અમદાવાદ : ભારતીય શેરબજાર માર્કેટ વિક્રમ સંવત ૨૦૮૦ શાનદાર રહ્યું હતુ. જોકે વર્ષનો છેલ્લો મહિનો ખૂબ જ ભારે અને ખરાબ રહ્યો હતો. ઉંચા વેલ્યુએશનના ભારણ પર વૈશ્વિક સ્તરે યુદ્ધની સ્થિતિ અને મોંઘવારીના જોરે ભારતીય શેરબજારને નીચે ધકેલ્યા હતા. ૩જી ઓક્ટોબરથી અંતિમ મહિનો આસો શરૂ થયો હતો અને આ મહિને અંદાજે ૭%નો કડાકો બોલાયા છતા સેન્સેકસ-નિફટી સંવત વર્ષમાં ૨૫%થી વધારે વળતર આપ્યું છે. આ મહિને વિદેશી રોકાણકારોની જંગી વેચવાલીનો સામનો સ્થાનિક સંસ્થાગત રોકાણકારોએ કર્યો છે.
ડીઆઈઆઈ એટલેકે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ સંવત ૨૦૮૦ દરમિયાન ભારતીય ઇક્વિટીમાં વિક્રમી રૂ. ૪.૬ લાખ કરોડનું રોકાણ કર્યું છે. કોઈપણ સંવતમાં આ તેમનું અત્યાર સુધીનું સૌથી વધુ ચોખ્ખું વાર્ષિક રોકાણ છે. મજબૂત સ્થાનિક રોકાણે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સના ઓછા રોકાણ છતા બજારને સંતુલિત કરીને મજબૂતી પ્રદાન કરી છે.
ફોરેન ઈન્વેસ્ટરોએ આ વર્ષ દરમિયાન રૂ. ૯૦,૦૦૦ કરોડ આસપાસની નેટ રકમનું યોગદાન આપ્યું હતું. આ વર્ષે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, ઓટોમોબાઈલ, ફાર્માસ્યુટિકલ, પાવર અને પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઈઝ સેક્ટરોએ તેજીની આગેવાની લીધી હતી.
કોરોના મહામારી બાદ ભારતીય શેરબજાર તરફ સ્થાનિક રિટેલ રોકાણકારોનું જોમ ખૂબ જ વધ્યું છે. દર મહિને કે અમુક નિશ્ચિત સમયે મ્યુચ્યુઅલ ફંડ થકી પરોક્ષ અને હવે તો પ્રત્યક્ષ રોકાણ કરવાની નવી પ્રથા રિટેલ રોકાણકારોએ અપનાવી છે. ભારતીય ઈક્વિટી માર્કેટ સંવત ૨૦૮૦ દરમિયાન નવી ઊંચાઈએ પહોંચ્યું હતું. નિફ્ટી ૫૦એ પ્રથમ વખત ૨૬,૦૦૦નો આંકડો પાર કર્યો હતો અને સપ્ટેમ્બર ૨૦૨૪માં ૨૬,૨૭૭ના સ્તરે પહોંચ્યો હતો. તાજેતરના સાત ટકાના ઘટાડા છતાં નિફ્ટી ૫૦ અને સેન્સેક્સે હજુ પણ વર્તમાન સંવતમાં અનુક્રમે ૨૫.૩ ટકા અને ૨૩.૩ ટકા વળતર આપ્યું છે.
કોવિડ રોગચાળા પછી સંવત ૨૦૭૭માં સેન્સેકસ-નિફટીનું આ શ્રેષ્ઠ પ્રદર્શન હતું. તે વર્ષે નિફ્ટી ૫૦ અને સેન્સેક્સ અનુક્રમે ૪૦.૨ ટકા અને ૩૭.૬ ટકા વધ્યા હતા. તેમ છતા મહત્વની વાત એ છે કે કોરોના મહામારીના વર્ષે પણ સ્થાનિક ફંડોએ ઈક્વિટીમાં રૂ. ૩.૨ લાખ કરોડનું રોકાણ કર્યું હતું અને આ વર્ષે તો રૂ. ૪.૬ લાખ કરોડનું રેકોર્ડબ્રેક ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે.
બ્રોડર માર્કેટે પણ તાજેતરના મસમોટા કડાકા છતા શાનદાર પ્રદર્શન કર્યું છે. નિફ્ટી મિડકેપ ૧૦૦ અને નિફ્ટી સ્મોલકેપ ૧૦૦ સૂચકાંકો અનુક્રમે ૩૬.૮ ટકા અને ૩૫.૧ ટકાના વધારા સાથે સંવત ૨૦૮૦માં ચમક્યા હતા. ગત સંવત વર્ષમાં મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકોમાં ૩૨.૭ ટકા અને ૩૮.૪ ટકાનો વધારો થયો હતો, જ્યારે તેમનું રેકોર્ડ પ્રદર્શન સંવત ૨૦૭૭માં કોરોના મહામારી બાદ રેકોર્ડ બ્રેક અનુક્રમે ૭૦ ટકા અને ૮૦ ટકા વૃદ્ધિનું રહ્યું હતુ.
આ વર્ષે સૌથી વધુ રિટર્ન આપનારા મોટા નામો પર નજર કરીએ તો નિફ્ટી ૫૦૦ ઈન્ડેકસમાંથીે ટ્રેન્ટ, ઝોમેટો, ડિક્સન ટેક્નોલોજીસ અને પીબી ફિનટેક સહિત ૪૮ કંપનીઓના શેરના ભાવ સંવત ૨૦૮૦ દરમિયાન બમણાથી વધુ વધી ગયા છે. અન્ય આઉટપરફોર્મર્સમાં રેલ વિકાસ નિગમ, કોચીન શિપયાર્ડ અને મઝાગોન ડોક શિપબિલ્ડર્સનો પણ સમાવેશ થાય છે.
બજાર નિષ્ણાંતોના મતે મોટા કોઈ યુદ્ધ કે અન્ય કોઈ આર્થિક નકારાત્મક કારણો છતા ભારતીય શેરબજારને રિટેલ રોકાણકારોએ જ ડ્રાઈવર સીટથી આગળ વધારશે. મ્યુચ્યુઅલ ફંડ થકી રોકાણની પદ્ધતિ ચલણ સંવત ૨૦૮૧માં પણ ચાલુ રહેશે. બીજી તરફ, એફપીઆઈનું વેચાણ સંપૂર્ણપણે વ્યૂહાત્મક છે અને તે ટૂંક સમયમાં જ ફરી ભારત તરફ દોટ મુકવાની શક્યતા છે.


