સેબીને મદદ કરવા આવક વેરા વિભાગ કરદાતાની વિવિધ માહિતી પૂરી પાડશે
- ભાગીદારી પેઢીમાં ભાગીદારોના નામ, સરનામા, પાન નંબર સહિતની વિગતો સોંપવામાં આવશે
મુંબઈ, તા. 12 ફેબુ્રઆરી 2020, બુધવાર
પાન ઈન્ફરમેશન જેવી કરદાતાઓની દરેક માહિતીની આવક વેરા વિભાગ સિક્યુરિટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) સાથે આપલે કરશે. શેરબજારમાં ગેરરીતિ આચરવામાં સંડોવાયેલી કંપનીઓ ઉપરાંત વિવિધ કંપનીઓ સામેની તપાસમાં સેબીને મદદ કરવા આ માહિતી પૂરી પડાશે એમ એક સત્તાવાર ઓર્ડરમાં જણાવાયું છે.
વેરા વિભાગ માટે નીતિ તૈયાર કરતું ધ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસિઝે (સીબીડીટી) આ સંદર્ભમાં ૧૦ ફેબુ્રઆરીના રોજ એક ઓર્ડર જારી કર્યો છે. મુખ્યત્વે ત્રણ બાબતો, જેમ કે, વિનંતી આધારિત ડેટાની આપલે, આપમેળે તથા ઓટોમેટિક ધોરણે આ માહિતીનું શેરિંગ થશે.
આ નિર્ણયનો અમલ કરવા સેબી તથા આવક વેરા વિભાગ ટૂંક સમયમાં સમજુતિ કરાર કરશે અને ડેટાની આપલે કેવી રીતે કરવી, તેને ગુપ્ત કેવી રીતે રાખવા અને ઉપયોગમા ંલઈ લેવાયા બાદ તેનો નાશ કેવી રીતે કરવા તેની પદ્ધતિ પણ તૈયાર કરાશે.
સુ મોટો આપલેમાં એવી માહિતી પૂરી પડાશે જે શેરબજારમાં ગેરરીતિ સંબંધિત હશે અને એવી પણ માહિતી જે સેબી માટે આવશ્યક હોય. વિનંતી આધારિત માહિતીમાં, આવક વેરા વિભાગ પાનને લગતી માહિતી પણ પૂરી પાડશે જેમાં, પાન કયારે મેળવાયો, પાનધારકની જન્મતારીખ, પતિ અથવા પિતાનું નામ, તસવીર વગેરે પણ પૂરા પડાશે.
ભાગીદારી પેઢીમાં ભાગીદારોના નામ અને સરનામા, આઈટી રિટર્નમાં દર્શાવાયેલી માહિતીઓ જેમકે ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, ફાઈલ્ડ કરાયેલા આઈટી રિટર્નના એકનોલોજમેન્ટ પર આવેલા આઈપી એડ્રેસ પણ પૂરી પડાશે. સંબંધિત કાયદાઓ હેઠળ પોતાની કામગીરી બજાવવા સેબી આ માહિતીનો ઉપયોગ કરવા માગે છે તેની માહિતી પૂરી પાડતી વખતે આવક વેરા વિભાગ ખાતરી કરી લેશે.
ડેટાના ઓટોમેટિક આપલે હેઠળ ફોર્મ ૬૧માં ધરાવાતી માહિતીને વેરા વિભાગ સેબીને પૂરી પાડશે. ફોર્મ ૬૧માં એક વ્યક્તિ એવું ડિકલેરેશન આપે છે જેમાં તેને માત્ર ખેતી મારફત જ આવક થાય છે અને તે અન્ય રીતે કોઈ આવક ધરાવતો નથી જેના પર આવક વેરો લાગુ થતો હોય, તેવું જણાવે છે.