આવક વેરા વિભાગ દ્વારા રૂ. 20000 કરોડના રિફન્ડ અટકાવી રખાયાનો દાવો
- વર્તમાન નાણાં વર્ષમાં વેરા વસૂલીમાં અપેક્ષા પ્રમાણે વૃદ્ધિ જોવા મળતી નથી
- સીધા વેરા પેટે રૂપિયા ૧૧.૫૦ ટ્રિલિયન વસૂલવાનો ટાર્ગેટ રખાયો : વસૂલાત ઝડપી બનાવવા છૂટેલા આદેશ
નવી દિલ્હી, તા. 18 જાન્યુઆરી 2019, શુક્રવાર
ઊંચી આવક ધરાવનારા કરદાતા અને જાહેર ક્ષેત્રના એકમો દ્વારા નાણાં વર્ષ ૨૦૧૬-૧૭ માટે દાવો કરાયેલા વેરા રિફન્ડ હાલમાં છૂટા નહીં કરવાનો આવક વેરા વિભાગે નિર્ણય કર્યો છે. ટેકસ ડિડકટેડ એટ સોર્સ (ટીડીએસ)ની ક્રેડિટમાં તફાવત, આગળ ખેંચાયેલી ખોટ તથા અગાઉના નાણાં વર્ષની બાકી પડેલી વેરા માગ જેવા કારણોસર આ રિફન્ડ અટકાવી રખાયા હોવાનું વેરા વિભાગના સુત્રોએ જણાવ્યું હતું. એક અંદાજ મુજબ કુલ રૂપિયા ૨૦,૦૦૦ કરોડના વેરા રિફન્ડ અટકાવી દેવાયા છે.
જ્યાંસુધી મુદ્દાઓનો ઉકેલ ન આવે ત્યાંસુધી આ નાણાં છૂટા નહીં કરવા વેરા વિભાગે નિર્ણય કર્યો હોવાનું પણ સુત્રોએ જણાવ્યું હતું. વર્તમાન નાણાં વર્ષ માટે સીધા વેરા પેટે રૂપિયા ૧૧.૫૦ ટ્રિલિયન વસૂલવાનો ટાર્ગેટ રખાયો છે.
વર્તમાન નાણાં વર્ષમાં રાજકોષિય ખાધ જીડીપીના ૩.૩૦ ટકા સુધી સીમિત રાખવાના ભાગરૂપ આવક વેરા વિભાગે દરેક ક્ષેત્રના કમિશનરોને વેરા વસૂલી આક્રમક બનાવવા સૂચના આપી છે. જીએસટી તથા નોન-ટેકસ રેવેન્યુમાં પડનારી તૂટ સીધા વેરાની વસૂલી મારફત ભરપાઈ કરવા સરકાર ઈરાદો ધરાવે છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસિઝ (સીબીડીટી) દ્વારા આવક વેરા વિભાગના ચીફ કમિશનરોને જારી કરાયેલા આંતરિક સર્ક્યુલરમાં બાકી પડેલા વેરાની વસૂલી માટેના પ્રયાસો ઝડપી બનાવવા અને વર્તમાન વેરા માટેની માગ પર ખાસ ધ્યાન આપવા સૂચના અપાઈ છે.
વર્તમાન નાણાં વર્ષમાં આવક વેરાની નેટ વસૂલીમાં ૧૪.૭૦ ટકાની વૃદ્ધિ ના ટાર્ગેટ સામે હાલનો વૃદ્ધિ દર ૧૩.૬૦ ટકા રહ્યો છે. ગયા વર્ષના આ સમયગાળાનો વૃદ્ધિ દર ૧૫.૬૦ ટકા રહ્યો હતો.
કોઈ કરદાતા વેરાની ચૂકવણીમાં ઢીલ કરી રહ્યા હોય અથવા તો કરચોરી કરવાનો ઈરાદો ધરાવતા હોય તો તેમની સામે સખત કાર્યવાહી કરવા પણ વિવિધ વિસ્તારની આવક વેરા કચેરીને સૂચના આપવામાં આવી છે.