નવા વર્ષમાં ડુંગળીનો એક લાખ ટન બફર સ્ટોકસ ઊભો કરાશે
- ૨૦૧૯માં ૫૬૦૦૦ ટનનો સ્ટોકસ કરાયો હોવા છતાં ભાવ કાબુ બહાર ગયા
નવી દિલ્હી, તા. 30 ડિસેમ્બર 2019, સોમવાર
આ વર્ષમાં ડુંગળીના ભાવમાં આવેલા ઉછાળા અને સર્જાયેલી કટોકટીનું પુનરાવર્તન ટાળવા સરકારે ૨૦૨૦માં ડુંગળીનો એક લાખ ટન બફર સ્ટોકસ ઊભો કરવા નિર્ણય કર્યો છે. ૨૦૧૯ માટે સરકારે કાંદાનો ૫૬૦૦૦ ટન્સનો બફર સ્ટોક ઊભો કર્યો છે, પરંતુ ભાવને અંકૂશમાં રાખવા તે પૂરતો સાબિત થયો નથી. દેશના મોટાભાગના શહેરોમાં કાંદાના ભાવ હજુપણ પ્રતિ કિલો રૂપિયા ૧૦૦ બોલાઈ રહ્યા છે. આને કારણે સરકારે એમએમટીસી મારફત આયાત કરવાની ફરજ પડી છે.
ગૃહ પ્રધાન અમિત શાહની આગેવાની હેઠળ તાજેતરમાં ગુ્રપ ઓફ મિનિસ્ટર્સની મળેલી બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં આગામી વર્ષમાં એક લાખ ટનનો બફર સ્ટોકસ ઊભો કરવા નિર્ણય કરાયો હતો, એમ એક સરકારી અધિકારીએ પીટીઆઈને જણાવ્યું હતું.
સહકારી સંસ્થા નાફેડ જે સરકાર વતિ કાંદાનો બફર સ્ટોકસ જાળવે છે તે આગામી વર્ષમાં પણ જાળવણી કરશે. નાફેડ રવી કાંદાની ખરીદી કરશે કારણ તે લાંબો સમય સુધી ટકે છે. માર્ચથી જુલાઈના ગાળામાં નાફેડ ખેડૂતો પાસેથી સીધો માલ ખરીદશે.
ખરીફ પાકમાં ઘટાડા અને કમોસમી વરસાદથી પાકને થયેલા નુકસાનને કારણે કાંદાના ભાવમાં આ વર્ષે ઉછાળો આવ્યો હતો. કાંદાના ભાવમાં આવેલા ઉછાળાને અંકૂશમાં રાખવા સરકારે નિકાસ પર પ્રતિબંધ તથા સ્ટોક લિમિટસ અને આયાત સહિતના પગલાં હાથ ધર્યા હતા.
સરકારે પોતાની પાસેના બફર સ્ટોકસને બજારમાં ઠાલવ્યો હતો અને હાલમાં આયાતી માલ ઠલવાઈ રહ્યો છે. એમએમટીસીએ તુર્કી, અફઘાનિસ્તાન તથા ઈજિપ્ત ખાતેથી ૪૫૦૦૦ ટન્સ કાંદા ખરીદવા કરાર કર્યા છે.