પ્રથમ ક્વાર્ટરમાં, ઘણી બેંકોની કૃષિ લોન NPA 10 % સુધી પહોંચી ગઈ
- આ ક્ષેત્રમાં લોનની માંગ ઓછી અને કેટલીક જાહેર ક્ષેત્રની બેંકોનો વાર્ષિક વિકાસ સિંગલ ડિજિટમાં
નવી દિલ્હી : કૃષિ ક્ષેત્રમાં બેંકોના બેડ લોનનું સ્તર વધ્યું છે. ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-જૂન ક્વાર્ટર દરમિયાન ઘણી બેંકોએ કૃષિ ક્ષેત્રમાં વધુ ડિફોલ્ટ નોંધાવ્યા છે. ઘણી બેંકોના કૃષિ ક્ષેત્રમાં નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (એનપીએ) ૫ ટકા કે તેથી વધુ હતા,
જ્યારે કેટલીક બેંકોએ બે આંકડામાં એનપીએ નોંધાવ્યા છે. બેંકોના કૃષિ પોર્ટફોલિયોમાં દબાણની સ્થિતિ એવા સમયે વધી રહી છે જ્યારે આ ક્ષેત્રમાં લોનની માંગ ઓછી છે અને કૃષિ ક્ષેત્રમાં કેટલીક જાહેર ક્ષેત્રની બેંકોનો વાર્ષિક વિકાસ સિંગલ ડિજિટમાં આવી ગયો છે.
આગેવાન બેંકરોએ જણાવ્યું હતું કે, પ્રાથમિકતા ક્ષેત્રની લોન જરૂરિયાતોમાં કૃષિ લોન આવશ્યક છે. આવી સ્થિતિમાં, વધુ લોન આપવાનું વલણ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને નાના અને સીમાંત ખેડૂતોને વધુ લોન આપવામાં આવે છે, જેઓ ઘણીવાર લોન ચૂકવવામાં નિષ્ફળ જાય છે. 'આ દબાણને કારણે, કૃષિ ક્ષેત્રને આપવામાં આવતી લોન પર પ્રતિકૂળ અસર પડી રહી છે. આ ઉપરાંત, સામાન્ય રીતે કૃષિ લોન માફ કરવી મુશ્કેલ બને છે.
પુણેની બેંક ઓફ મહારાષ્ટ્રની કૃષિ ક્ષેત્રને આપવામાં આવેલી બેડ લોન ગયા વર્ષના જૂનમાં રૂ. ૨,૫૧૨ કરોડથી વધીને આ વર્ષે જૂનમાં રૂ. ૩,૧૬૬ કરોડ થઈ ગઈ છે, જે કૃષિ લોનના ૯.૬૫ ટકા છે. બેંકની કૃષિ લોન વાર્ષિક ધોરણે માત્ર ૩ ટકા વધી છે, જ્યારે લોન ક્રમિક ધોરણે ઘટી છે.
યુનિયન બેંક ઓફ ઈન્ડિયા અને પંજાબ એન્ડ સિંધ બેંકે પણ પ્રથમ ક્વાર્ટરમાં એનપીએ રેશિયોમાં વધારો નોંધાવ્યો છે. યુકો બેંકની કૃષિ ક્ષેત્રને આપવામાં આવેલી બેડ લોન ૧૦.૮૧ ટકાના વધેલા સ્તરે છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ડેટા અનુસાર, સપ્ટેમ્બર ૨૦૨૪ ના અંત સુધીમાં કૃષિ ક્ષેત્રનો કુલ એનપીએ ગુણોત્તર ૬.૨ ટકા પર ઊંચો રહ્યો હતો.