નવા સપ્તાહમાં સેન્સેક્સ 66966 ઉપર બંધ થતાં 67666 જોવાય
- નિફટી ૧૯૯૬૬ ઉપર બંધ થતાં ૨૦૧૧૧ જોવાય
- જીઓપોલિટીકલ ટેન્શન વચ્ચે સેન્સેક્સમાં ૬૫૬૧૧ના સપોર્ટ અને નિફટી ૧૯૫૪૪ની ટેકાની સપાટી
મુંબઈ : વિશ્વ ફરી મહા જીઓપોલિટીકલ ટેન્શનમાં આવ્યું છે. યુક્રેન-રશીયા યુદ્વના પરિણામે પહેલા જ પુરવઠા સ્થિતિ ખોરવાતાં લાંબા સમયથી ફુગાવા-મોંઘવારીનો સામનો કરી રહેલા અનેક દેશો હજુ આ સમસ્યામાંથી બહાર આવી શક્યા નથી, એવામાં હવે ઈઝરાયેલમાં આતંકી હુમલા કરીને હમાસે યુદ્વ છેડતાં ફરી પશ્ચિમી દેશો અને અખાતના દેશો વચ્ચે તનાવ વધ્યો છે. મિડલ ઈસ્ટના અન્ય દેશોમાં આ યુદ્વ ફેલાવાની વધેલી શકયતાએ વૈશ્વિક બજારોમાં સેન્ટીમેન્ટ ડહોળાયું છે. બીજી તરફ ચાઈના સતત આર્થિક સંકટ સાથે આંતરિક સમસ્યાઓને લઈ અનિશ્ચિતતામાં ગરકાવ છે. વૈશ્વિક બજારોમાં સપ્તાહના અંતે ક્રુડ ઓઈલના ભાવમાં ચાર ટકાની તેજીએ ભાવ ફરી બ્રેન્ટ ૯૧ ડોલરની સપાટીની સપાટીએ પહોંચી ગયા છે. અમેરિકાએ રશીયાને ભીંસમાં લેવા ટેન્કર માલિકો પર પ્રતિબંધ લાદતાં વૈશ્વિક પુરવઠો ઘટવાના અંદાજોએ ભાવમાં વધુ ભડકો થયો છે. ઈઝરાયેલ-હમાસ યુદ્વ આર્થિક મોરચે મોટા સંકટ સાથે વૈશ્વિક મહામંદીનું કારણ બનવાનું જોખમ ઊભું થયું છે. મિડલ ઈસ્ટ યુદ્વમાં ધકેલાવાની દહેશત અને એના પરિણામે આગામી દિવસોમાં સંભવિત પુરવઠા સ્થિતિ ખોરવાય એવી ભીતિએ ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં સપ્તાહના અંતે આવેલો તીવ્ર ઉછાળો અને ક્રુડના ભાવ વધીને ૧૦૦ ડોલરની સપાટી પાર કરવાની સંભાવનાએ ભારત સહિતના મોટાભાગની આયાત પર નિર્ભર દેશો માટે હાલત કફોડી બનવાની શકયતાએ બજાર ઈન્ડેક્સ બેઝડ ઉથલપાથલનું રહ્યું છે. વૈશ્વિક જાયન્ટ જેપી મોર્ગનના સીઈઓ જેમી ડિમોને પણ આ સમયને વિશ્વ માટે દાયકાઓમાં સૌથી ખતરનાક સમય બની રહેવાની શકયતા બતાવી છે. જેથી હજુ અનિશ્ચિતતા વચ્ચે વૈશ્વિક બજારોમાં ફંગોળાતી ચાલ જોવાઈ શકે છે.
ક્રુડના ભાવ, એચડીએફસી બેંક, એલ એન્ડ ટી ટેકનો., વિપ્રો, આઈટીસી, નેસ્લે ઈન્ડિયા, બજાજ ઓટોના પરિણામો પર નજર
કોર્પોરેટ પરિણામોની જુલાઈ થી સપ્ટેમ્બર ૨૦૨૩ના ત્રિમાસિકની સીઝનની શરૂઆત ટીસીએસ, ઈન્ફોસીસ, એચસીએલ ટેકનોલોજીસના પરિણામોથી થઈ ગઈ છે. આઈટી કંપનીઓએ રિઝલ્ટ સાધારણ થી નબળા રજૂ કર્યા સાથે આઉટલૂક, પૂર્ણ વર્ષ માટેના આવક વૃદ્વિના અંદાજોમાં ઘટાડો કરીને આગામી સમય પડકારરૂપ રહેવાનો સંકેત આપ્યો છે. જેથી આ વખતે પરિણામોની સીઝન હજુ બજારમાં સ્ટોક સ્પેસિફિક અફડાતફડી બતાવશે. આગામી સપ્તાહમાં હવે રવિવારે ૧૫, ઓકટોબરના રોજ એચડીએફસી બેંક લિમિટેડના જાહેર થનારા પરિણામ અને ૧૭, ઓકટોબરના રોજ બજાજ ફાઈનાન્સ અને એલ એન્ડ ટી ટેકનોલોજી સર્વિસિઝ તેમ જ ૧૮, ઓકટોબર ૨૦૨૩ના વિપ્રો, બજાજ ઓટો, ઈન્ડસઈન્ડ બેંક તેમ જ ૧૯, ઓકટોબર ૨૦૨૩ના હિન્દુસ્તાન યુનિલિવર, આઈટીસી લિમિટેડ, નેસ્લે ઈન્ડિયા, અલ્ટ્રાટેક સિમેન્ટના જાહેર થનારા પરિણામો પર નજર રહેશે. આગામી સપ્તાહમાં ક્રુડના ભાવ તેમ જ રૂપિયા સામે અમેરિકી ડોલરના મૂલ્યમાં વધઘટ સહિત પર બજારની નજર રહેશે. જીઓપોલિટીકલ ટેન્શન, કંપનીઓના પરિણામો, ક્રુડના ભાવ, અમેરિકી ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં વધઘટ વચ્ચે આગામી સપ્તાહમાં સેન્સેક્સ ૬૫૬૧૧ની ટેકાની સપાટીએ ૬૬૯૬૬ ઉપર બંધ થતાં ૬૭૬૬૬ અને નિફટી સ્પોટ ૧૯૫૪૪ના સપોર્ટે ૧૯૯૬૬ ઉપર બંધ થવાના સંજોગોમાં ૨૦૧૧૧ જોવાઈ શકે છે.
અર્જુનની આંખે : MORGANITE CRUCIBLE (INDIA) LTD.
માત્ર બીએસઈ(૫૨૩૧૬૦), રૂ.૫ પેઈડ-અપ, ISO 9001 : 2005 Certified, મોર્ગેનાઈટ ક્રુસિબલ ઈન્ડિયા લિમિટેડ( MORGANITE CRUCIBLE (INDIA) LIMITED) યુ.કે. સ્થિત મલ્ટિનેશનલ મોગર્ન એડવાન્સ્ડ મટીરિયલ્સ પ્લેક.નું ડિવિઝન તરીકે કાર્યરત કંપની ક્રુસિબલ્સ અને અલાઈડ રીફ્રેકટરી પ્રોડક્ટસના મેન્યુફેકચરીંગ અને વેચાણ ક્ષેત્રે સક્રિય કંપની છે. કંપની ઉચ્ચ પરફોર્મન્સ ક્રુસિબલ્સ, ફાઉન્ડ્રી કન્ઝયુમેબલ્સ અને અલાઈડ રીફ્રેકટરી પ્રોડક્ટસની પ્રતિષ્ઠિત મેન્યુફેકચરર કંપની સિલિકોન કાર્બાઈડ ક્રુસિબલ્સ, ક્લે ગ્રેફાઈટ ક્રુસિબલ્સ અને ક્રુસિબલ્સની કાર્બન અને ગ્રેફાઈટ એસેસરીઝ ઓફર કરે છે. કંપની અગાઉ ગ્રીવ્ઝ મોર્ગેનાઈટ ક્રુસિબલ્સ લિમિટેડ તરીકે ઓળખાતી હતી અને તેનું નામ ઓગસ્ટ ૨૦૧૬માં બદલીને મોર્ગેનાઈટ ક્રુસિબલ ઈન્ડિયા લિમિટેડ કરાયું હતું. કંપની ઔરંગાબાદ, ભારત સ્થિત છે. યુ.કે. સ્થિત ગુ્રપ મોર્ગન એડવાન્સ્ડ મટીરિયલ્સ પ્લેક.ના ડિવિઝન તરીકે કાર્યરત મોલ્ટેન મેટલ સિસ્ટમ્સ(એમએમએસ) ડિવિઝનના ભાગરૂપ કંપની ફાઉન્ડ્રીઝ, ડાયકાસ્ટર્સ અને મેટલ-મેલ્ટિંગ સવલતો ઝિંક, પ્રીસિયસ મેટલ્સ, એલ્યુમીનિયમ, કોપર, બ્રાસ અને અન્ય નોન-ફેરસ મેટલ્સને આવરી લેતી સવલતોને મેલ્ટિંગ સોલ્યુશન્સ ઓફર કરે છે. કંપની તેની અત્યાધુનિક મેન્યુફેકચરીંગ સક્ષમતા, પેરન્ટના મજબૂત સપોર્ટ, ટેકનીકલ નિપૂણતા, કુશળ માનવ સ્ત્રોત અને ડોમેઈ નોલેજ થકી મોર્ગન મજબૂત બ્રાન્ડ ઊભરી આવી અત્યારે ઉદ્યોગમાં ૪૦ ટકા બજાર હિસ્સો ધરાવે છે.
૧૫૦ વર્ષથી અસ્તિત્વ ધરાવતી મોર્ગેનાઈટ ક્રુસિબલ ઈન્ડિયા લિમિટેડે એડવાન્સ્ડ મટીરિયલ્સ, સાયન્સ અને એન્જિનિયરીંગના સમન્વય થકી પ્રોડક્ટસ અને સોલ્યુશન્સ વિકસાવ્યા છે. કંપનીના વિશ્વકક્ષાના ક્રુસિબલ્સ અને સિરામિક પ્રોડક્ટસની રેન્જથી મેલ્ટિંગ અને મેટલ-કાસ્ટિંગ સોલ્યુશન્સ સાથે વિવિધ ઉદ્યોગો જેવા કે એરોસ્પેસ થી લઈ ઈલેક્ટ્રોનિક્સ, પાવર થી પેટ્રોકેમિકલ્સ અને માઈનીંગ થી મેડિસીન અને મીલિટ્રીની જરૂરીયાતો અને માંગ પૂરી કરે છે. કંપીના ઉત્પાદનોમાં ક્રુસિબલ્સ, ફાઉન્ડ્રી પ્રોડક્ટસ, ફર્નેશ ઈન્ડસ્ટ્રીઝ પ્રોડક્ટસ અને ફેરસ પ્રોડક્ટસનો સમાવેશ છે.
પ્રમુખ ગ્રાહકો : કંપનીના પ્રમુખ ગ્રાહકોની યાદીમાં ટાટા ગુ્રપ, હિન્દુસ્તાન પેન્સિલ, ઈન્ડિયન રેલવેઝ, જિન્દાલ શો, ટાઈટન કંપની લિમિટેડ, સુંદરમ ક્લેટોન ગુ્રપ, મહિન્દ્રા સીઆઈઈ અને બજાજ ઓટો સહિતનો સમાવેશ છે.
શેર હોલ્ડિંગ પેટર્ન : મોર્ગેનાઈટ ક્રુસિબલ પાસે ૩૮.૫૦ ટકા અને મોર્ગન ટેરરેસ્સેન બી. વી. પાસે ૩૬.૫૦ ટકા મળીને પ્રમોટર્સ હસ્તક કુલ ૭૫ ટકા હોલ્ડિંગ છે. જ્યારે રૂ.૨ લાખ સુધીની વ્યક્તિગત શેરમૂડીધારકો પાસે ૧૯.૮૮ ટકા છે.
ડિવિન્ડ : માર્ચ ૨૦૨૦માં ૧૬૦ ટકા, માર્ચ ૨૦૨૧ના ૮૪૦ ટકા, માર્ચ ૨૦૨૨માં ૪૨૦ ટકા અને માર્ચ ૨૦૨૩માં ૨૨૦ ટકા
બુક વેલ્યુ : માર્ચ ૨૦૨૦ના રૂ.૧૯૨.૫૦, માર્ચ ૨૦૨૧ના રૂ.૧૮૩, માર્ચ ૨૦૨૨માં રૂ.૨૧૯, માર્ચ ૨૦૨૩ના રૂ.૨૨૭, અપેક્ષિત માર્ચ ૨૦૨૪ના રૂ.૨૮૮
નાણાકીય પરિણામો :
(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૧ થી માર્ચ ૨૦૨૨ : ચોખ્ખી આવક રૂ.૧૮૧.૩૧ કરોડ મેળવીને એનપીએમ-નેટ પ્રોફિટ માર્જિન ૨૨.૨૨ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૪૦.૨૯ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઇપીએસ રૂ.૭૧.૯૫ (અસાધારણ અન્ય નફા રૂ.૩.૧૦ કરોડને ગણતરીમાં લીધા વિના)હાંસલ કરી હતી.
(૨) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૨ થી માર્ચ ૨૦૨૩ : ચોખ્ખી આવક રૂ.૧૫૯.૪૨ કરોડ મેળવી એનપીએમ-નેટ પ્રોફિટ માર્જિન ૧૦.૧૫ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૧૬.૧૧ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૨૮.૭૮ હાંસલ કરી હતી.
(૩) પ્રથમ ત્રિમાસિક એપ્રિલ ૨૦૨૩ થી જૂન ૨૦૨૩ : ચોખ્ખી આવક ૫.૮૩ ટકા વધીને રૂ.૪૩.૮૩ કરોડ મેળવીને એનપીએમ ૧૭.૮૦ ટકા થકી ચોખ્ખો નફો ૮૦ ટકા વધીને રૂ.૭.૮૦ કરોડ નોંધાવી શેર દીઠ ત્રિમાસિકની આવક-ઈપીએસ રૂ.૧૩.૯૪ હાંસલ કરી છે.
(૪) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૩ થી માર્ચ ૨૦૨૪ : અપેક્ષિત ચોખ્ખી આવક રૂ.૧૬૯ કરોડ મેળવી એનપીએમ-નેટ પ્રોફિટ માર્જિન ૨૦ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૩૩.૮૦ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૬૦.૩૫ અપેક્ષિત છે.
આમ (૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ ઈન્વેસ્ટમેન્ટ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહીં.(૨) મોર્ગેનાઈટ ક્રુસિબલ પાસે ૩૮.૫૦ ટકા અને મોર્ગન ટેરરેસ્સેન બી. વી. પાસે ૩૬.૫૦ ટકા મળીને પ્રમોટર્સ હસ્તક કુલ ૭૫ ટકા હોલ્ડિંગ ધરાવતી (૩) મલ્ટિનેશનલ યુ.કે. સ્થિત મોગર્ન એડવાન્સ્ડ મટીરિયલ્સ પ્લેક.નું ડિવિઝન તરીકે કાર્યરત કંપની ક્રુસિબલ્સ અને અલાઈડ રીફ્રેકટરી પ્રોડક્ટસના મેન્યુફેકચરીંગ અને વેચાણ ક્ષેત્રે સક્રિય કંપની (૪) પ્રથમ ત્રિમાસિક એપ્રિલ ૨૦૨૩ થી જૂન ૨૦૨૩માં ચોખ્ખો નફો ૮૦ ટકા ઉછાળે રૂ.૭.૮૦ કરોડ નોંધાવી શેર દીઠ ત્રિમાસિક આવક રૂ.૧૩.૯૪ હાંસલ કરનાર (૫) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૩ થી માર્ચ ૨૦૨૪માં અપેક્ષિત શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૬૦.૩૫ અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૨૮૮ સામે રૂ.૫ પેઈડ-અપ શેર માત્ર બીએસઈ પર રૂ.૧૩૬૭.૪૫ ભાવે ઉદ્યોગના સરેરાશ પી/ઈ રૂ.૫૩ સામે ૨૨.૬૬ના પી/ઈએ ઉપલબ્ધ છે.