દેશમાં ઔદ્યોગિક ગતિવિધિઓ વેગવાન બની, મેન્યુફેક્ચરિંગ PMI દસ માસની ટોચે 58.2
Manufacturing PMI: દેશમાં ઔદ્યોગિક પ્રવૃત્તિઓ વેગવાન બની છે. વૈશ્વિક પડકારો વચ્ચે મજબૂત ઓર્ડર બુક નોંધાતાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો ગ્રોથ એપ્રિલમાં 10 માસની ટોચે નોંધાયો છે. જૂન, 2024 બાદ ઉત્પાદનમાં આટલો મોટો વધારો જોવા મળ્યો છે. HSBC ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગ પર્ચેજિંગ મેનેજર્સ ઈન્ડેક્સ (PMI) એપ્રિલમાં વધી 58.2 થયો છે. જે માર્ચમાં 58.1 હતો. છેલ્લા દર મહિનાથી મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં મજબૂત ગ્રોથ જોવા મળ્યો છે.
50થી વધુ પીએમઆઈ ઔદ્યોગિક ગિતિવિધિઓનું વિસ્તરણ દર્શાવે છે, જ્યારે 50થી નીચે સંકોચન દર્શાવે છે.
નવા ઓર્ડરમાં વૃદ્ધિથી ઉત્પાદન વધ્યું
ઔદ્યોગિક ગતિવિધિઓમાં ઉત્પાદન વધવા પાછળનું કારણ નવા ઓર્ડરમાં વૃદ્ધિ છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો ગ્રોથ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને માગને ટેકો આપે છે. સર્વે અનુસાર, વૈશ્વિક સ્તરે અનેક પડકારો વચ્ચે આંતરરાષ્ટ્રીય ઓર્ડરમાં નોંધનીય વધારો જોવા મળ્યો છે. કુલ વેચાણમાં આંતરરાષ્ટ્રીય ઓર્ડરમાં વૃદ્ધિ છેલ્લા 14 વર્ષની ટોચે છે. આ માગ મુખ્ય રૂપે આફ્રિકા, એશિયા, યુરોપ, મધ્ય પૂર્વ અને અમેરિકામાંથી જોવા મળી છે.
નિકાસ ઓર્ડરમાં વૃદ્ધિથી વેગ
HSBCના ચીફ ઈકોનોમિસ્ટ પ્રાંજુલ ભંડારીએ જણાવ્યું હતું કે, એપ્રિલમાં નવા નિકાસ ઓર્ડરમાં ઉલ્લેખનીય વૃદ્ધિ ભારતની ઔદ્યોગિક ગતિવિધિઓ વિશ્વના ઉભરતા બિઝનેસ લેન્ડસ્કેપ અને ટેરિફની જાહેરાતને અનુકૂળ જણાય છે. આ સકારાત્મક પ્રવૃત્તિઓની સાથે રોજગાર અને કામગીરીમાં ઉલ્લેખનીય વૃદ્ધિ નોંધાઈ છે.
મૂલ્ય નિર્ધારણ શક્તિ વધી
ભાવના મોરચે, ભારતીય પ્રોડક્ટ્સની મજબૂત માગથી કંપનીઓની મૂલ્ય નિર્ધારણ શક્તિ વધી છે. જેથી વેચાણનો આંકડો ઓક્ટોબર, 2013 બાદથી સૌથી વધુ નોંધાયો છે. કાચા માલના ખર્ચમાં વૃદ્ધિની સાથે મૂલ્ય નિર્ધારણ શક્તિ વધતાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરની આવક વધી છે. એપ્રિલમાં મજબૂત આંકડાઓને ધ્યાનમાં લેતાં આગામી સમયમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો ગ્રોથ વધવાની અપેક્ષા છે. જે IIPને વેગ આપશે.