અમદાવાદ : સપ્ટેમ્બરમાં ક્રેડિટ કાર્ડ ખર્ચમાં ૨૫ ટકાનો નોંધપાત્ર વધારો થયો છે. છેલ્લા ૬ મહિનામાં આ સૌથી ઝડપી વધારો છે. ફેબ્રુઆરી ૨૦૨૪માં પ્રથમ વખત ખર્ચમાં ૨૦ ટકાથી વધુ વધારો થયો હતો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના તાજેતરના ડેટા અનુસાર સપ્ટેમ્બર મહિનામાં ખર્ચ રૂ. ૧.૭૬ લાખ કરોડ રહ્યો હતો, જે એક વર્ષ અગાઉ સમાન સમયગાળામાં રૂ. ૧.૪૨ લાખ કરોડ હતો. ઓગસ્ટ ૨૦૨૪માં ક્રેડિટ કાર્ડ દ્વારા ૧.૬૮ લાખ કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા.
નિષ્ણાતોનું કહેવું છે કે બેઝ ઈફેક્ટ અને તહેવારોની માંગને કારણે મજબૂત વૃદ્ધિ નોંધાઈ છે. કેરએજ રેટિંગ્સે જણાવ્યું હતું કે, ક્રેડિટ કાર્ડ ખર્ચમાં વધારો ગયા વર્ષના સમાન સમયગાળાના નીચા આધાર અને તહેવારોના ખર્ચમાં વધારો થવાને કારણે છે.
આ ઉપરાંત ઈએમઆઈ જેવી પ્રોત્સાહક યોજનાઓની પણ તહેવારોની સિઝનમાં અસર જોવા મળી છે. તહેવાર અને તેને લગતી તમામ પ્રોત્સાહક યોજનાઓને કારણે આગામી સમયમાં પણ ખર્ચ વધુ સારી થવાની સંભાવના છે.રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે તાજેતરમાં જણાવ્યું હતું કે તહેવારોની મોસમની માંગ ભારતના આર્થિક વિકાસ પર મિશ્ર સંકેતો આપી રહી છે.
પરંતુ હકારાત્મક સંકેતો નકારાત્મક સૂચકાંકો કરતાં વધુ છે અને ભારતનું અર્થતંત્ર સારું પ્રદર્શન કરી રહ્યું છે. જુલાઇ-સપ્ટેમ્બર દરમિયાન ખાનગી ક્ષેત્રની કેટલીક બેંકો પર ક્રેડિટ કાર્ડ તેમજ માઇક્રોફાઇનાન્સનું દબાણ વધ્યું છે. ક્રેડિટ કાર્ડ્સના કિસ્સામાં, કેટલાક સેગમેન્ટ્સ એવા છે જ્યાં પ્રારંભિક દબાણ છે અને દેવાના સંકેતો છે.
સૌથી મોટી ક્રેડિટ કાર્ડ ઇશ્યુ કરનાર એચડીએફસી બેંકનો ક્રેડિટ કાર્ડ ખર્ચ સપ્ટેમ્બર ૨૦૨૩માં વધીને રૂ. ૫૨,૨૨૬.૫૯ કરોડ થયો હતો, જે સપ્ટેમ્બર ૨૦૨૩માં રૂ. ૩૮,૬૬૧.૮ કરોડ હતો. એસબીઆઈ કાર્ડ્સમાંથી ટ્રાન્ઝેક્શન ૧૧ ટકા વધીને રૂ. ૨૭,૭૧૪.૭ કરોડ, ICICI બેન્કના કાર્ડ્સનો ખર્ચ ૨૪ ટકા વધીને રૂ. ૩૧,૪૫૭ કરોડ અને એક્સિસ બેન્કમાંથી ૧૫.૧ ટકા વધીને રૂ. ૧૮,૭૨૧.૯ કરોડ થયું છે.


