળ રીતે મળી રહ્યા છે. ફુગાવાને કાબુમાં રખાયો છે. એફડીઆઇ ઉપર ધ્યાન કેન્દ્રીત કરાયું છે, કોર્પોરેટ પ્રોફીટ્સ પણ ગવર્નર સપોર્ટથી વધ્યા છે.
જીડીપીની દ્રષ્ટિએ જોઈએ તે કેપિટલ સ્પેન્ડીંગ (મૂળભૂત ખર્ચ) વધવા સાથે જીડીપી પણ વધી છે અને ઉદ્યોગ વ્યાપાર વાણિજ્ય વિકાસ સાથે રોજગારીની તકો વધતા ભારતના માથાદીઠ આવક વધીને વાર્ષિક ૨,૨૦૦ ડોલર થઈ જે ૨૦૩૨ સુધીમાં વધીને ૫,૨૦૦ અમેરિકી ડોલર થવાની પૂરી શક્યતા છે.