વર્તમાન નાણાં વર્ષના પ્રથમ સાત મહિનામાં કૃષિ ઉત્પાદનોના નિકાસ આંકમાં 16 ટકાથી વધુ ઘટાડો
- નબળી વૈશ્વિક માગ અને નીચા ભાવને કારણે દેશના નિકાસ આંક પર અસર
નવી દિલ્હી, તા. 20 ડિસેમ્બર 2019, શુક્રવાર
વર્તમાન નાણાં વર્ષના પ્રથમ સાત મહિનામાં ભારતની કૃષિ પેદાશોના નિકાસ આંકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. નબળી માગ અનનીચા ભાવને કારણે આ ઘટાડો જોવાયો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. બાસમતિ ચોખા, મગફળી, ડેરી પ્રોડકટસ, ફળો તથા શાકભાજીની મળીને ભારતની નિકાસ ગયા નાણાં વર્ષના પ્રથમ સાત મહિનાની સરખામણીએ ૧૬.૫૦ ટકા જેટલી ઘટી છે.
ગયા નાણાં વર્ષના એપ્રિલથી ઓકટોબરમાં ૧૦.૫૦ અબજ ડોલરની સરખામણીએ વર્તમાન વર્ષના આ ગાળામાં આ જણસોનો નિકાસ આંક ૮.૮૦ અબજ ડોલર રહ્યો છે. રૂપિયાની દ્રષ્ટિએ આ આંક રૂપિયા ૭૨૫૨૩ કરોડ પરથી ઘટી રૂપિયા ૬૧૬૮૧ કરોડ રહ્યો છે, એમ એગ્રિકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડસ એકસપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (અપેડા)ના સુત્રોએ જણાવ્યું હતું.
બાસમતિ ચોખાની નિકાસ ૧૦ ટકા જેટલી ઘટી છે જ્યારે નોન-બાસમતિનો નિકાસ આંક ૩૭ ટકાથી વધુ ઘટયો છે. ફળો તથા શાકભાજી માટેનો આ આંક ૯.૬૫ ટકા જ્યારે ડેરી પ્રોડકટસની નિકાસ ૧૯.૪૦ ટકા ઘટી છે.
મગફળીની નિકાસમાં ૯.૯૫ ટકા જ્યારે ગુવારગમની નિકાસ ૨૬ ટકાથી વધુ ઘટી હોવાનું પણ સુત્રોએ જણાવ્યું હતું. કૃષિ પ્રધાન દેશ ભારતની કૃષિ જણસોની નિકાસમાં ઘટાડો ચિંતાજનક કહી શકાય એમ પણ સુત્રોએ જણાવ્યું હતું.
દરમિયાન દેશમાંથી મગફળી તેલની નિકાસમાં ઉછાળો જોવા મળ્યો છે. ચીનની માગમાં જોરદાર વધારાને કારણે ભારતની મગફળી તેલની નિકાસમાં વધારો થયો છે. ચીન એ ભારતના મગફળી તેલનો મોટો આયાતકાર દેશ છે.
ગયા નાણાં વર્ષના નવેમ્બર સુધીના ગાળાની સરખામણીએ વર્તમાન વર્ષના આ ગાળામાં મગફળી તેલની નિકાસ લગભગ ત્રણ ગણી રહીને ૪૨૦૦૦થી ૪૫૦૦૦ ટન્સ રહ્યાનું બજારના સુત્રો જણાવી રહ્યા છે.