Get The App

ઓગસ્ટમાં ઉત્પાદન પ્રવૃતિઓનો PMI ઘટીને 56.2, મોંઘવારી મોરચે સામાન્ય રાહત

Updated: Sep 1st, 2022

GS TEAM

Google News
Google News
ઓગસ્ટમાં ઉત્પાદન પ્રવૃતિઓનો PMI ઘટીને 56.2, મોંઘવારી મોરચે સામાન્ય રાહત 1 - image

અમદાવાદ,તા.01 સપ્ટેમ્બર 2022,ગુરૂવાર

ઓગસ્ટ મહિનામાં ભારતની મેન્યુફેક્ચરિંગ પ્રવૃત્તિઓમાં સુધારો જોવા મળ્યો છે. જોકે S&P ગ્લોબલ પરચેઝિંગ મેનેજર્સ ઈન્ડેક્સ (PMI) જુલાઈમાં 56.4ની 8 મહિનાની ટોચેથી સામાન્ય ઘટીને 56.2 થયો છે. PMI ઈન્ડેકસ અનુસાર 50થી રીડિંગ જે-તે સેક્ટરનિ પ્રવૃત્તિઓમાં વૃદ્ધિ સૂચવે છે, જ્યારે 50થી નીચેનું PMI વાંચન સંકોચન દર્શાવે છે. ભારતના ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃતિઓમાં 50થી ઉપર PMI ઈન્ડેકસ રહ્યો હોય તેવો આ 14મો મહિનો છે. 

S&P ગ્લોબલે માસિક રિપોર્ટમાં જણાવ્યું કે દેશમાં માંગની સ્થિતિમાં સતત સુધારાને કારણે ઓગસ્ટ મહિનામાં ભારતના ઉત્પાદન ક્ષેત્રને નવા ઓર્ડરની સંખ્યામાં વધારો થયો છે, જેના કારણે આઉટપુટ ગ્રોથ 9 મહિનાના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયો છે. આ સમયગાળા દરમિયાન ઉત્પાદન પ્રવૃતિઓને નિકાસમાં તેજી અને મજબૂત આઉટલુકને પગલે ટેકો મળ્યો છે.

ઓગસ્ટમાં ઉત્પાદન પ્રવૃતિઓનો PMI ઘટીને 56.2, મોંઘવારી મોરચે સામાન્ય રાહત 2 - image

S&P ગ્લોબલના અહેવાલ અનુસાર સર્વેમાં સામેલ કંપનીઓએ તેમના ઉત્પાદનોના ભાવ અને માર્જિનમાં વધુ વધારાની અપેક્ષા વ્યક્ત કરી છે. તાજેતરમાં કોમોડિટીના ભાવમાં થયેલા ઘટાડાથી મોંઘવારીના દબાણમાં પણ આંશિક ઘટાડો થયો છે.

ઓગસ્ટમાં ઉત્પાદન ખર્ચમાં વધારો એક વર્ષના નીચલા સ્તરે પહોંચ્યો છે એટલેકે ફુગાવાનું એકતરફી દબાણ હવે ઘટ્યું છે અને સ્થિતિ કાબૂમાં છે. ઉત્પાદન ખર્ચમાં વધારાના અંકુશમાં સૌથી મોટો ફાળો એલ્યુમિનિયમ અને સ્ટીલ જેવા કાચા માલના ભાવમાં ઘટાડાને કારણે આવ્યો છે. જોકે કંપનીઓના ઉત્પાદનોની વેચાણ કિંમતમાં થોડો વધારો થયો છે.

કોરોના મહામારી બાદ ઝડપથી રિકવર થઈ રહેલ અર્થતંત્રમાં ઈન્ફ્લેશનને કાબૂમાં લેવા માટે ભારત સહિત વિશ્વની સેન્ટ્રલ બેંકોએ વ્યાજદર વધારાનું શસ્ત્ર ઉગામ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે વધતી જતા ફુગાવાને કારણે RBIએ માત્ર 4 મહિનામાં રેપો રેટ 1.40 ટકા વધારીને 5.4 ટકા કર્યો છે