ભારતની આગેવાનીએ એશિયાનો ઉત્પાદન PMI 14 મહિનાની ટોચે
- વૈશ્વિક વેપાર તાણ અને ભૌગોલિકરાજકીય અનિશ્ચિતતા વચ્ચે પણ ઉત્પાદન ક્ષેત્રે સ્થિતિ સાનુકૂળ

મુંબઈ : હાલમાં ચાલી રહેલી વૈશ્વિક વેપાર તાણ અને ભૌગોલિકરાજકીય અનિશ્ચિતતા વચ્ચે પણ ચીન અને જાપાનને બાદ કરતા એશિયાનો ઉત્પાદન ક્ષેત્રનો પરચેઝિંગ મેનેજર્સ' ઈન્ડેકસ (પીએમઆઈ) ઓકટોબરમાં વધી ૫૨. ૭૦ સાથે ૧૪ મહિનાની ટોચે રહ્યો છે.
એશિયાના દેશો જેમ કે ભારત, થાઈલેન્ડ તથા વિયેતનામની આગેવાની હેઠળ વૈશ્વિક સ્તરે ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિમાં વધારો જોવા મળી રહ્યો છે.
ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિની વૃદ્ધિમાં ભારતે આગેવાની લીધી છે પરંતુ થાઈલેન્ડ તથા વિયેતનામમાં પણ કામગીરીમાં મજબૂત વધારો થયો છે. આ દેશોના ઉત્પાદકો અમેરિકાના ટેરિફથી ખાસ ચિંતીત નહીં હોવાનું એસએન્ડપી ગ્લોબલ માર્કેટ ઈન્ટેલિજન્સ દ્વારા તૈયાર કરાયેલા પીએમઆઈ રિપોર્ટમાં જણાવાયું હતું.
થાઈલેન્ડનો ઉત્પાદન ક્ષેત્રનો ઓકટોબરનો પીએમઆઈ મે ૨૦૨૩ બાદ અને વિયેતનામનો પીએમઆઈ ૨૦૨૪ના જુલાઈ બાદ સૌથી ઊંચી સપાટીએ જોવા મળ્યો છે.
ઓકટોબરમાં ભારતનો ઉત્પાદન ક્ષેત્રનો પીએમઆઈ ૫૯.૨૦ સાથેે વૈશ્વિક સ્તરે સૌથી ઊંચો રહ્યો છે.
એશિયા વિસ્તારના ઉત્પાદકો આગામી એક વર્ષ માટેના પોતાના વેપારને લઈને પોઝિટિવ મત ધરાવી રહ્યા છે. ઓકટોબરની જેમ જ નવા ઓર્ડરો વધવાનું ચાલુ રહેશે અને ભાવનું દબાણ હળવું જળવાઈ રહેશે તો, એશિયા વિસ્તારમાં ઉત્પાદન ક્ષેત્રની વૃદ્ધિની વર્તમાન ગતિ જળવાઈ રહેવાની અપેક્ષા હોવાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.

