આઈપીઓની દ્રષ્ટિએ 2019નું વર્ષ નબળું : નાણાં ઊભા કરવાની માત્રા ચાર વર્ષના તળીયે
- સરકારના શકય સુાૃધારા કાર્યક્રમને ધ્યાનમાં રાખતા ૨૦૨૦નું વર્ષ સારુ રહેવાની અપેક્ષા
મુંબઈ, તા. 26 ડિસેમ્બર 2019, ગુરૃવાર
આર્થિક મંદીની અસરને પગલે ૨૦૧૯માં ભારતમાં ઈનિશિઅલ પબ્લિક ઓફરિંગ્સ (આઈપીઓ) મૂલ્યની દ્રષ્ટિએ ઘટીને ચાર વર્ષની નીચી સપાટીએ રહ્યા છે. પરંતુ સરકારના શકય સુધારા કાર્યક્રમને ધ્યાનમાં રાખતા ૨૦૨૦નું વર્ષ આઈપીઓ માટે સારુ રહેવાની એનાલિસ્ટો અપેક્ષા રાખી રહ્યા છે.
૨૦૧૯માં દેશમાં આઈપીઓ મારફત કંપનીઓએ ૨.૮૦ અબજ ડોલર ઊભા કર્યા છે જે ચાર વર્ષની નીચી સપાટીએ છે. ૨૦૧૭માં આ આંક ૧૧.૭૦ અબજ ડોલર અને ૨૦૧૮માં ૫.૫૦ અબજ ડોલર રહ્યો હતો.
આઈપીઓ બજારના દ્રષ્ટિકોણથી ૨૦૧૯નું વર્ષ ખરાબ વર્ષ રહ્યું છે, એમ એક વિશ્લેષકે જણાવ્યું હતું. વિવિધ પ્રકારની ખલેલો જેમ કે કોર્પોરેટ નિષ્ફળતાઓ અને બેન્કરપ્સીસને કારણે સ્થિતિ મંદ પડી છે.
નાણાંકીય તથા ઔદ્યોગિક ક્ષેત્રએ આઈપીઓમાં ઘટાડાની આગેવાની લીધી છે. આઈપીઓ મારફત નાણાં ઊભા કરવાની માત્રામાં પચાસ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. વર્તમાન વર્ષમાં અત્યારસુધી નિફટી૫૦ ઈન્ડેકસમાં ૧૨ ટકાથી વધુનો સુધારો જોવાયો છે.
છેલ્લા ત્રણ મહિનામાં સરકારે અનેક આવશ્યક સુધારા પગલાં હાથ ધર્યા છે. એટલું જ નહીં વર્તમાન વર્ષમાં આવેલા આઈપીઓની કામગીરી પણ સારી જોવા મળી રહી છે જેને પગલે ૨૦૨૦માં આઈપીઓ માટેનું આઉટલુક આશાસ્પદ જણાય છે.