2018-19માં દેશની 42 શિડયૂલ્ડ કમર્સિઅલ બેન્કોએ સંયુકત રીતે રૂ. 2.12 ટ્રિલિયનની લોન રાઈટ ઓફ કરી
- ૨૦૧૪-૧૫માં કરાયેલી રાઈટ ઓફ્ફની સરખામણીએ આ આંક ચાર ગણો
- આઈબીસીના શસ્ત્રને કારણે બેન્કો દ્વારા બેડ લોન્સ રિકવરીમાં નોંધપાત્ર સુધારો
મુંબઈ, તા. 29 નવેમ્બર 2019, શુક્રવાર
નાણાં વર્ષ ૨૦૧૮-૧૯માં દેશની ૪૨ શિડયૂલ્ડ કમર્સિઅલ બેન્કોએ સંયુકત રીતે રૂપિયા ૨.૧૨ ટ્રિલિયનની લોન્સ રાઈટ ઓફ કરી નાખી હતી, એમ નાણાં મંત્રાલય દ્વારા સંસદમાં અપાયેલા આંકડા જણાવે છે. તે અગાઉના નાણાં વર્ષમાં રાઈટ ઓફ્ફ કરાયેલી લોન્સનો આંક રૂપિયા ૧.૫૦ ટ્રિલિયન રહ્યો હતો.
પોતાની બેલેન્સશીટસને ચોખ્ખી દર્શાવવા બેન્કો સામાન્ય રીતે નોન પરફોર્મિંગ એસેટસને પોતાના ચોપડામાંથી સામાન્ય રીતે રાઈટ ઓફ્ફ કરી નાખે છે. આમ કરવાથી લાયાબિલિટીઝ અને શકય ખોટ ઘટી જાય છે.
રિઝર્વ બેન્કની ગાઈડલાઈન્સ પ્રમાણે, ચાર વર્ષની સમાપ્તિ પર બેન્કોએ જોગવાઈ કરાઈ હોય તે સહિતની તેમની દરેક એનપીએને પોતાના ચોપડામાંથી રાઈટ ઓફ્ફ કરી નાખવાની રહે છે. નાણાં વર્ષ ૨૦૧૪-૧૫થી અત્યારસુધીમાં બેન્કોએ રૂપિયા ૫.૭૦ ટ્રિલિયનની બેડ લોન્સને રાઈટ ઓફ્ફ કરી છે.
દેશની ૨૧ જાહેર ક્ષેત્રની બેન્કોને સંબંધ છે ત્યાંસુધી, માંડી વળાયેલી બેડ લોન્સની રકમ સતત વધતી રહી છે. નાણાં વર્ષ ૨૦૧૮-૧૯માં આ બેન્કોએ કુલ રૂપિયા ૧.૯૦ ટ્રિલિયનની બેડ લોન્સ રાઈટ ઓફ્ફ કરી હતી, જે શિડયૂલ્ડ કમર્સિઅલ બેન્કોની કુલ રકમના ૯૦ ટકા જેટલી હતી. ૨૦૧૪-૧૫માં કરાયેલી રાઈટ ઓફ્ફની સરખામણીએ આ આંક ચાર ગણો છે.
દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેન્ક એસટીબીઆઈએ રૂપિયા ૫૬૫૦૦ કરોડની બેડ લોન્સને રાઈટ ઓફ્ફ કરવાની ફરજ પડી છે. પાંચ અન્ય બેન્કોના મર્જરને કારણે એસબીઆઈના રાઈટ ઓફ્ફસનો આંક ઊંચો જોવા મળી રહ્યો છે એમ એક બેન્કરે જણાવ્યું હતું.
ભારતની શિડયૂલ્ડ કમર્સિઅલ બેન્કોની એનપીએમાં થઈ રહેલા વધારાને કારણે રાઈટ ઓફ્ફસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ૨૦૧૪-૧૫માં બધી બેન્કોના ચોપડે બેડ લોન્સનો આંક જે રૂપિયા ૩.૨૦ ટ્રિલિયન રહ્યો હતો તે ચાર વર્ષમાં વધીને ૨૦૧૮-૧૯માં રૂપિયા૯.૪૦ ટ્રિલિયન પર આવી ગયો હતો.
મોટા ભાગની બેન્કો તેમની બેડ લોન્સની વસૂલી માટે હવે ઈન્સોલવન્સી અને બેન્કરપ્સી કોડ (આઈબીસી)નો માર્ગ અપનાવી રહી છે ત્યારે, બેડ લોન્સ તથા રાઈટ ઓફ્ફસના વધેલા પ્રમાણ, સૂચવે છે કે, બેન્કોએ જંગી હેરકટ લેવાની ફરજ પડશે. આઈબીસી હેઠળ બેડ લોન્સની રિકવરીનો આંક હાલમાં ૪૩ ટકા જેટલો છે.