વિશ્વ બજારમાં ભાવ ગબડી જતા ભારત માટે ખાંડ નિકાસ ટાર્ગેટ પૂરો કરવાનું મુશ્કેલ
- બ્રાઝિલનો પૂરવઠો વધતા વિશ્વ બજારમાં સાકરના ભાવ નરમ
મુંબઈ : વર્તમાન મોસમમાં દસ લાખ ટનના ટાર્ગેટ સામે ખાંડનો નિકાસ આંક આઠ લાખ ટનથી ઓછી રહેવાની શકયતા છે. બ્રાઝિલ ખાતેથી વિશ્વ બજારમાં પૂરવઠો વધી જતા ખાંડના વૈશ્વિક ભાવ નરમ પડયા છે જેની અસર ભારત ખાતેથી નિકાસ પર પડી છે, એમ સરકારી સુત્રોએ જણાવ્યું હતું.
૩૦ સપ્ટેમ્બરના સમાપ્ત થનારી વર્તમાન ખાંડ મોસમ માટે સરકારે દસ લાખ ટનનો કવોટા જાહેર કર્યો હતો. જો કે આ જાહેરાત જાન્યુઆરીમાં કરાઈ હતી.
ઘરઆંગણે ખાંડના ભાવ દોઢ વર્ષની નીચી સપાટીએ પહોંચી જતા મિલોને ટેકો પૂરો પાડવાના ભાગરૂપ સરકારે નિકાસ કવોટા જાહેર કર્યો હતો.
પ્રારંભમાં ઓર્ડરો પ્રાપ્ત થયા બાદ ભારતીય ખાંડ વિશ્વબજારમાં ભાવની દ્રષ્ટિએ ટકી નહીં શકતા નિકાસ ઓર્ડર મળવાનું ઘટી ગયું હતું. બ્રાઝિલની ખાંડના પૂરવઠામાં વધારાને પરિણામે વિશ્વ બજારમાં ખાંડના ભાવ દબાણ હેઠળ આવી ગયા છે.
વિશ્વ બજારમાં ખાંડના ભાવ ફ્યુચર્સમાં ચાર વર્ષની નીચી સપાટીએ પહોંચી ગયા છે. દેશની મિલોએ વર્તમાન મોસમમાં ૭.૫૦ લાખ ટન ખાંડના નિકાસ કરાર કર્યા છે અને તેમાંથી ૭.૨૦ લાખ ટન ખાંડ રવાના કરી દેવાઈ હોવાનું સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.
૨૦૨૪ના ઓકટોબરથી શરૂ થયેલી વર્તમાન ખાંડ મોસમને સમાપ્ત થવામાં હવે દસ દિવસ બાકી છે ત્યારે આ ગાળામાં મહત્તમ ૨૫૦૦૦ ટનના નિકાસ કરાર થવાની શકયતા છે.
આમ ખાંડનો એકંદર નિકાસ આંક વર્તમાન મોસમમાં ૭.૭૫ લાખ ટન રહેવાની ધારણાં છે. વર્તમાન વર્ષનું ચોમાસુ સારુ રહેતા નવી મોસમમાં દેશનું ખાંડ ઉત્પાદન ઊંચુ ઊતરવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.